સુરત: (Surat) અશ્વિનીકુમાર રોડ પર આવેલી એસઆર સિલ્ક મીલ્સ અને શ્રી સાંઈ સંત સિલ્ક મીલ્સના માલીકોએ મળીને તેમના ત્યાં કામ કરતા કુલ 155 કર્મચારીઓની અરજીઓ કરી હતી. જેમાં કર્મચારીઓના નામ એકમેકને મળતા આવતા હોય તેવા કર્મચારીઓના નામો લખી તેવા મળતા નામવાળા કર્મચારીઓના (Employee) એક જ બેંક એકાઉન્ટ નંબર દર્શાવ્યા હતા. અને તેમના 19,42,726 રૂપિયા પી.એફ.ના નાણા તે ખોટા નામવાળા કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં મેળવી લીધા હતા. આ અંગે પીએફ ઓફિસ (PF Office) દ્વારા ક્રાઈમ બ્રાંચમાં તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.
ઘોડદોડ રોડ ખાતે ભવિષ્ય નિધી ભવનમાં રહેતા 47 વર્ષીય શશાંક અરૂણ દલાલ પીએફ ભવનમાં નોકરી કરે છે. તેમના દ્વારા એસ.આર.સિલ્ક મિલ્સ (વિસામા બિલ્ડીંગ એ , પ્લોટ નંબર ૭૬ અશ્વિનીકુમાર રોડ), શ્રી સાંઇબાબા સિલ્ક મિલ્સ (ઠેકાણુ. ઓમ બાદ અશ્વિનીકુમાર રોડ) તથા શ્રી સાંઇ સંત સિલ્ક મિલ્સ (ઠેકાણુ. કખારીયા કંમ્પાઉન્ડના વિશામામાં અશ્વિનીકુમાર રોડ)ના માલિકો કે વહીવટકર્તાઓની સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. રોજગાર મંત્રાલય ભવિષ્ય નિધી કર્મચારી સંગઠનમાં વર્ષ 2016-17 પહેલા કંપની/મીલ/ફેકટરીના કર્મચારીના પીએફ એકાઉન્ટ ખોલાવવા માટે કે.વાય.સી. ડોક્યુમેન્ટ કે બેંક એકાઉન્ટની જરૂર પડતી નહોતી. પરંતુ ત્યાર બાદ વર્ષ 2015-16 પછી જ્યારે કર્મચારી પી.એફ.ના નાણા ઉપાડવા આવે ત્યારે પી.એફ.ઉપાડવાના ફોર્મમાં બેંક એકાઉન્ટની જરૂર પડતી હતી.
તંત્રની પારદર્શિતાની ખામીઓને લીધે કેટલાક લોકો અને કંપનીના માલીકો, ફેકટરીઓના ડીરેકટરો કે વહિવટકર્તાઓએ એક જ બેંક એકાઉન્ટમાં અલગ અલગ પી.એફ.ધારકોના પી.એફ. મેળવી લીધા હતા. અને પી.એફ. ધારકોના મળતા ભળતા નામનો દુર ઉપયોગ કર્યો હતો. આ ત્રણેય મીલના માલીકોએ સીસ્ટમની ખામીનો લાભ ઉઠાવ્યો હતો. તેમની મીલમાં કામ કરતા અને વર્ષ 2010 થી 2016 સુધી તેમની મીલમાંથી છુટા કે રીટાયર્ડ થયેલા હોય તેવા કર્મચારીઓના પી.એફ.ના નાણા લેવા કર્મચારીઓના નામવાળી ખોટી અરજીઓ કરી હતી. મીલ માલીકોએ 155 કર્મચારીઓના પીએફના પૈસા પોતે ઉપાડી લઈ કર્મચારીઓ તથા સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાંચે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
ઓડીટ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યું
એસ.આર.સિલ્ક મીલ્સના વર્ષ 2015-16 ના ઓડીટમાં જાણવા મળ્યું હતું કે, રાજેશકુમાર યાદવના નામથી અરજી કરાઈ હતી. જેમાં તેનો એસોસિએટ કો.ઓ.બેંક નો એકાઉન્ટ નંબર દર્શાવ્યો હતો. તથા સાંઇબાબા સિલ્ક મિલ્સના વર્ષ 2015-16 ના ઓડીટમાં રાજેશ ઉમા શંકર ગુપ્તાના નામથી અરજી કરી હતી. જેમાં તેનો એસોસિએટ કો.ઓ.બેંક નો એકાઉન્ટ નંબર પણ સેમ દર્શાવ્યો હતો.