Columns

કન્યાઓની લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવા પાછળ સરકારનો ઇરાદો શું છે?

આપણી સરકાર કેટલાંક પગલાંઓ એવાં ભરે છે, જેની પાછળના સરકારના ઇરાદાઓ કદી સમજી શકાતા નથી. કન્યાઓની લગ્નની લઘુતમ ઉંમર ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવા પાછળ પણ સરકારનો કોઈ ભેદી ઇરાદો છે, જે સરકાર સમજાવી શકતી નથી. હાલના કાયદાઓ મુજબ યુવાન ૨૧ વર્ષનો થાય ત્યારે અને યુવતી ૧૮ વર્ષની થાય ત્યારે કાયદેસર લગ્ન કરી શકે છે. આજે પણ કેટલાક સમાજોમાં કન્યા ૧૮ વર્ષની થાય તે પહેલાં તેનાં લગ્ન કરી દેવામાં આવે છે; પણ સરકાર તેને રોકી શકતી નથી, કારણ કે તે સામાજિક રીતરિવાજોનો ભાગ છે. સમાજમાં જે રીતરિવાજો સદીઓથી ચાલ્યા આવતા હોય, તેને કાયદાથી બદલી શકાતા નથી.

જો ૧૮ વર્ષની યુવતી મતદાન કરી શકતી હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકતી હોય અને માતા પણ બની શકતી હોય તો તે લગ્ન કેમ ન કરી શકે? આવા સિમ્પલ પ્રશ્નનો જવાબ આપવાને બદલે ભાજપના મોરચાની સરકાર સંસદમાં ખરડો લાવી હતી, જેમાં કન્યાઓના લગ્નની લઘુતમ વય ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષની કરવાની દરખાસ્ત લાવવામાં આવી હતી. સંસદમાં વિપક્ષોના વિરોધને કારણે આ ખરડો સ્ટેન્ડિંગ કમિટિને સોંપવામાં આવ્યો છે; પણ સરકારને સંસદમાં આવો ખરડો લાવવાની જરૂર કેમ પડી? તે સવાલનો કોઈ જવાબ મળતો નથી. સરકારનો તેની પાછળ કોઈ ગુપ્ત ઇરાદો હોઈ શકે છે.

પહેલો સવાલ એ કે હાલમાં કોઈ યુવતી ૧૮ વર્ષની ઉંમરે લગ્ન કરવા ન માગતી હોય અને ૨૧ વર્ષ સુધી રાહ જોવા માગતી હોય તો તેના પર કોઈ પાબંદી નથી. તેને કોઈ સમાજ ૧૮ વર્ષની ઉંમરે લગ્ન કરવાની ફરજ પાડતો નથી. આજે નોકરી કરતી અનેક મહિલાઓ ૨૫ કે ૩૦ વર્ષની ઉંમર પછી લગ્ન કરે છે. તેમના પર સમાજનું કોઈ નિયંત્રણ નથી. સરકાર કહે છે કે કન્યાના લગ્નની લઘુતમ વયમર્યાદા વધારીને તેઓ મહિલા સશક્તિકરણ કરી રહ્યા છે. જો કોઈ યુવતી ૧૮ વર્ષની ઉંમરે પોતાની મરજીથી પરણવા માગતી હોય તો તેને અટકાવવામાં ક્યું મહિલા સશક્તિકરણ છે?

સરકારની બીજી દલીલ યુવકોની અને યુવતીઓની લગ્નની વય સમાન કરવા બાબતની છે. સરકાર કહે છે કે યુવકો માટે લગ્નની લઘુતમ વય ૨૧ વર્ષ રાખવામાં આવી છે. યુવતીઓને પણ સમાન ગણવા તેમની લઘુતમ વય પણ ૨૧ વર્ષની કરવી જોઈએ. આ દલીલ પણ ક્ષતિયુક્ત છે. શરીરવિજ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય જાતિમાં નર કરતાં માદાનો શારીરિક વિકાસ ઝડપી હોય છે. નરમાં ૨૧ વર્ષની ઉંમરે જેટલી પુખ્તતા આવતી હોય છે, તેટલી પુખ્તતા માદામાં ૧૬ વર્ષની ઉંમરે આવી જતી હોય છે. માટે આદર્શ પરિસ્થિતિ તો એવી હોવી જોઈએ કે જો પુરુષ માટે લગ્નની ૨૧ વર્ષની લઘુતમ વયમર્યાદા રાખવામાં આવી હોય તો સ્ત્રી માટે તે વયમર્યાદા ૧૬ વર્ષની જ હોવી જોઈએ. નીતિશાસ્ત્રો પણ કહે છે કે ૧૬ વર્ષે યુવાન કે યુવતી પુખ્ત બની જાય છે. જો વર્તમાન કાયદા મુજબ પણ કન્યાને ૧૮ વર્ષે પુખ્ત માનવામાં આવતી હોય તો તેને લગ્ન કરતાં અટકાવીને સરકાર શું હાંસલ કરવા માગે છે? સરકાર તેની પાછળનું લોજિક સમજાવવામાં નિષ્ફળ ગઈ છે.

ઇન્ડિયન પિનલ કોડ મુજબ પણ સ્ત્રીઓ માટે ‘એજ ઓફ કન્સેન્ટ’ ૧૬ વર્ષની નક્કી કરવામાં આવી છે. અર્થાત્ કોઈ ૧૬ વર્ષ કે તેથી વધુ ઉંમરની કન્યા પોતાની મરજીથી કોઈ પુરુષ સાથે શરીરસંબંધ બાંધે તો તેને બળાત્કાર ગણવામાં આવતો નથી. તેથી વિરુદ્ધ કોઈ પુરુષ ૧૬ વર્ષથી ઓછી ઉંમરની કન્યા સાથે તેની સંમતિપૂર્વક પણ શરીરસંબંધ બાંધે તો તેને બળાત્કાર ગણવામાં આવે છે; કારણ કે ૧૬ વર્ષથી ઓછી ઉંમરની કન્યાને જાતીય સંબંધ બાબતમાં સમજણ હોતી નથી. જો ૧૬ વર્ષ કે તેથી વધુ ઉંમરની કન્યાને પોતાની મરજી મુજબ સેક્સ કરવાની છૂટ કાયદા દ્વારા આપવામાં આવતી હોય તો તેને લગ્ન કરવાની છૂટ કેમ ન આપી શકાય? મહિલાઓના અધિકારો માટે લડતી સંસ્થાઓ હકીકતમાં કન્યાઓ માટે લગ્નની વય ઘટાડવાની માગણી કરી રહી છે, જેથી ૧૬ થી ૧૮ વર્ષની કન્યાઓ વ્યભિચાર કરવાને બદલે લગ્ન કરીને ઠરીઠામ થાય. તેને બદલે ૧૬ થી ૨૧ વર્ષની કન્યાઓને લગ્ન કરતાં રોકવાથી તેમના વ્યભિચારના કિસ્સાઓ વધી નહીં જાય?

આજે ૧૬ વર્ષની કન્યાઓ કોલેજમાં ભણવા જતી હોય છે. તેઓ બોયફ્રેન્ડ કરે છે અને તેની સાથે સેક્સ પણ કરે છે. તેમને સંતતિનિયમનનાં સાધનોનો ઉપયોગ કરતાં પણ આવડે છે. પ્રસાર માધ્યમોના પ્રભાવને કારણે કન્યાઓ માનસિક રીતે પણ વહેલી પુખ્ત થઈ જતી હોય છે. આવી કન્યાઓ લગ્ન પહેલાં સેક્સ કરે તો તેમને સજા કરતો કોઈ કાયદો સંસદમાં ઘડવામાં આવ્યો નથી; પણ લગ્ન કરતાં રોકવાનો કાયદો ઘડીને સરકાર તેમને વ્યભિચાર તરફ ધકેલવા માગે છે?

ભારતમાં બાળલગ્ન પ્રતિબંધક કાયદો સરિયામ નિષ્ફળતાને વર્યો છે, કારણ કે આપણો સમાજ આ કાયદા માટે તૈયાર નથી. ભારતમાં આજે પણ એવી અનેક જાતિઓ અને કોમો છે, જેમાં બાળલગ્ન બહુ સામાન્ય અને સ્વીકાર્ય પરંપરા ગણાય છે. કોઇ પણ સામાજિક પરંપરાને સમાજનો મોટો વર્ગ અનુસરતો હોય ત્યારે તેને કાયદા દ્વારા નાબૂદ કરી શકાય નહીં. એક સર્વે પ્રમાણે ભારતની ૪૬ ટકા કન્યાઓને તેઓ ૧૮ વર્ષની થાય તે પહેલાં જ પરણાવી દેવામાં આવે છે. આજની તારીખમાં ભારતમાં સગીર વયની ૨.૩૦ કરોડ પત્નીઓ છે. હવે સરકાર કહે છે કે ૧૮ વર્ષની કન્યાને પણ સગીર ગણવામાં આવશે અને તેનાં લગ્ન ગેરકાયદે ગણવામાં આવશે.

સરકાર બાળલગ્ન પ્રતિબંધક ધારામાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. વર્તમાન વ્યાખ્યા મુજબ જો ૧૮ વર્ષથી ઓછી ઉંમરની કન્યા લગ્ન કરે તો તેને બાળલગ્ન ગણીને લગ્ન કરાવનાર સામે ફોજદારી કેસો કરવામાં આવે છે. હવે જો ૨૦ વર્ષની યુવતી લગ્ન કરશે તો લગ્ન કરાવનારા ગોર મહારાજા ઉપરાંત લગ્નમાં હાજર રહેલા જાનૈયાઓ ઉપર પણ ફોજદારી કેસ થશે. આ કાયદા દ્વારા સરકાર બાળકની વ્યાખ્યા પણ બદલી નાખવા માગે છે. નવી વ્યાખ્યા મુજબ ૨૦ વર્ષની યુવતી બાળક ગણાશે. આ બાળકને મત આપવાનો અધિકાર હશે, કાર ચલાવવાની છૂટ હશે, પણ તેને લગ્ન કરવાની છૂટ આપવામાં આવશે નહીં.

જો કુદરતી ન્યાય અને વ્યક્તિગત સ્વતંત્રતાના સિદ્ધાંતની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિએ ક્યારે લગ્ન કરવા? ક્યારે બાળકો પેદા કરવાં? શું ખાવું? શું પીવું? તેનો નિર્ણય તે વ્યક્તિ પર છોડી દેવો જોઈએ. તે વ્યક્તિ જ્યાં સુધી સમાજની શાંતિનો ભંગ ન કરે ત્યાં સુધી સરકારે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. કોઈ પણ કન્યાએ કે મૂરતિયાએ ક્યારે લગ્ન કરવા? તે નક્કી કરવાનો અધિકાર કન્યાને કે મૂરતિયાને કે તેમના માતાપિતાને હોવો જોઈએ. તેમાં સરકારે માથું મારવાની શું જરૂર છે? સરકાર પાસે બીજાં કામો ઓછાં છે કે તે આ નવી ઉપાધિ વહોરી લેવા તૈયાર થઈ છે?

કન્યાની લગ્નની લઘુતમ વય ૨૧ કરવા સરકાર હિન્દુ મેરેજ ધારા ઉપરાંત પારસી મેરેજ ધારો, મુસ્લિમ મેરેજ ધારો, ખ્રિસ્તી મેરેજ ધારો વગેરેમાં પણ ફેરફાર કરવા માગે છે. આ બધી લઘુમતી કોમો દ્વારા પણ સૂચિત કાયદાનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે મુસ્લિમ સમાજમાં કન્યાને વહેલાં પરણાવી દેવામાં આવે છે. જ્યારે સરકાર આ કાયદા પાછળનું કોઈ લોજિક સમજાવી નથી શકતી ત્યારે એક જ શંકા રહે છે કે સરકાર લગ્નની ઉંમર વધારવા દ્વારા વસતિમાં ઘટાડો તો કરવા નથી માગતી ને? જો સરકારનો ઇરાદો ખરેખર વસતિ ઘટાડવાનો જ હોય તો તેણે સંસદમાં તે મુજબની જાહેરાત કરવી જોઈએ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top