અભિનયની તાલીમ લઇને આવો તો જ ફિલ્મોમાં ચાન્સ મળે એવું નથી. અભિનેત્રીઓ હોય તેનું તો સૌંદર્ય જ પ્રથમ જોવામાં આવે છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની સૌંદર્ય સ્પર્ધા જીતનારી ‘બ્યુટી ક્વિન’ ને તરત ચાન્સ મળે છે. ચાન્સ મળ્યા પછી કારકિર્દી ન બનાવી શકે તો તેમાં ઇન્ડસ્ટ્રીનો વાંક નથી હોતો. ફિલ્મ જગતમાં ટકી જવા માટે એક જૂદી ત્રેવડનો ખપ હોય છે. હમણાં હરનાઝ સંધુ મિસ યુનિવર્સનો તાજ પહેરવા બાબતે નસીબદાર પૂરવાર થઇ. હવે ઘણા રાહ જુએ છે કે પરદા પર તે કયારે દેખાશે. પ્રિયંકા ચોપરા કે જે વર્ષ 2000માં મિસ યુનિવર્સ થઇ હતી તે પણ ખુશ છે અને કહ્યું કે હું હરનાઝને જોવા આતુર છું કારણ કે તે 21 વર્ષ પછી મિસ યુનિવર્સ બનનારી ભારતીય સુંદરી છે.
હરનાઝ 1.76 મિટરની ઊંચાઇ ધરાવે છે અને 34-24-34નો પર્ફેકટ શારીરિક બાંધો તેને મળ્યો છે. 2019માં તે ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ જાહેર થઇ હતી. 3 માર્ચ 2000માં જન્મેલી હરનાઝ ચંડીગઢની છે. હિન્દી ફિલ્મોમાં તેને કયારે તક મળશે તે ખબર નથી પણ આ વર્ષે જ ‘યારા દિયાં પુ બરન’ અને ‘બાઇ જી કુટ્ટાંગે’ નામની બે પંજાબી ફિલ્મમાં તો તે આવી ચુકી છે એટલે હિન્દી ફિલ્મ તેના માટે દૂર ન જ હશે. ફિલ્મો ઉપરાંત તે કલર્સ ટી.વી.ની ‘ઉડારીયાં’ શ્રેણીમાં પણ આવી ચુકી છે.
હરનાઝ પહેલાં મિસ યુનિવર્સ બનેલી સુશ્મિતા સેન અને લારા દત્તા ફિલ્મોમાં આવી પણ કોઇ જબરદસ્ત કારકિર્દી જમાવી શકી નથી. ફિલ્મોમાં સૌંદર્ય મહત્વનું છે પણ સ્ક્રિન પ્રેઝન્સ, ડાન્સિંગ સ્કિલ, ઉચ્ચારણ શુધ્ધિ અને અનેક પ્રકારના દ્રશ્યોમાં અભિનય ક્ષમતા પૂરવાર કરવી જરૂર હોય છે. હરનાઝમાં જો એ બધું હશે તો હર એક ફિલ્મ ચાહક તેની પર નાઝ કરશે. હિન્દી ફિલ્મ નિર્માતાઓ અત્યારે હરનાઝમાં જે કાંઇ ક્ષમતા છે તે જોઇ રહ્યા છે અને તેને ચોક્કસ જ ચાન્સ આપશે. હરનાઝના નામે એક વધુ પંજાબણ હિન્દી ફિલ્મોમાં પ્રવેશશે.