ભરૂચ: (Bharuch) ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election) ટાણે જ બે જૂથના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. આ અથડામણમાં મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એબ્યુલન્સની સેવાની મદદ વડે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડહેલીમાં બંને જુથે આમને સામને ફરિયાદ નોંધાવતા પોલીસ (Police) 10 શખ્સો વિરૂદ્ધ મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ડહેલીના ખાડી ફળિયામાં રહેતા ૨૨ વર્ષીય ચંદ્રકાંતભાઈ એમ. વસાવાની પત્ની ગીતાબેને વોર્ડ નં-૩માં ઉમેદવારી કરી હતી. તા-૧૮-૧૨-૨૦૨૧ના રોજ રાત્રે અગિયારેક વાગ્યે સુનીલ અમૃતભાઈ વસાવા, રાજુ શંકરભાઈ વસાવા, જગદીશ શંકરભાઈ વસાવા, અક્ષય સુરતીયા તેમજ મહિપાલસિંહ બોરસીયા હાથમાં લાકડી લઈને આવીને ખાડી ફળિયામાં લોકોને પૈસાની વહેંચણી કરતા હતા. જે નજરે જોતા સામેના જૂથના ચંદ્રકાન્તભાઈ વસાવાએ વિરોધ કર્યો હતો. જે બાબતે ભારે ચકમક થતા પાંચેય જણાએ માર માર્યો હતો. ચંદ્રકાંત વસાવા તકરારમાંથી ભાગીને નજીક રહેતા ડહેલી ગામના મહિલા ડેપ્યુટી સરપંચના પતિ ડો.દિગ્વિજયસિંહ બોરસીયા ઘરે પહોંચી જતા તેની પાછળ પાંચેય જણા દોડી આવ્યા હતા. સમગ્ર તકરારમાં છોડાવવા માટે ડો.દિગ્વિજયસિંહ તેની સાથે બેઠેલા એઝાઝ કડીવાલા વચ્ચે પડ્યા હતા. જેમાં સામેના જુથે ડો.દિગ્વિજયસિંહની જમણી આંખે પાસે સપાટો મારતા લોહી નીકળી માંડ્યું હતું અને એઝાઝને રાજુ શંકરભાઈ વસાવાએ માથામાં સપાટો મારતા લોહીલુહાણ થઇ ગયા હતા.
હાથમાં ધારિયું, કુહાડી લઈ મારવા દોડતાં નાસભાગ મચી ગઈ
જ્યારે બીજી ફરિયાદમાં પંચાયતમાં વોટર વર્કસમાં નોકરી કરતો ૩૦ વર્ષીય દિનેશભાઈ ગોમાંનભાઈ વસાવા તેના ચાર મિત્રો સાથે તા-૧૮-૧૨-૨૦૨૧ના રોજ રાત્રે તાપણું કરતા હતા. એ વખતે ઉમેદવાર રમેશભાઈ ઉર્ફે મહેશભાઈ શંકરભાઈ વસાવા હાથમાં ધારિયું, ગુમાનભાઈ ભાણીયાભાઈ વસાવા કુહાડી, જયેશભાઈ ગમન વસાવા,જયપાલભાઈ શનાભાઈ વસાવા અને વિજયસિંહ પાટણવાડીયા ત્રણેય હાથમાં લાકડી લઈને દિનેશ વસાવા પાસે આવીને કહ્યું હતું કે ‘સરપંચ રાજુભાઈનો તું કેમ પ્રચાર કરે છે.’ દિનેશ વસાવાએ વળતો જવાબ આપતા કહ્યું કે ‘હું મજુર છું. મને જે કામ સોંપે તે હું કરૂ છું.’ આ વાતથી ઉશ્કેરાઈને ગાળો બોલીને દિનેશ વસાવાના પગમાં આડેધડ સપાટા મારવા માંડ્યા હતા.
ત્યાંથી ભાગતા પાંચેય જણાએ પાછળ આવતા વધુ મારમાંથી બચાવવા દિનેશ વસાવાના સસરા ઠાકોરભાઈ જામલભાઈ વસાવા વચ્ચે પડતા તેમની આંખની ભમ્મર પાસે સપાટો મારતા લોહી નીકળ્યું હતું તેમજ તેમની માતા સિંધુબેન ગોમાંનભાઈ વસાવાને માથામાં ધારિયાનો ઉંધો સપાટો મારતા લોહીલુહાણ થઇ ગઈ હતી.સમગ્ર ઘટના બનતા પાંચ ઈજાગ્રસ્તોને વાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ દાખલ કરાયા હતા. જે બાબતે વાલિયા પોલીસ સ્ટેશનમાં બંને ફરિયાદમાં ૧૦ જણા સામે મારામારી તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ચૂંટણીના એક દિવસ પહેલા થયેલા હુમલાને લઈને પોલીસ વિભાગે મતદાનના દિવસે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.