SURAT

ડિંડોલીમાં બોગસ કબજા રસીદથી સોસાયટીનું નામ આપી પ્લોટ પચાવી પાડનાર ચાર સામે ફોજદારી

સુરત: (Surat) ડિંડોલીમાં બિલ્ડરના નામે પ્લોટની બોગસ કબજા રસીદ (Possession receipt) બનાવી જમીનમાં સોસાયટીનું નામ આપી દઇને પ્લોટો બારોબાર વેચી દેવાયા હતા. આ જમીન ઉપર કબજો કરી લેનાર ઠગબાજ દંપતિ સહિત ચારની સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. મહત્ત્વની બાબત એ છે કે, સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામને (Construction) લઇને ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ આ અરજીનો નિવેડો આવ્યો ન હતો અને તેમાં જ જમીનમાં ખોટી એન્ટ્રીના આધારે કૌભાંડ કરાયાનું બહાર આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા ટેલીફોન એક્ષચેન્જની સામે સાધના સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષીય અનિલકુમાર કાનજીભાઈ વાઘાણી જમીન મકાન લે-વેચનું કામ કરે છે. અનિકલુમારની ડિંડોલી-ગોડાદરામાં સર્વે નં. 75, 80 તથા 89ના બ્લોક નં. 139માં ફાયનલ પ્લોટ નં. 124 વાળી જૂની શરતની જમીન આવી છે. આ જમીનની સ્થળ તપાસ કરવામા આવી ત્યારે ત્યાં જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ અંબાલાલ પટેલ (રહે. ઓમનગર ડિંડોલી) તેની પત્ની સુમિત્રાબેન, તાલીફ ઉર્ફે રાજુ શીલા ઈદરીશ મીરઝા (રહે. હળપતિવાસ આસપાસ દાદા મંદિર સામે ગોડાદરા) તેમજ કાલીચરણ ઉર્ફે કાલુ (રહે, જલારામ સોસાયટી ) દ્વારા જમીન ઉપર ગ્રાઉન્ડ લેવલથી બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આ બાંધકામને અટકાવવા માટે અનિલભાઇએ ચારેયને કહ્યું હતું, પરંતુ ચારેયએ પોતે જમીન માલિક હોવાનું કહીને અનિલભાઇને ગાળો આપી હતી. ત્યારબાદ અનિલભાઇએ ઉધના ઝોનમાં તેમજ પોલીસ મથકે અરજી કરી હતી. આ દરમિયાન જીતેન્દ્રકુમારે અનિલભાઇને ફોન કરીને અરજી પરત ખેંચીને સમાધાન કરી લેવા માટે કહ્યું હતું.

આ સાથે જ જીતેન્દ્રએ કહ્યું હતું કે, તેણે પ્લોટ નં. 11, 12, 13 અને 40 કબજા રસીદથી ખરીદ કર્યા છે. અનિલકુમારે કબજા રસીદ માંગતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં ફરીવાર અનિલકુમારે ઝોનમાં અરજી કરતા ખબર પડી કે, જીતેન્દ્રએ પાવરદાર લલીતાબેન મગનભાઇના નામે ખોટો પાવર બનાવ્યો હતો. ત્યારબાદ આ જમીનમાં ખોટી કબજા રસીદ બનાવીને દિપકભાઇ મહેશભાઇ પટેલને ખરીદનાર તરીકે દર્શાવાયા હતા. બાદમાં પોતાનું જ નામ દાખલ કરીને તેની ઉપર મહાલક્ષ્મી સોસાયટીનું નામ પણ આપી દેવાયું હતું. અનિલકુમારે આ અરજીના આધારે તપાસ કરતા જીતેન્દ્રકુમાર, તેની પત્ની અને બીજા બે આરોપીઓએ ભેગા થઇને અડધી જમીન પચાવી પાડી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે ડિંડોલી પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top