દ્ધમાં કથા માત્ર વિજય-પરાજય કે શૌર્યની નથી હોતી, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત પણ તેનો અભિન્ન હિસ્સો છે. બાંગ્લાદેશ યુદ્ધમાં એક ઘટના એવી છે જ્યારે એક પાકિસ્તાનના સૈનિકે ભારતના શહીદ સૈનિકના પિતા સમક્ષ ભારોભાર પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો હતો અને તેના પ્રાયશ્ચિત માટે પ્રયાસ પણ કર્યો હતો. ઓવર ટુ બાંગ્લાદેશ લિબરેશન વૉર. કહેવાતાં બાંગ્લાદેશ યુદ્ધમાં ખરેખર લડાઈ તો ભારત-પાકિસ્તાનની હતી. પચાસ વર્ષ પહેલાં થયેલાં આ યુદ્ધનાં મૂળિયાં દેશ આઝાદ થયો અને પશ્ચિમ-પૂર્વ પાકિસ્તાન બન્યા ત્યારથી જ રોપાઈ ચૂક્યા હતા. પશ્ચિમ પાકિસ્તાને(હાલનું પાકિસ્તાન) તત્કાલીન પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ પર વર્ચસ્વ જમાવવા અનેક રીતે જોર લગાવ્યું. આ સિલસિલામાં અંતે પશ્ચિમ પાકિસ્તાન તરફથી બાંગ્લાદેશમાં કત્લેઆમ થઈ અને તેમાં ભારત સાંસ્કૃતિક રીતે બંગાળના જોડાણ અને પાડોશી ધર્મના કારણે પ્રવેશ્યું. આ પ્રવેશથી ભારત-પાકિસ્તાનની સરહદો સળગી અને તેની આગ માત્ર બાંગ્લાદેશ સાથે જોડાયેલી બોર્ડર પર જ ન લાગી, બલકે પાકિસ્તાન સરહદે પણ જંગ ખેલાયો.
આ યુદ્ધમાં ઉત્તર-પૂર્વ પંજાબની સરહદે બસંતરનો જંગ ખેલાયો. સાકરગઢ નામનું ક્ષેત્ર અહીં આવેલું છે અને રણનીતિની રીતે આ સ્થળ ભારત-પાકિસ્તાન બંને માટે અગત્યનું હતું. સાકરગઢ સેક્ટર જમ્મુ અને પંજાબને જોડતી કડી હતી. પાકિસ્તાન આ સ્થળેની નજીક મિલિટરી બેઝ ધરાવતું હતું તેથી પાકિસ્તાન માટે પણ આ અગત્યનો પોઇન્ટ હતો. પાકિસ્તાનના સૈન્ય અધિકારી જાણતા હતા કે જો આ સેક્ટરમાં જીત મેળવીએ તો જમ્મુ કાશ્મીરનો મુખ્ય માર્ગ બંધ થઈ જાય અને ભારતના વિસ્તારથી જમ્મુ-કાશ્મીર કટ-ઓફ કરી શકાય. અહીંયા બંને દેશોએ સૈન્યની શક્ય એટલી ટુકડી ગોઠવી દીધી.
જંગ શરૂ થઈ 3 ડિસેમ્બરના રોજ અને પહેલાં દિવસથી જ ભારતીય સેનાનો પક્ષ મજબૂત બનતો ગયો. ભારતીય સેનાનું ધ્યેય હતું શક્ય એટલા આગળ વધીને પાકિસ્તાન સેના સામે બાથ ભીડવી. અહીં સૈન્ય ડિવિઝનની આગેવાની મેજર જનરલ વાગ પીન્ટો કરી રહ્યા હતા. આગળ વધવામાં સૌથી મોટો અંતરાય લેન્ડમાઇન્સ હતા, જે પાકિસ્તાન તરફથી જ્યાં-ત્યાં દાટવામાં આવ્યા હતા. ભારત તરફથી એન્જિનિયર્સ જેમ જેમ લેન્ડલાઇન દૂર કરતા તેમ સેના આગળ વધી રહી હતી. જીવનમરણનું આ યુદ્ધ જ્યાં સુધી પાકિસ્તાનના સૈન્યે શરણાગતિ ન સ્વીકારી ત્યાં સુધી એટલે કે 16 ડિસેમ્બર સુધી ચાલ્યું. આ દરમિયાન ભારતે જે ફતેહ હાંસલ કરી તેમાં નાયક બનીને ઊભર્યાં તે એકવીસ વર્ષના અરૂણ ખેત્રપાલ.
15 તારીખે પૂના હોર્સ યુનિટને અહીં ડિપ્લોઇડ કરવામાં આવી ત્યારે રાતના નવ વાગ્યા હતા અને યુનિટને આગળ વધવાનો આદેશ આપી દેવાયો હતો. પરંતુ અરૂણ ખેત્રપાલને ટેન્ક સાથે આગળ વધવાનું હતું. ત્યાં ઠેરઠેર લેન્ડમાઇન્સ બિછાવ્યા હતા. એન્જિનિયર્સ તરફથી જેવું ક્લિયરન્સ મળે એટલે ટેન્ક સાથે આપણી સેના આગળ વધી રહી હતી. બસંતર નદીના એક બ્રિજ સુધી આપણી સેના પહોંચી ત્યારે પાકિસ્તાનનું સૈન્ય પણ સામે આવી ચૂક્યું હતું. 16 તારીખે પાકિસ્તાન તરફથી કાઉન્ટર એટેક થયો અને ત્યાં લડત આપી રહેલી ટુકડીના આગેવાન ‘B’ સ્કોર્ડ પર જોખમ વધ્યું. ‘B’ સ્કોર્ડને નજીક રહેલાં સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેત્રપાલને મદદ માંગી. તેઓ તુરંત ત્યાં પહોંચ્યા અને ટેન્ક દ્વારા પાકિસ્તાની સૈન્ય પર હુમલો કર્યો.
અચાનક થયેલાં હુમલાથી પાકિસ્તાનની પીછેહઠ થઈ. જંગી નુકસાન થયું છતાં પાકિસ્તાન તરફથી હુમલો ચાલુ રહ્યો. ખેત્રપાલ અને તેમની ટુકડીએ વળતો હુમલો કરે રાખ્યો. એક સમયે પાકિસ્તાનની બધી જ ટેન્કો ભારતીય સૈન્ય સામે ધસી આવી. ખેત્રપાલ સિવાય આગેવાની લેનારા અન્ય સૈન્ય અધિકારી ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા હતા, તેથી પાકિસ્તાની સૈન્યને અટકાવવાની જવાબદારી ખેત્રપાલના શિરે હતી. અરૂણ ખેત્રપાલ એકલા હાથે જાણે જંગ જીતવાનો ઇરાદો રાખતા હોય તેમ પાકિસ્તાન સૈન્યની સામે થયા અને એક પછી એક પાકિસ્તાની ટેન્કને ડિસ્ટ્રોય કરી આગળ વધતા હતા. આ રીતે તેઓએ પાકિસ્તાનની દસ ટેન્કોને ડિસ્ટ્રોય કરી.
અંતે જ્યારે અરૂણ ખેત્રપાલની ટેન્કમાં આગ લાગી ત્યારે રેડિયો પર તેમને સંદેશો આપવામાં આવ્યો કે ટેન્કને છોડી દો પણ આગ લાગવા છતાં તેઓએ ટેન્કને ન છોડી અને આગળ વધતા રહ્યા. રેડિયો પર ખેત્રપાલનો અંતિમ સંદેશ આ રીતે દર્જ થયો છે : ‘સર, હું ટેન્ક નહીં છોડું, મારી ગન હજુ કામ કરી રહી છે અને હું તેમને નહીં છોડું’ છેલ્લી જે ટેન્ક તેમણે ડિસ્ટ્રોય કરી તે તેમની પોઝિશનથી માત્ર 100 મીટર દૂરી પર હતી. જો કે અંતે એક ગોળી તેમને આવીને વાગી અને તેઓ લડતાં લડતાં વીરગતિ પામ્યા.
અરૂણ ખેત્રપાલને યુદ્ધમાં શૌર્ય દાખવવા બદલ પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. અરૂણ ખેત્રપાલ જે બહાદુરીથી લડ્યા હતા તેને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ પણ બિરદાવ્યું હતું. પાકિસ્તાનના નિવૃત્ત મેજર એ. એચ. અમિનના શબ્દો છે કે, ‘બે સ્કોર્ડનના તેર લેન્સર્સ ટુકડી દ્વારા અમે હુમલો કર્યો ત્યારે એક સમયે સફળતા મળવાની આશા હતી પરંતુ પૂના હોર્સના સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેત્રપાલે બહાદુરીપૂર્વક એકલે હાથે લડીને તે જોખમને અટકાવ્યું.’
દેશને નુકસાન ન પહોંચે તે માટે અરૂણ ખેત્રપાલે દાખવેલું શૌર્ય તેમના પરિવાર માટે સ્થાયી દુઃખ આપતું ગયું. એકવીસ વર્ષના અરૂણ ખેત્રપાલનો પરિવાર સૈન્ય સાથે અતૂટ નાતો ધરાવતો હતો. અરૂણના પિતા એમ. એલ. ખેત્રપાલ પોતે પણ બ્રિગેડિયર હતા. 1950માં જન્મેલા અરૂણે નાની ઉંમરથી જ સૈન્યમાં જોડાવાનું સ્વપ્ન સેવ્યું હતું અને તેઓ સોળ વર્ષની ઉંમરે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં સામેલ થયાં. પછીથી ઇન્ડિયન મિલિટરી એકેડેમીમાં ગયા અને એકવીસ વર્ષે તો પૂના હોર્સમાં સૈન્ય અધિકારી તરીકે પોસ્ટિંગ પણ મેળવી લીધું. તેમના મૃત્યુથી પરિવાર આહત થયો અને માતા-પિતાને જીવનભરની ગમગીની મળી. અરૂણ ખેત્રપાલના પિતા માટે એ ગમગીની ત્રીસ વર્ષે ત્યારે થોડી ઘણી હળવી થઈ જ્યારે તેમને પાકિસ્તાન જવાનું બન્યું. ખેત્રપાલ મૂળે પાકિસ્તાનના નિવાસી હતા, પરંતુ ભાગલા દરમિયાન તેઓ ભારત આવ્યા અને વસ્યા.
71નું બાંગ્લાદેશનું યુદ્ધ અને તે પછીની બ્રિગેડિયર ખેત્રપાલની પાકિસ્તાન પ્રવાસની પૂરી ઘટના અરૂણના મોટા ભાઈ મુકેશ ખેત્રપાલે બયાન કરી છે. તેઓ જણાવે છે કે, “અમારી પાસે ઇમ્પોર્ટેડ હિટાચીનો રેડિયો હતો. અમે પૂરો દિવસ રેડિયો સિલોન સાંભળતાં, જેના પર યુદ્ધ અંગેની વિસ્તૃત માહિતી રિપોર્ટ થતી હતી. ઘણી વાર સિગ્નલ ન આવતું, તેમ છતાં અમે રેડિયોને વીંટળાઈ રહેતા. મને યાદ છે 16 ડિસેમ્બરના રોજ રેડિયો સિલોનમાં રિપોર્ટ થયું કે સકરગઢમાં ટેન્કનો જંગ ખેલાયો છે. અમે જાણતા હતા કે અરૂણનું રેજિમેન્ટ એ જ વિસ્તારમાં છે અને અમે વિચારે ચઢ્યા.”
“બીજા જ દિવસે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ સિઝફાયર જાહેર કર્યું અને યુદ્ધનો અંત આવ્યો. અમને ખૂબ નિરાંત મળી. મારી મમ્મીએ અરૂણનો રૂમ ક્લિન કર્યો અને તેની પાછા આવવાની વાટ જોવાવા લાગી. અને 19 ડિસેમ્બરે ડોરબેલ વાગી અને મારી મમ્મીએ દરવાજો ઉઘાડ્યો તો સામે પોસ્ટમેન હતો. આવેલા તારે અમારા જીવનને ભગ્ન કરી દીધું. તે પીડા અમારા માટે જાણે સ્થાયી બની. મારી મમ્મી હંમેશ માટે ઘરના કામોમાં ગૂંથાઈ ગઈ. પિતા મોટા ભાગનો સમય બંધ કમરામાં વિતાવવા લાગ્યા. આ રીતે વર્ષો પસાર થયાં. મારા લગ્ન થયાં, દીકરીનો જન્મ થયો અને ઘરમાં અરૂણના મૃત્યુનો સ્વીકારભાવ આવતો ગયો.”
“ત્રીસ વર્ષ પછી એક દિવસ અચાનક મારા પિતાના ચહેરા પર મેં સ્મિત જોયું. કારણ પૂછતાં જણાવ્યું કે તેઓ પાકિસ્તાનમાં તેમના મૂળ ગામ સરગોથા જઈ રહ્યાં છે, જ્યાં ભાગલા અગાઉ તેઓ રહેતા હતા. મને ચિંતા હતી કે એક્યાશીની ઉંમરે તેઓ પાકિસ્તાનમાં ક્યાં જશે ક્યાં રહેશે, પરંતુ પિતા ત્યાં જવા મક્કમ હતા. મારા પિતાને કોલેજ તરફથી આમંત્રણ મળ્યું હતું અને તેઓ કોલેજના એક પૂર્વ વિદ્યાર્થી જે પછીથી પાકિસ્તાની સૈન્ય અધિકારી બન્યા હતા તેમના ઘરે રહેવાના હતા. અમે આશ્વસ્ત થયા કે પાકિસ્તાનમાં ઠીક ઠેકાણું પિતાને મળ્યું છે. તેમ છતાં ચિંતા ઓછી થઈ નહોતી.”
“મારા પિતા બ્રિગેડીયર તરીકે પાકિસ્તાન ગયા અને ત્રણ દિવસ રહ્યા. તેઓ જ્યારે પાછા આવ્યા ત્યારે મેં તેમના ચહેરા પર ફરી પાછી એવી ઉદાસીનતા જોઈ. પાકિસ્તાનના પ્રવાસ વિશે તેમણે કશું જ અમને ન કહ્યું. પછી એક અઠવાડિયા પછી ઇન્ડિયા ટુડે મેગેઝિન મારા વાંચવામાં આવ્યું અને તેમાં મારા પિતાની પાકિસ્તાન પ્રવાસ વિશેની વિગત હતી. આ આર્ટિકલમાં મેં વાંચ્યું કે મારા પિતા અરૂણના મોત માટે જવાબદાર હતા તે સૈન્ય અધિકારીને મળ્યા હતા. હું સ્તબ્ધ રહી ગયો. પિતાને પૂછ્યું કે શું આ સાચું છે? તેમણે ‘હા’ કહ્યું અને પછી મારી મમ્મીએ લાહોરમાં જે બન્યું હતું તે પૂરી વિગત અમને કહી.”
આ પૂરી કહાની જે મુકેશ સામે બયાન થઈ તે આ રીતે વર્ણવાઈ હતી. 1 માર્ચ,2001ના રોજ જ્યારે બ્રિગેડિયર ખેત્રપાલે ડિનર લીધા પછી તેમની મહેમાનનવાજી કરી રહેલા નિવૃત્ત બ્રિગેડિયર મોહમ્મદ નાસિરની આંખમાં જોયું. નાસિરે ખેત્રપાલની મહેમાનનવાજી કરવાનું જાતે જ સ્વીકાર્યું હતું. ત્રણ દિવસ ખેત્રપાલ દંપતીની ખૂબ આગતાસ્વાગતા કર્યા બાદ છેલ્લા દિવસે નાસિરે ખેત્રપાલને કહ્યું : ‘મૌસમ અચ્છા હૈ. બ્રિગેડિયર સાબ, કુછ દેર બહાર બગીચે મેં ચલ કર બેઠે.’ બગીચામાં ગયા બાદ નાસિરે સ્વસ્થ થઈને ખેત્રપાલને કહ્યું : ‘મૈં કુછ કબૂલ કરના ચાહતા હૂં.’ ખેત્રપાલે કહ્યું : ‘કહીએ, બેટા મૈં સુન રહા હૂં.’ નાસિર ખેત્રપાલ કરતાં ત્રીસ વર્ષ નાનાં હતાં તેથી આ સંબોધન થયું હતું. તેમણે પોતાનું ગળું સાફ કરતાં કહ્યું : ‘સર, હું તમને કશુંક કહેવા માંગું છું.
હું 1971ના યુદ્ધમાં સામેલ હતો. ત્યારે હું પાકિસ્તાની આર્મી 13 લેન્સર્સનો સ્કોર્ડન કમાન્ડર હતો. બસંતરની જંગમાં અમે પૂના હોર્સ યુનિટ સાથે લડી રહ્યા હતા. સર, હું એ જ છું જેણે તમારા દીકરાને માર્યો.’ ખેત્રપાલે આ બધું જ શાંતિથી સાંભળ્યું. આગળ નાસિરે કહ્યું : ’16 ડિસેમ્બરના રોજ 13 લાન્સર્સ દ્વારા થયેલા એટેકની હું આગેવાની કરી રહ્યો હતો. અમે આગળ વધી રહ્યા હતા, પરંતુ તમારો દીકરો ચટ્ટાનની જેમ અમારી આગળ ઊભો રહ્યો. તેણે અમારી અનેક ટેન્કોને ઉડાવી. અને છેલ્લે અમારા બંનેની ટેન્કો રહી અને અમે બંને બસો મીટરના અંતરે લડી રહ્યા હતા. અમે બંને એકબીજા પર અવિરત ફાયર કર્યું. બંને ટેન્કોને નુકસાન પહોંચ્યું. તેમ છતાં એ નસીબની વાત છે કે હું જીવતો રહ્યો અને અરૂણ આજે નથી. તમારો દીકરો બહાદુર હતો અને અમારી હાર માટે તે એકલો લડ્યો.’
બ્રિગેડિયર ખેત્રપાલ આ સાંભળતાં રહ્યાં અને તેમણે નાસિરને એક પ્રશ્ન કર્યો : ‘તમે કેવી રીતે જાણ્યું કે તે અરૂણની ટેન્ક હતી?’ નાસિરે કહ્યું બીજા દિવસે જ્યારે સિઝફાયર લાગુ થયું ત્યારે અમે અમારા સાથીઓના મૃતદેહ લેવા ગયા. ત્યારે મેં પૂછપરછ કરી કે રાત્રે જે બહાદુર અમારી સામે લડ્યો તે કોણ હતો? ત્યારે મેં જાણ્યું કે તે અરૂણ ખેત્રપાલ હતો. અમે બંને સૈનિક હતા અને અમારા દેશ માટે લડી રહ્યા હતા. નાસિર અને ખેત્રપાલ વચ્ચે આ સંવાદો ખુલ્લા આકાશની નીરવ શાંતિમાં થયાં. નાસિરે ખેત્રપાલના પગ પણ ચૂમ્યા. બ્રિગેડિયર ખેત્રપાલ લાગણીસભર આંખોથી તેને ગળે મળ્યા અને પછી પોતાના બેડરૂમમાં જતાં રહ્યાં.