National

વિપક્ષના હોબાળા વચ્ચે આ મહત્ત્વના 9 બિલ પસાર થયા, આખરે એક દિવસ પહેલાં જ શિયાળુ સત્ર સ્થગિત કરાયું

દિલ્હી : લોકસભા (Loksabha) અને રાજ્યસભા (Rajya Sabha)ની કાર્યવાહી નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા જ આટોપી લેવાઈ છે. શિયાળા સત્રની કામગીરી આજે સમાપ્ત કરી દેવામાં આવી છે. શિયાળું સત્ર (Winter session ) 29 નવેમ્બરથી શરૂ થયું હતું, અને 23 ડિસેમ્બર સુધી ચાલવાનું હતું. પરંતુ બંને ગૃહમાં સતત હોબાળાના કારણે શિયાળા સત્રની કાર્યવાહી એક દિવસ પહેલા જ અનિશ્ચિત કાળ માટે મૌકૂફ કરી દેવામાં આવી છે. હોબાળા વચ્ચે પણ સંસદમાં આ સત્રમાં મહત્તવના નિર્ણયો લેવાયા અને બિલ પસાર કરવામાં આવ્યા હતાં.

બુધવારે રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ(M Venkaiah Naidu ) સામે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અયોધ્યા સંબંધિત મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અધ્યક્ષ નાયડુએ કહ્યું કે મુદ્દો ઉઠાવવા પહેલા સદનમાં નોટિસ આપવી જોઈતી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભામાં 18 બેઠકો યોજાઈ હતી અને ગૃહનું પ્રદર્શન 82 ટકા રહ્યું હતું, જ્યારે વિપક્ષના કારણે 18 કલાક 48 મિનિટ વેડફાઈ ગઈ હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla)એ કહ્યું, ‘આ સત્ર 29 નવેમ્બરથી શરૂ થયું હતું અને આ દરમિયાન કુલ 18 બેઠકો યોજાઈ હતી જે 83 કલાક અને 12 મિનિટ સુધી ચાલી હતી.’ બિરલાએ જણાવ્યું હતું કે આ સત્રમાં મહત્વપૂર્ણ નાણાકીય અને કાયદાકીય કામકાજ સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો અને 12 સરકારી બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને 9 બિલ પસાર કરવામાં આવ્યા હતા.

મંગળવારે રાજ્યસભામાં વોટર આઈડીને આધાર લિંક સાથે જોડવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષે આ મુદ્દે સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું જ્યારે TMC સાંસદ ટેબલ પર રૂલબુક ફેંકી દીધી હતી જેના પગલે તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે શિયાળા સત્રના પહેલા દિવસથી જ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો જેના પગલે 12 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં. સત્ર દરમિયાન કૃષિ કાયદા રદ બિલ 2021, નેશનલ ડ્રગ એજ્યુકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સુધારો બિલ 2021, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એમેન્ડમેન્ટ બિલ 2021, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2021 અને ચૂંટણી કાયદા સુધારા બિલ 2021 જેવા મહત્તવના બિલ રજૂ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top