ગાંધીનગર: (Gandhinaga) રાજયમાં આવતીકાલે તા.19મી ડિસે.ના રોજ 8690 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election) માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા મતદાન (Voting) માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. 8513 સરપંચો તથા 48573 વોર્ડની ચૂંટણી યોજાશે.
સરપંચની ચૂંટણી માટે 27, 200 ઉમેદવારો તથા વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 119998 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આગામી તા.21મી ડિસે.ના રોજ મત ગણતરી હાથ ધરાશે. ભાજપ કે કોંગ્રેસ દ્વારા પક્ષના ચિન્હ પર આ ચૂંટણી લડાતી નથી. અલબત્ત પોતાના સમર્થનવાળા ઉમેદવારો જીત્યા તેવો દાવો કરાય છે. 8690 ગ્રામ પંચાયતો માટે 27200 સરપંચો તથા તેના 119998 જેટલા સભ્યોની પસંદગી માટે મતદાન યોજાશે. રાજયમાં 1.82 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી માટે 23,097 મતદાન મથકો પૈકી 6656 મતદાન મથકો સંવેદનશીલ તથા 3074 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ ચૂંટણી પ્રક્રિયામાં 1,94,586 જેટલા અધિકારી ફરજ પર રહેશે.
આવતીકાલે તા.19મી ડિસે.ના રોજ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. જો કે મતદાન વખતે ચૂંટણી ઓળખકાર્ડ રાખવું જરૂરી છે. ચૂંટણી આયોગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં 10812 ગ્રામ પંચાયતો પૈકી 1165 જેટલી ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિન હરીફ થઈ ગઈ છે. જયારે આ ગ્રામ પંચાયતોમાં 9613 જેટલા સભ્યો પણ બિન હરીફ બન્યા છે. 473 ગ્રામ પંચાયતો અંશત: બિન હરીફ બની છે. બાકી રહેલી 8684 ગ્રામપંચાયતો માટે આવતીકાલે મતદાન બેલેટ પેપરથી કરાશે.
તાપીની 252 ગ્રા.પં.માં આજે ખરાખરીનો ખેલ, સરપંચ પદ માટે 799 ઉમેદવાર ટકરાશે
વ્યારા: તાપી જિલ્લાની ૨૬૪ ગ્રામ પંચાયતમાં તાલુકાવાર વ્યારા-૬૩, ડોલવણ-૩૮, વાલોડ-૩૧, સોનગઢ-૭૨, ઉચ્છલ-૨૧, નિઝર-૧૬, કુકરમુંડા-૯ ગ્રામ પંચાયતો આવેલી છે. જેમાં સમરસ થયેલી કુલ ૧૨ પૈકી વ્યારા તાલુકામાં કુલ ૫ ગ્રામ પંચાયતો છીરમા, માલોઠા, દડકવાણ, ચીખલવાવ, સરકૂવા અને સોનગઢ તાલુકામાં દુમદા, વાલોડ તાલુકામાં કુલ ૩ પંચાયત સ્યાદલા, અધ્યાપોર, દેલવાડા, ડોલવણમાં ધંતુરી, નિઝર તાલુકામાં અંતુર્લી જ્યારે કુકરમુંડા તાલુકામાં આષ્ટા તર્ફે બુધાવલ ગ્રામ પંચાયત મળીને કુલ ૧૨ પંચાયતો સમરસ થઈ છે. ગ્રામ પંચાયતો બાદ કરતા તાપી જિલ્લામાં કુલ ૨૫૨ ગ્રામ પંચાયતમાં આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. તાપી જિલ્લામાં ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર કુલ વસતી ૮,૦૭,૦૨૨ છે. જેમાં પુરુષોની સંખ્યા ૪,૦૨,૧૮૮ જ્યારે સ્ત્રીઓની સંખ્યા ૪,૦૪,૮૩૪ છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની વસતીમાં ગ્રામ્ય વિસ્તારની ૭,૨૭,૫૩૫ અને શહેરી વિસ્તારની ૭૯,૪૮૭ સંખ્યા છે. જિલ્લામાં કુલ ૫,૨૧,૪૮૬ મતદાર છે. જે પૈકી વ્યારા મતદારમંડળમાં ૨,૧૮,૯૦૯ અને નિઝર બેઠકમાં ૨,૭૪,૨૦૯ મતદાર પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરશે. સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવારી માટે ૭૯૯ અને સભ્ય માટે ૫૨૩૬ મળી કુલ ૬૦૩૫ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જિલ્લામાં મતદાનમથકોની સંખ્યા ૬૨૮ સામાન્ય, ૬ પેટા આમ કુલ ૬૩૪ મતદાનમથક છે. ઉપરાંત ચૂંટણીના અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવી મતદાન થાય એ માટે કુલ ૧૧૦ ઝોનલ ઓફિસર, કુલ ૧૧૦ રૂટ સુપરવાઇઝર, પોલિંગ સ્ટાફ ૩૫૯૯ સહિત કુલ ૧૩૮૨ સુરક્ષાકર્મી ખડેપગે ફરજ બજાવશે.