Dakshin Gujarat

ખેરગામ તાલુકાથી 5 કિમીના અંતરે આવેલું અને સ્ત્રીઓની બહુમતી ધરાવતું ગામ- વાડ

ખેરગામ (Khergam) તાલુકાનું બહુલ આદિવાસી વસતી ધરાવતું ગામ એટલે વાડ. આ ખેરગામ નગરથી માત્ર 5 કિમીના અંતરે આવેલું છે. સ્ત્રીઓની બહુમતી ધરાવતું વાડ ગામ (Vadd Gaam) વિકાસની હરોળમાં આગળ વધી રહ્યું છે. 12 વોર્ડમાં વહેંચાયેલા આ ગામમાં 16 ફળિયાં આવેલાં છે, જેમાં પટેલ ફળિયું, નાયકીવાડ, ટેકરી ફળિયું, બરુંડી ફળિયું, કોળીવાડ ફળિયું, રાંધા ફળિયું, આમલીમોરા ફળિયું, ડુંગરી ફળિયું, વડ ફળિયું, કાવળાખડક ફળિયું, ભવાની ફળિયું, ઊંચાબેડા ફળિયું, ઝાડી ફળિયું, દરગાહ ફળિયું અને ગોડાઉન ફળિયાનો સમાવેશ થાય છે. 1365-94-12 ક્ષેત્રફળમાં વહેંચાયેલા આ ગામની વસતી 6627 છે, જેમાં સ્ત્રીઓની સંખ્યા 3341 અને પુરુષોની સંખ્યા 3286 છે. જ્ઞાતિવાઇઝ સમીકરણ જોઈએ તો અનુસૂચિત જાતિની વસતી 82, બક્ષીપંચની 756, અન્ય જાતિના 44 અને અનુસૂચિત જનજાતિના લોકોની સંખ્યા 5740 છે. શિક્ષણની દૃષ્ટિએ પણ અન્ય આદિવાસી વિસ્તારોની સંખ્યામાં આ ગામ આગળ વધી રહ્યું છે. આ ગામમાં કુલ 4 પ્રાથમિક શાળા (School) આવેલી છે. એ સિવાય જ્ઞાનનું સિંચન કરવા માટે એક હાઇસ્કૂલ એમ.સી.એલ.પટેલનું પણ નિર્માણ કરાયું છે. તો 6 આંગણવાડીના માધ્યમથી બાળકો શિક્ષણનું પ્રથમ પગથિયું ચઢે છે. હાલ આ ગામ 70 ટકા શિક્ષિત છે. અને આ ગામનો એક યુવાન અરુણભાઈ દિનેશભાઈ પટેલ મિલિટરીમાં ભરતી થઈ દેશની સેવા કરી રહ્યો છે. તો અંજલિબેન ચેતનભાઈ પટેલ P.T.C./B.A./B.Ed થયા છે.

ગામના આગેવાનોની એકરાગીતાને કારણે આરોગ્યની સુખાકારીની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ ગામમાં બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલાં છે. અહીં સૌ સાથે મળીને ગામના વિકાસમાં સહભાગી બને છે એ ગામ માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ ગામમાં નાનાં-મોટાં મળી 14 મંદિર આવેલાં છે. એ સિવાય બે દરગાહ પણ આવેલી છે. 6 હજારથી વધુ વસતી હોવાને કારણે પાણીની જરૂરિયાત માટે નાની-મોટી 52 ટાંકીનું નિર્માણ કરાયું છે, જેમાં 35 નાની અને 17 મોટી ટાંકીનો સમાવેશ થાય છે. આ ગામમાં આજે પણ પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે લોકો જોડાયેલા છે. એ સાથે ઘણા પશુપાલન થકી પણ રોજગારી મેળવે છે.

58 વર્ષ પહેલાં દૂધમંડળીની સ્થાપના થઈ હતી
હવે સમય બદલાયો છે. ખેતીની સાથે ઘણા લોકો પશુપાલન કરી આજે આત્મનિર્ભર બની રહ્યા છે. સરકાર એ માટે ખેડૂતોને પ્રોત્સાહન પણ આપે છે. ખેરગામના વાડ ગામમાં આજથી 58 વર્ષ પહેલાં વાડ સેવા સહકારી મંડળીની લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. જેની નોંધણી તા.3.3.1963 છે. હાલમાં આ સહકારી દૂધમંડળીમાં 313 સભાસદ છે. મંડળીના વિકાસ માટે જે-તે સમયે પ્રમુખ રમણલાલ ચુનીલાલ શેઠ અને મંત્રી ઉક્કડભાઈ દલાભાઈ પટેલનો સિંહફાળો રહ્યો છે. હાલમાં આ મંડળીનો કુશળ વહીવટ પ્રમુખ ઈશ્વરભાઈ શામજીભાઈ પટેલ અને મંત્રી કરશનભાઈ મગનભાઈ પટેલ કરી રહ્યા છે. એ સાથે કમ્પ્યૂટર ક્લાર્ક અને અન્ય એક કર્મચારી ફરજ બજાવે છે. આ ગામમાં દૂધમંડળી થકી એકત્ર કરાયેલું દૂધ ચીખલીની વસુધારા ડેરીમાં સપ્લાય કરવામાં કરવામાં આવે છે. એ સાથે ત્રણ ખાનગી ડેરી પણ આવેલી છે.

સસ્તા અનાજની દુકાન થકી લોકોને અનાજના વિતરણની સુવિધા
વાડ ગામના ઊંચાબેડા ફળિયામાં સરકાર દ્વારા અંત્યોદય યોજના થકી ગરીબોને રાહત દરે અનાજનું વિતરણ કરવામાં આવે છે. જેમાં સંચાલક રંજનબેન અર્જુનભાઈ પટેલ છે.

વાડ ગ્રામ પંચાયતના હોદ્દેદારો

  • -સરપંચ-ચંદ્રકાંતભાઈ રમેશભાઈ પટેલ
  • -ઉપસરપંચ-મીનાબેન દિલીપભાઈ પટેલ
  • સભ્યો-ગંગાબેન અરવિંદભાઈ પટેલ
  • -રાધાબેન જગદીશભાઈ પટેલ
  • -નીલમબેન સુનીલભાઈ પટેલ
  • -દીપિકાબેન દીપકભાઈ પટેલ
  • -હિનાબેન અશ્વિનભાઈ પટેલ
  • -બળવંતભાઈ પરસોત્તમભાઈ સોલંકી
  • -દિનેશભાઈ નેમલાભાઈ પટેલ
  • -નરેશભાઈ ભીખુભાઈ પટેલ
  • -દિનેશભાઈ ધીરૂભાઈ પટેલ
  • -નવીનભાઈ રમણભાઈ પટેલ
  • -રાજેશભાઈ બચુભાઈ પટેલ

મીરાદાતાર બાપુ અને માજીમાંનો ચિલ્લો લોકોમાં આસ્થાનું કેન્દ્ર
વાડ ગામમાં મીરાદાતાર બાપુ અને માજીમાંનો ચિલ્લો આવેલો છે. જેના મૂળ સ્થળ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે મીરાદાતાર અને માજીમાંની દરગાહ આવેલી છે. જેની પાછળ પણ એક લોકવાયકા છે. વૈશાખ સુદ બીજના દિવસે તા.11-04-1972 ને શુક્રવારના રોજ મીરાદાતાર બાપુ અને માજીમાં છગનબાપુને પ્રસન્ન થયાં હતાં. ત્યારથી મીરાદાતાર બાપુ અને માજીમાંના ચિલ્લા અને સવાલ-જવાબ ચાલુ છે. ત્રણ મહિના સુધી છગનબાપુ કોલક મીરાદાતારના ચિલ્લા પર રહ્યા ત્યારે તેમને ખાવા માટે 24 કલાકમાં ફક્ત એક રોટલી મળતી હતી. અને ત્યાર બાદ છગનબાપુ પાછા ઘરે આવ્યા ત્યારે ઘરબેઠા મીરાદાતાર બાપુ પ્રસન્ન થયા હતા. ત્યારથી મીરાદાતાર બાપુ અને માજીમાંના ચિલ્લાની સ્થાપના કરવામાં આવી હતી. જીવનમાં ઘણાં કષ્ટો આવી પડ્યાં, એ પણ સહન કરી છગનબાપુએ મીરાદાતાર બાપુનો દરબાર છોડ્યો નહીં. આથી મીરાદાતાર બાપુના દરબાર પર દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી કામો થાય છે. મીરાદાતાર બાપુના સવાલ જવાબ રવિવાર, સોમવાર અને ગુરુવાર આ ત્રણ વારે થાય છે. અને દરગાહ પર નવસારી, વલસાડ જિલ્લાના દરેક વિસ્તારમાંથી સવાલીઓ આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને પાગલ થઈ ગયેલી વ્યક્તિ પણ આશરે 21 દિવસ રહેવાથી અને સમયસર દરગાહના લોબાન અને પાણી લેવાથી સારો થઈ જાય છે. દરગાહ પર 1 વર્ષમાં 2 વખત ઉર્ષ શરીફ પણ રાખવામાં આવે છે.

છગનભાઇના પુત્ર બચુભાઈએ ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં પોતાનો અભ્યાસ ધો.10 સુધી કર્યો હતો. એ બાદ બચુભાઈએ પોતાના પુત્ર કનૈયાભાઈ પટેલને શિક્ષિત બનાવવા માટે 12 સાયન્સનો અભ્યાસ કરાવી ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ અપાવ્યો હતો. જ્યાં કનૈયાભાઈએ 2009માં મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. કનૈયાભાઈ પટેલ હાલમાં વલસાડની સરકારી પોલિટેક્નિક ખાતે વર્ષ-2009થી વર્ગ-2 વ્યાખ્યાતા મિકેનિકલ તરીકે ફરજ બજાવે છે. કનૈયાભાઈએ 2016માં વંદનાબેન પટેલ સાથે લગ્ન કર્યાં હતાં. અને કનૈયાભાઈ પટેલનાં પત્ની વંદનાબેન પણ સરકારી પોલિટેક્નિક વલસાડ ખાતે વર્ષ-2018થી વર્ગ-2માં રસાયણ શાસ્ત્ર વિષય ભણાવે છે. અને એ પહેલાં તેમણે વર્ષ-2015થી વર્ષ-2018 સુધી સરકારી પોલિટેક્નિક વ્યારા ખાતે ફરજ બજાવી હતી.

ગામમાં આવેલાં ધાર્મિક સ્થળો

  • ભવાની માતાનું મંદિર (જૂનું) વાડ ભવાની ફળિયા
  • ભવાની માતાનું મંદિર, વાડખાડી
  • નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઘેજબીડ ફાટક.
  • બળીયા બાપજી મંદિર, ઘેજબીડ ફાટક.
  • રાધાકૃષ્ણા મંદિર, ઊંચાબેડા મંદિર, ઝાડી ફળિયા
  • જય જલારામ બાપાનું મંદિર, ઊંચાબેડા મંદિર
  • સાંઈ મંદિર આમલીમોરા, વાડ ફળિયા
  • તબકલી માતાનું મંદિર, ઊંચાબેડા
  • સીમાડિયા દેવનું મંદિર, ઊંચાબેડા
  • સપ્તરંગી માતાનું મંદિર, નીતિન બાપુ
  • રામજીબાપાનું મંદિર, કોળીવાડ
  • ચોસક જોગણી માતાનું મંદિર, નાયકીવાડ
  • હનુમાનજી મંદિર,પટેલ ફળિયા
  • છાંયલા બાપાની દરગાહ, દરગાહ ફળિયા-વાડખાડી
  • ઓમકારેશ્વર મંદિર, કોલવાડ ફળિયા, પણંજ
  • બાપા સીતારામ મંદિર, ઝાડી ફળિયા
  • ખોડિયાર માતાનું મંદિર, ઉતાર ફળિયા
  • ભવાની માતા, તાડ ફળિયા, આહીરવાસ, ઊંચાબેડા

વાડના બાબુભાઈ પટેલ અને પત્ની સરોજબેન સરપંચ તરીકે સેવા બજાવી ચૂક્યાં છે
રાજકીય ક્ષેત્રે પણ વાડ ગામ આગળ પડતું. એમાં વાડના ઝાડી ફળિયામાં રહેતા બાબુભાઈ નરસિંહભાઈ પટેલે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ રાજકીય ક્ષેત્રે આગળ વધ્યા હતા. તેમણે વાવ પ્રાથમિક શાળામાં ધોરણ-1થી 6 સુધી અભ્યાસ કર્યો હતો. એ વેળા પરિસ્થિતિ કપરી એટલે પરિવારને કામમાં પણ મદદ કરવા ખેતીવાડીમાં જોતરાવું પડતું હતું. બાબુભાઈ કહે છે કે, જીવનમાં આગળ વધવા માટે કર્મ કર્યા વિના છૂટકો છે ખરો. માતાપિતાનાં ઉચ્ચ સંસ્કાર અને આશીર્વાદ થકી મને જીવનમાં આગળ વધવાની તક મળી. નાનપણથી જ પપ્પાનો છાંયો જતો રહેતાં ઘરની જવાબદારી મારા પર આવી પડી. હવે આગળ કરવું શું એ મૂંઝવણ વધતાં મેં અભ્યાસ છોડી દીધો હતો. અમે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા હતા. લોકસેવાની ચાહ હતી, એટલે મેં રાજકારણમાં ઝંપલાવ્યું. વાડ ગામમાં 2007થી 2012માં સરપંચ તરીકે મેં સેવા નિભાવી હતી અને મારાં પત્ની સરોજબેને પણ વાડ ગામનાં સરપંચ તરીકે 2012થી 2017 સુધી સેવા બજાવી હતી. અમારા ઘરથી બે ટર્મ સુધી અમે સરપંચ તરીકેની સેવા બજાવી હતી. હાલમાં મારા નાના છોકરાની વહુ નિકિતાબેન અનિલભાઈ પટેલે સરપંચ પદની ઉમેદવારી નોંધાવી છે. જે 12 પાસ છે. અમે હાલમાં સુખી સંપન્ન છીએ. અને ગ્રામજનોના સહકારથી જ ગામની સેવા કરવાની તક મળી હતી.

નિરક્ષર ખેતમજૂરનો દીકરો સંપત કાળી મજૂરી કરી અને દીવાના અજવાળે ભણ્યો
માણસ નસીબ લખાઈને લાવતો નથી. એણે મહેનત કરવી પડે. જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક મુકદ્દર બની જાય છે એ કહેવત ક્યાં ખોટી છે. આવા જ એક સફળ માણસની વાત કરવી છે. ખેરગામના વાડ ગામના સંપતભાઇ ગોવનભાઇ પટેલે ભણવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બાળપણમાં જ્યાં અન્ય માટે ખેલકૂદના દિવસો હતા ત્યાં સંપતભાઈનો પરિવાર આર્થિક મુશ્કેલી સામે ઝઝૂમતો હતો. તેમ છતાં હિમ્મત હાર્યા વિના જીવનમાં આગળ વધવાની નેમ લીધી અને સફળતા મળી. સંપતભાઈ સંઘર્ષના દિવસો યાદ કરતા કહે છે કે, ગરીબીએ ઘણું બધુ શીખવ્યું. મારા પપ્પા અભણ હતા અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. એટલે આર્થિક તંગીને લીધે અભ્યાસ માટે ખૂબ જ મુશ્કેલી પડી. અમારી પાસે જમીન તો હતી, પરંતુ સૌથી મોટી મુશ્કેલી તો પાણીની હતી. વીજળી તો હતી નહીં. એટલે ખેતી પણ કરી શકાતી ન હતી અને અમે દીવાના પ્રકાશમાં અભ્યાસ કર્યો હતો. વાડ ખાડીથી ચીખલી સુધીનો પાસ કઢાવવા માટે પણ પૈસા ન હતા. આથી મારે કાળી મજૂરી કરવા જવું પડતું હતું. જે પૈસા આવે એમાંથી હું પાસ કઢાવતો હતો. વાડની મુખ્ય પ્રાથમિક શાળામાં મેં ધો.1થી 7 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી અમારા ઘરથી નજીકમાં પીપલગભાણ હાઇસ્કૂલમાં ધો.8થી ધો.11 (જૂની એસએસસી) સુધી વર્ષ-1976માં અભ્યાસ પૂરો કર્યો. એ પાસ કરીને નજીકની ચીખલી કોલેજમાં કોમર્સમાં એડમિશન લીધું હતું. પરંતુ પ્રિ-કોમર્સમાં અભ્યાસ દરમિયાન તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને પ્રિ-કોમર્સની પરીક્ષા આપી શક્યો ન હતો. પરંતુ મનોમન નક્કી તો કરી જ લીધેલું કે મારે ભણવું છે. પ્રિ-કોમર્સમાં ભલે પરીક્ષા આપી ન શક્યો, પણ ફરી કોલેજ જવાનો વિચાર કર્યો અને પ્રિ-આર્ટસમાં એડમિશન લીધું અને ત્યારે મેં વર્ષ-1980માં ઇકોનોમિક્સ વિષય સાથે ગ્રેજ્યુએટ (બીએ) કર્યું.

જીવનમાં આગળ વધવું હતું અને લોકો માટે કંઈ કરી છૂટવું હતું. એ સમયે ધારાસભ્યની ચૂંટણી હતી અને એ ચૂંટણીમાં કાનજીભાઇ મગનભાઇ પટેલ (ભાજપ)ના ઉમેદવાર હતા. હું પણ ભાજપમાં જોડાઈ ગયો અને આજે પણ ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું. આ ધારાસભ્યની ચૂંટણીમાં કાનજીભાઇ વિજયી થયા હતા. ત્યારથી હું ભાજપનો સભ્ય બન્યો હતો. આજે એ વાતને 40 વર્ષ થઈ ગયાં. વાડ ગામમાં અમારા બાપુજીનો પરિવાર ખૂબ જ મોટો હતો. અમારા બાપુજીના સાત ભાઇઓનો પરિવાર. હજુ મારા એક કાકા હયાત છે.
મારાં પત્ની અલ્કાબેને પણ રાજકીય ક્ષેત્રે લોકસેવા કરી છે. જે વખતે ચીખલી તાલુકા સાથે અમારું ગામ હતું, ત્યારે પહેલી ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી વર્ષ-2005માં આવી હતી. ત્યારે અમારી તાલુકા પંચાયતની વાડની સીટમાં ત્રણ ગામ હતાં. પીપલગભાણ, વાડ અને વાવ. એમ ત્રણ ગામની સાથે ચૂંટણી થયેલી. જેમાં લગભગ 7000થી 7500 હજાર મતદાર હતા. અને મારાં પત્ની ચૂંટણીમાં વિજયી થયાં હતાં. મારાં આમ તો મૂળ ગણદેવીના ઇચ્છાપોરના છે. તેમનો પરિવાર પણ શિક્ષિત. તેમના પિતા પ્રાથમિક શાળાના શિક્ષક હતા. મારાં પત્ની ધોરણ-12 પાસ થયેલ છે. તેઓ તાલુકા પંચાયત ચીખલીના સભ્ય તરીકે 2005થી 2010 સુધી રહ્યાં હતાં.

ત્યાર પછી તાલુકા પંચાયત ચીખલીની ફરી ચૂંટણી યોજાઇ હતી. વર્ષ-2010થી 2015 સુધી ત્યારની ચૂંટણીમાં સંપતભાઈએ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરી હતી. જેમાં ત્રણ ગામ હતાં. વાડ, વાવ અને પણંજ. આ ત્રણ ગામ મળી કુલ 6000થી 7000 મતદાર હતા. જેમાં ચીખલી તાલુકા પંચાયતના સભ્ય તરીકે મારો વિજય થયો હતો. જેથી ભાજપે તેમને પ્રમુખ પદનો કારભાર સોંપ્યો હતો. અને સફળતાપૂર્વક પ્રમુખ પદ નિભાવ્યું હતું. ચાર વર્ષ સુધી ચીખલી તાલુકા પંચાયતમાં રહ્યા હતા. એ પછી ચીખલી તાલુકામાંથી ખેરગામ તાલુકો છૂટો પડવાથી ફરી પાછો ખેરગામ તાલુકા પંચાયતનો પ્રમુખનો કારભાર સોંપવામાં આવ્યો હતો. રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે લોકોના અનેક પ્રશ્નો હલ કર્યા છે. સંપતભાઈ ખૂબ જ મળતાવડા સ્વભાવના છે. એટલે તાલુકા પંચાયતના સભ્યોમાં તેઓ લોકપ્રિય છે. તેમણે આ તબક્કે ઉપપ્રમુખ તરીકે ભૌતેશભાઇ જયસુખભાઈ કંસારાની કામગીરીને પણ બિરદાવી હતી. તેમણે કામગીરી દરમિયાન ક્યારેય પણ પક્ષાપક્ષીનો ભેદભાવ રાખ્યો નથી. ભાજપ-કોંગ્રેસના તમામ સભ્યો સાથે સાથે મળીને કામગીરી કરી છે.

ખેરગામના વાડ ગામમાં શરૂઆતમાં રસ્તાની ખૂબ જ મુશ્કેલી હતી. ખૂબ જ કાદવ-કીચડવાળા, ધૂળવાળા રસ્તા હતા. પરંતુ સંપતભાઈ પ્રમુખ બન્યા પછી સરકારમાં રજૂઆત કરી હતી. એ વેળા હાલના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશભાઇ એમ. પટેલ અને ત્યારના ધારાસભ્ય મંગુભાઇ સી.પટેલે રસ્તાની કામગીરીમાં ખૂબ જ સહકાર આપ્યો હતો. આજે કરોળિયાના જાળાની જેમ રસ્તા જણાય છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન આખા ગામમાં પાણી, વીજળી, રસ્તાની સવલત ઊભી કરવાની સાથે ઘણા જરૂરિયાતમંદ લોકોને સહાય પણ અપાવી છે. હાલમાં સંપતભાઈ ખેતી કરે છે. અને તેમનાં પત્ની હાલ ફરી ખેરગામ તાલુકા પંચાયતની વાડ-2 બેઠકનાં સભ્ય છે. હાલમાં વર્ષ-2015થી ખેરગામ તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષની જવાબદારી નિભાવે છે. સંપતભાઈનો એક છોકરો તેજસ છે. જે ઇલેક્ટ્રિક ઇજનેર થયેલો છે. તેમની વહુ નેહલ બીએએમએસ થયેલી છે. જે વાડના રાંધા ફળિયામાં ક્લિનિક (ધન્વંતરી) ચલાવે છે.

ચંદુભાઈ પટેલ જન સેવા માટે અગ્રેસર
વાડ ગામના ચંદુભાઈ મોતીભાઈ પટેલ સેવાભાવી વ્યક્તિ છે. છેલ્લાં 20 વર્ષથી તેઓ બાપા સીતારામની ભક્તિમાં જોડાયા છે. તેઓ ત્યાંના ટ્રસ્ટના સંપર્કમાં આવતાં કુંભમેળો, ડાંગ દરબારમાં જઈ સેવાની સુવાસ ફેલાવી હતી. તેમની સાથે 100થી 200 લોકો પણ સેવામાં જોતરાયા હતા. વર્ષ-2017માં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને આ મઢુલીનું સંચાલન તેઓ લોકો સાથે મળીને કરે છે.

ચેતનભાઈ પટેલે કોરોના કાળમાં ઉત્તમ કામગીરી કરી હતી
આદિવાસી ગામના લોકો પણ આજે શિક્ષણ અને રાજકીય દૃષ્ટિએ કાઠું કાઢી રહ્યા છે. અને વાડ ગામ એનું જ ઉત્તમ ઉદાહરણ છે. ચેતનભાઈ રમણભાઈ પટેલ ધો.12 સુધી ભણ્યા બાદ વર્ષ-2009થી રેમન્ડ કંપનીમાં નોકરીમાં જોડાયા હતા. જ્યાં તેમણે વર્ષ-2021 સુધી નોકરી કરી હતી. એ બાદ વર્ષ-2013થી તેઓ આદિવાસી સંગઠનમાં જોડાયા હતા. અને વર્ષ-2018માં ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈ કાર્યકર્તા બન્યા હતા. તેઓ ખેરગામ તાલુકાના યુવા મોરચાના પ્રમુખ પણ બન્યા હતા. કોરોના કાળ દરમિયાન તેમણે જનસેવાની ઉત્તમ કામગીરી કરી હતી. તેમણે લોકોને અનાજની કિટનું વિતરણ, કાઢો પીવડાવવા સાથે માસ્ક વિતરણ કર્યાં હતા. એ સિવાય બ્લડ કેમ્પનું પણ આયોજન કર્યું હતું. વર્ષ-2017થી પાણીખડક ખાતે તેઓ કપડાંના વેપાર સાથે જોડાયેલા છે.

એક રત્નકલાકાર પુરુષાર્થ થકી આગળ વધ્યો
વાડ ગામના દિનેશભાઈ ભીખુભાઈ પટેલે જીવનમાં ઘણા ચઢાવઉતાર જોયા હતા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે. વર્ષ-1992માં એક સામાન્ય રત્નકલાકાર તરીકે તેમણે શરૂઆત કરી હતી. અને 15 વર્ષ સુધી હીરાની ચમક વધાર્યા બાદ આર્થિક મુશ્કેલી તો હળવી થતી જ ન હતી. એ વેળા પશુપાલનના વ્યવસાય તરફ આગળ વધ્યા અને તેમાં અથાક મહેનત થકી સફળતા મળી. ગ્રામજનોની સેવા કરવાનો સંકલ્પ કર્યો, અને છેલ્લાં 5 વર્ષથી સેવા યજ્ઞ ચલાવે છે. જેમાં વિધવા બહેનોને ધાબળા વિતરણ, ગામમાં ગરીબ ઘરની છોકરીઓને લગ્ન પ્રસંગે અનાજનું દાન, ગામની 4 પ્રાઇમરી શાળા અને હાઈસ્કૂલમાં આશરે 550 જેટલાં બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરે છે. સાથે ટ્યુશન ક્લાસમાં ફી ન ભરી શકતા વિદ્યાર્થીની ફી પણ ભરે છે. વધુમાં ગામમાં ગરીબ વ્યક્તિને અશુભ (મરણ) પ્રસંગે લાકડાં આપી માનવતાની કામગીરી પણ કરે છે. ઉપરાંત તેઓ 5 વર્ષથી દર મહિનાની 1 તારીખે O.P.D.માં કોઈપણ દર્દીને ફીમાં સેવા પૂરી પાડે છે. હાલ ભાજપના કાર્યકર્તા તરીકે કામગીરી કરે છે. ઉપરાંત તેઓ ખેરગામ તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે.

ભવાની માતાનો ઈતિહાસ
વાડ ખાડી ખાતે ચેકડેમની આગળ ભવાની માતાનું મંદિર આવેલું છે. જ્યાં એક સ્મશાનભૂમિ હતી અને ત્યાં એક જૂનોપુરાણું વડનું ઝાડ હતું. ત્યાં આ ભવાની માતા ઘુમટ સાથે પથ્થર રૂપે હતા. અને અસલ વડીલોના કહેવા મુજબ આ વાડખાડીમાં જબરદસ્ત પૂર આવેલું અને ત્યાંથી આ માતાનો ઘુમટ તણાઈને આજે જે મંદિર નીચે વડનું ઝાડ છે તેના થડમાં આવેલું અને ત્યાં ત્યારથી પાઠપૂજા ચાલુ કરી હતી. બાદ વજીરભાઈ કીકાભાઈ પટેલે ભવાની માતાનું મંદિર બનાવ્યું હતું. ભવાની માતાના મંદિરે દેવ દિવાળીનો પ્રોગ્રામ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.

જિજ્ઞેશભાઈ પટેલ તા.પં.માં ઉપપ્રમુખ રહી ચૂક્યા છે
વાડ ગામના જિજ્ઞેશભાઈ ધીરૂભાઈ પટેલ આદિવાસી પરિવારમાંથી આવે છે. અને ખેતી કરી જીવન ગુજારે છે અને તેમણે ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ વાડ ગામમાં મોટે ભાગના લોકો જોડે સામાજિક અને રાજકીય રીતે પણ સંકળાયેલા છે. રાજકીય રીતે પહેલીવાર કોંગ્રેસ તરફથી તાલુકા પંચાયતમાં ઉમેદવારી કરી હતી. ત્યારે ખૂબ જ જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો. ત્યારબાદ તેમની તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે પણ નિમણૂક આપવામાં આવી હતી. પણ ખેરગામ તાલુકાના આદિવાસી સમાજની સમસ્યા જોતાં અને આદિવાસીના દબાયેલા, કચડાયેલા પ્રશ્નોને વાચા આપવાની વિચારધારાને કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. એ બાદ ધારાસભ્ય છોટુભાઈ વસાવાની વિચારધારાને અનુસરીને ભારતીય ટ્રાયબલ ટાયગર સેના સાથે જોડાયા હતા.

Most Popular

To Top