Vadodara

પ્રોજેરિયાની બીમારીથી પીડાતી નંદેસરીની યુવતીએ મતદાન કર્યું

વડોદરા : નંદેશરી ગામમાં રહેતી અને પ્રોજેરિયા બીમારીથી છેલ્લા ઘણા સમયથી પીડાતી યુવતીએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રાથમિક શાળા ખાતેના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. મતદાન નહીં કરતા મતદારોને મતદાન કરવું જોઈએનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી મતદાન મારો અધિકાર હોવાનું સૂત્ર સાર્થક કર્યું હતું. વડોદરા સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની મતદાન કરવા લાંબી લાઈનો જોવા મળી હતી.તો બીજી તરફ એક એવી યુવતી કે જે પા ફિલ્મના અમીતાબ બચ્ચન જેવી પ્રોજેરિયા બીમારીથી પીડાઈ છે. જ્યારથી મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો ત્યારથી આ અંજના પરમાર જ્યારે પણ ચૂંટણી હોય મતદાન અવશ્ય કરી નહીં કરતા લોકોને મતદાન કરવા સંદેશો પાઠવે છે.

અંજના માતા પિતા સાથે ભાડાના મકાનમાં રહે છે. તેના પિતા એક ખાનગી કંપનીમાં સિક્યુરિટીની નોકરી કરે છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે 2014માં લોકસભાની પેટાચૂંટણી જીત્યા બાદ અંજના પરમારને દત્તક લીધી હતી. પરંતુ દત્તક લીધા બાદ સાંસદેતેને તરછોડી દીધી હતી. અંજનાને દત્તક લીધા પછી તેને યોગ્ય સારવાર અને મદદ મળશે તેવી પરિવારને આશા જાગી હતી.પણ માતાના કહેવા પ્રમાણે સાંસદ માત્ર એક વખત આવ્યા હતા. ફરી ક્યારેય દેખાયા નથી.દત્તક લીધી ત્યારે રંજનબેન ભટ્ટે અંજનાને 4 જોડી કપડાં અને 500 રૂપિયા આપ્યા હતા.ત્યારબાદ એક પણ વખત તેને મળવા રંજનબેન ગયા નથી. જોકે સાંસદે તરછોડી દીધી છતાં અંજના હિંમત હારી નથી.

Most Popular

To Top