નવી દિલ્હી: (New Delhi) દક્ષિણ આફ્રિકામાંથી (South Africa) મળી આવેલા કોરોનાના (Corona) નવા વેરિએન્ટ (New Variant) ઓમિક્રોને (Omicron) ચિંતા વધારી દીધી છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. 5 દિવસમાં કોરોનાના કેસની સંખ્યા બેગણી વધી છે. હાલમાં ભારતમાં (India) ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની (Patient) સંખ્યા 230 પર પહોંચી ગઈ છે.
ઓમિક્રોન ખૂબ જ ઝડપથી દેશમાં ફેલાઈ રહ્યો છે. 5 જ દિવસમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 200ના આંકડાને પાર કરી ગઈ છે. 5 દિવસ પહેલાં તે 100ની આસપાસ હતા. ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા હાલમાં 230ની નજીક પહોંચી છે. કોરોનાનો આ નવો વેરિએન્ટ 15 રાજ્યોમાં ફેલાઈ ચૂકયો છે. સારી વાત એ છે કે જેટલી ઝડપથી ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે, તેટલી જ ઝડપથી આ વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ ડેલ્ટા વેરિએન્ટ કરતા ઓમિક્રોન વધુ ચેપી હોઈ લોકોને સાવચેત રહેવા ચેતવ્યા છે.
દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ 2 ડિસેમ્બરે આવ્યો હતો, 20 દિવસમાં 200 પાર
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભારતમાં પહેલો કેસ 20 દિવસ પહેલાં 2 ડિસેમ્બરના રોજ નોંધાયો હતો. કર્ણાટકના બેંગ્લુરુમાં બે લોકો સંક્રમિત થયા હતા. ત્યારથી અત્યાર સુધી કુલ 110 ટકા ઓમિક્રોનના કેસોમાં વધારો થયો છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં તો હાલત ખૂબ જ ખરાબ છે. આરોગ્ય મંત્રાલય અનુસાર મહારાષ્ટ્રમાં 65 અને દિલ્હીમા 57 દર્દી મળી ચૂક્યા છે.
ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2 ડિસેમ્બરે દેશમાં 2 કેસ હતા અને 14 ડિસેમ્બરે તેનો આંકડો 50ને પાર પહોંચી ગયો હતો. ત્યાર બાદ માત્ર 4 દિવસમાં કેસ 50થી વધી 100 પર પહોંચ્યા હતા. 17 ડિસેમ્બરે દેશમાં ઓમિક્રોનના કેસ 100 હતા અને 21 તારીખે તે 200 પાર પહોંચી ચૂક્યા છે. એટલે કે માત્ર 5 જ દિવસમાં ઓમિક્રોનના કેસ બે ગણા વધ્યા છે. જે ચિંતાજનક બાબત છે.
આ 15 રાજયોમાં કોરોનાના 229 કેસ નોંધાયા
ઓમિક્રોનના સૌથી વધુ દર્દી મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. અહીં 65 કેસ નોંધાયા છે. ત્યાર બાદ દિલ્હીમાં 57, તેલંગાણામાં 24, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 22, કેરળમાં 15, ગુજરાતમાં 14, જમ્મુ-કાશ્મીરમાં 3, ઓરિસ્સામાં 2, ઉત્તરપ્રદેશમાં 2, આંધ્રપ્રદેશમાં 2, ચંદીગઢમાં 1, લદ્દાખમાં 1, તમિલનાડુમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 કેસ નોંધાયો છે.