Gujarat

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં 98% જમીન સંપાદન કાર્ય પૂર્ણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. આ હેતુસર મુખ્યમંત્રીએ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રી પટેલ સમક્ષ આ પ્રોજેક્ટની વિવિધ પ્રગતિ હેઠળની કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આ પ્રોજેક્ટ અન્વયે કુલ 352 કિલોમીટર એટલે કે 98% જમીન સંપાદન કાર્ય પૂરું થયું છે. આવી સંપાદિત જમીન પર 343 કિલોમીટરમાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર અગ્નિહોત્રીએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે આમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ એમ 8 જિલ્લાઓમાં સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં છે. એટલું જ નહીં, નર્મદા, તાપી, મહી જેવી મહત્વની નદીઓ જે આ ટ્રેનના રૂટમાં આવે છે તેના ઉપર પણ કાર્યવાહી ચાલુ છે. મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રોજેક્ટની કામગીરીમાં વધુ વેગ લાવવાના હેતુસર સ્ટ્રેડલ કેરિયર અને બ્રિજ ગેન્ટ્રી જેવી ભારે સાધન-સામગ્રીના ઉપયોગથી ફુલ સ્પાન બોક્સ ગ્રાઈડર ઉભા કરવામાં આવે છે. આવું પ્રથમ ગ્રાઈડર નવસારીમાં નવેમ્બર 2021માં સફળતાપૂર્વક ઊભું થઈ ગયું છે. જિયોટેકનિકલ ઇન્વેસ્ટિગેશન માટે સુરતમાં એશિયાની સૌથી મોટી જિયોટેક્નિકલ લેબ પણ શરૂ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 14,200 કરોડનો ખર્ચ થયો
મુખ્યમંત્રી પટેલે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલી ઝડપી કામગીરીની પ્રશંસા કરતા સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સમીક્ષા બેઠક દરમિયાન આ પ્રોજેક્ટની અન્ય બાબતો અંગેની ચર્ચા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રોજેક્ટના પરિણામે પ્રત્યક્ષ-પરોક્ષ એટલે કે ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ મળી ૬૦ હજાર જેટલા લોકોને રોજગાર અવસર મળશે. ગુજરાતમાં જમીન અને બાંધકામ બંને મળીને 72 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટ માટે થવાનું છે, તે પૈકી 14,200 કરોડનો ખર્ચ વિવિધ કામો માટે અત્યાર સુધીમાં થયો છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુંબઇ-અમદાવાદ વચ્ચેની ભવિષ્યમાં શરૂ થનારી આ હાઇસ્પિડ રેલ ટ્રેન કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડશે. મુંબઈ અમદાવાદનું અંતર આ ટ્રેન 3 કલાકમાં પૂર્ણ કરશે.

Most Popular

To Top