અલ્લૂ અર્જૂનની એક વધુ ફિલ્મ ‘પુષ્પ’ રજૂ થઇ છે. અામ તો તેલુગુ ફિલ્મોનો સ્ટાર છે પણ હવે સાઉથની ફિલ્મો ડબ્ડ થઇને હિન્દીમાં સતત રજૂ થાય છે. અલ્લુની તો બે-પાંચ નહીં પૂરી પંદર ફિલ્મો તમે હિન્દીના ડબ્ડ વર્ઝનમાં જોઇ હશે. તેની 2010ની ‘વેદમ’ ‘અંતિમ ફેંસલા’ નામ રજૂ થયેલી જેમાં અનુષ્કા શેટ્ટીને મનોજ વાજપેયી પણ હતા. તો ‘પરાગુ’ નામની ફિલ્મ ‘વીરતા: ધ પાવર’ નામે રજૂ થયેલી. ‘વરાડુ’ ફિલ્મ ‘એક ઔર રક્ષક’ નામે તો ‘દેસામુદુરુ’ હિન્દીમાં ‘એક જવાલામુખી’ નામે આવેલી જેમાં તેની હીરોઇન હંસિકા મોટવાની હતી. હિન્દી ફિલ્મો જોનારાઓ સાઉથની ફિલ્મો સતત જોતા હોય છે. એ ફિલ્મના શીર્ષક એકદમ એવા કરી દેવાય છે કે જાણે મૂળ હિન્દીમાં જ એ ફિલ્મ બની હોય એવું લાગે. જેમ કે આલુની 2012ની તેલુગુ એકશન- કોમેડી ફિલ્મ ‘જૂલાઇ’નું નામ ‘ડેન્ઝરસ ખિલાડી’ હતું ને તેમાં ઇલિયાના ડિક્રૂઝ હતી. તો ‘બદરીનાથ’ ફિલ્મ ‘સંઘર્ષ ઓર વિજય’ નામે રજૂ થયેલી જેમાં તમન્ના ભાટિયા હતી.
આ રીતે ‘બન્ની’ને ‘બન્ની ધ હીરો’, ‘આર્યા’ને ‘આર્યા કી પ્રેમપ્રતિજ્ઞા’, ‘ગંગોત્રી’ એજ નામે રજૂ થયેલી. તેની ‘રુદ્રમણી’ થ્રીડી એપિક હિસ્ટોરિકલી રિકશન ફિલ્મ હતી. અલ્લૂ અર્જૂનની ‘પુષ્પ: ધ રાઇઝ’ આ 17મી ડિસેમ્બરે રજૂ થઇ છે. જે ફકત તમિલ, મલયાલમ, કન્નડ જ નહીં હિન્દીમાં પણ આવી છે. હકીકતે આ ફિલ્મ પહેલા ભાગરૂપે છે અને તે આંધ્રપ્રદેશના રાયલાસીમાં વિસ્તારમાં થતી ચંદનની સ્મગલીંગની વાત કહે છે. ફિલ્મમાં અલ્લૂ અર્જૂનમાં સ્વયં એક ટ્રક ડ્રાઇવર છે ને તેનું નામ પુષ્પરાજ છે જે સ્વયં મોટો સ્મગલર છે. મતલબ કે આ એક એકશન ફિલ્મ છે જેમાં ચંદનના સ્મલીંગને આધાર બનાવવામાં આવી છે. અલ્લુને ખાત્રી છે કે હિન્દીમાં પણ તેને મોટો પ્રેક્ષકવર્ગ મળશે.