વ્યારા: (Vyara) ટીચકપુરામાં (Tichakpura) ગેરકાયદે તાણી બંધાયેલ મલ્ટિપ્લેક્સ સિનેમા (Multiplex Cinema) અને ગેમઝોનનાં ફાયદા અને સગવડ માટે નેશનલ હાઈવે (National Highway) ઓથોરીટીને ખોટા અને બોગસ દસ્તાવેજો રજૂ કરી લગભગ ૧૫૦ મીટર જેટલો સર્વિસ રોડ બનાવવા મંજુરી મેળવી લેવાઇ હોવાની આશંકા છે. ટીચકપુરાની આદિવાસીની ૭૩એએ અને ૪૩ કલમના બાદ્ય વાળી જમીન મારબલ ઉધ્યોગ સ્થાપવા પડાવી લઈને તે જમીન પર ગેરકાયદે સિને મલ્ટિપ્લેક્ષ, ગેમઝોન વિગેરે તાણી બાંધવામાં આવ્યા છે. આ ગેરકાયદે બાંધકામ અને નેશનલ હાઇવે વચ્ચે આદિવાસીનાં બે ખેતરો આવેલા હોવાથી અવર-જવર માટે મોટી જગ્યા ન હતી. તેથી આદિવાસીનાં બે ખેતરો કે જે કલેકટર અને સરકારની પુર્વ મંજુરીથી ખેતી સિવાય બીજા કોઈ કામે ઉપયોગ કરી શકાય નહીં, તેવા સરકારના નિયંત્રણ વાળા બે ખેતરો માત્ર નોટરી અમક્ષ સંમતિ કરાર લેખથી પડાવી લેવામાં આવ્યા છે. જો કે આ પ્રમાણે ખેતરો કાયદેસર રીતે મલ્ટિપ્લેકસના માલિકોનાં નામે તબદીલ થયા ન હોવા છતાં તે બે ખેતરોમાંથી મલ્ટિપ્લેકસમાં જવા-આવવા હાઈવેથી સર્વિસ રોડની મંજૂરી લેવામાં આવી છે. અને હાઈવે ઓથોરિટીએ લગભગ ૧૫૦થી ૨૦૦ મીટર જેટલા સર્વિસ રોડ માટે મંજૂરી પણ આપી દીધી છે. આ સર્વિસ રોડની મંજૂરી માટે હાઈવે ઓથોરીટીને બોગસ અને ખોટા દસ્તાવેજો અપાયા હોવાની આશંકા છે. જે ખાનગી જમીનને અડીને સર્વિસ રોડ બન્યો છે તે બ્લોક નં. ૩૭ અને ૩૮ વાળી જમીન સર્વિસ રોડ માટે મંજૂરી લેનાર મલ્ટિપ્લેક્સના માલિકોના નામે નથી.
નેશનલ હાઈવે ઓથોરિટીએ લગભગ ૧૫૦ મીટર જેટલો સર્વિસ રોડ નીતિ નિયમોને નેવે મુકી બનાવવા મંજુરી આપી
મલ્ટિપ્લેકસનાં માલિકોએ આ જમીન ગેરકાયદે રીતે પડાવી છે, માટે સર્વિસ રોડની મંજૂરી માટે આ બંને જમીનોનાં કાયદામાં માન્ય ન હોય તેવા દસ્તાવેજો હાઇવે ઓથોરીટીને મંજુરી માટે અપાયા હોવાની શક્યતા છે. માર્બલ ઉદ્યોગ માટે શેડના બદલે મલ્ટિપ્લેક્સ બનાવ્યું છે. તે સ્થળે જવા- આવવા ૧૨ મીટરનો રસ્તો છે. તેથી આ માત્ર ૧૨ મીટર પહોળા રસ્તાની અંદર જવા આવવા ૧૫૦ થી ૨૦૦ મીટરના સર્વિસ રોડની કોઈ જરૂરિયાત જણાતી નથી. ત્યારે ધંધાની જગ્યાના ડેવલોપમેન્ટ માટેનાં કયા આધારને લઈને સર્વિસ રોડ અપાયો હશે ? તે પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. સામાન્ય રીતે ધંધાની જગ્યાનાં ડેવલપમેન્ટ માટે સર્વિસ રોડ અપાતો હોય છે. તે ધંધાના સ્થળે વાહનોની ભારે અવરજવર હોય તો સર્વિસ રોડની જરૂર પડે છે. આ મામલામાં તો માર્બલ વેચાણનો ધંધો બતાવ્યો છે વળી આ મારબલ ઉદ્યોગનાં ધંધાનું સ્થળ હાઈવેથી લગભગ ૭૦ મીટર દૂર છે. ત્યારે મારબલની દુકાનો માટે ૧૫૦થી ૨૦૦ મીટરનો સર્વિસ રોડ આપવો વ્યાજબી અને હાઇવે ઓથોરીટીનાં નિયમોને સુસંગત જણાતુ નથી.
હકિકતમાં માર્બલની દુકાનોનાં બદલે હાઈફાઈ સિને મલ્ટિપ્લેક્સ, ગેમઝોન હોટલ વિગેરે ગેરકાયદે તાણી બંધાયેલા છે. ત્યારે આવા હાઈફાઈ ધંધાનાં ડેવલોપમેન્ટ માટે સર્વિસ રોડ આપી શકાય, પરંતુ આ હાઈફાઈ મલ્ટીપ્લેક્ષ ગેરકાયદે હોવાથી તેના કયા સરકારી દસ્તાવેજોથી સર્વિસ રોડની મંજૂરી મેળવાઈ હશે ? તે પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત થઇ રહ્યો છે. આમ સર્વિસ રોડની મંજૂરી ખોટા દસ્તાવેજોથી મેળવાઈ હોવાની પુરેપુરી શક્યતા છે. હાઈવે બનીને ૧૦ વર્ષ પછી ટીચકપુરાની સિનેમા આગળના હાઈવેની ડિઝાઇનમાં ફેરફાર કરાયો છે. અહીં હાઇવેની સાઇડે શેફ્ટી એંગલો હતી, તે પણ તોડી નંખાઈ છે. ત્યારે હાઈવે ઓથોરિટીએ નિતી નિયમો મુજબ સર્વિસ રોડની મંજૂરી આપી છે કે નહીં ? તે તપાસનો વિષય બન્યો છે.
હાઇવે પર માર્બલની દુકાન માટે ૧૫૦ મીટરનો સર્વિસ રોડ અપાયો હોય તેવો આ પ્રથમ કિસ્સો
વ્યારા: સુરતથી નવાપુર સુધી નવો સિક્સ લેન હાઇવે બન્યો છે. આ હાઇવેથી એન્ટ્રન્સ કે એક્ઝિટ લેવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. એન્ટ્રી કે એક્ઝિટ અપાતી નથી, ત્યારે હાઈવેની જગ્યામાં સર્વિસ રોડ બનાવવો તે ઘણી મોટી વાત કહેવાય. આ આખા લગભગ ૧૦૦ કિ.મી.નાં હાઇવે પર ખાનગી ડેવલોપમેન્ટ માટે ભાગ્યે જ સર્વિસ રોડ અપાયો છે જેમાં માર્બલની દુકાન માટે ૧૫૦ થી ૨૦૦ મીટરનો સર્વિસ રોડ અપાયો હોય, તેવું માત્ર ટીચકપુરાની માર્બલની દુકાન માટે જ થયુ છે.
ટીચકપુરાનાં ગેરકાયદે કોમ્પલેક્ષ માટે અપાયેલા સર્વિસ રોડથી અકસ્માતોની વણઝાર
વ્યારા: ટીચકપુરામાં ગેરકાયદે તાણી બંધાયેલા મલ્ટિપ્લેક્સ થિયેટર, ગેમઝોન, હોટલ વિગેરેના સ્થળે જવા આવવા ૧૫૦થી ૨૦૦ મીટરનો સર્વિસ રોડ અપાયો છે ત્યાં એન્ટ્રી અને એક્ઝિટ જેવી કોઈ સગવડ ન હોવાથી ગમે ત્યાંથી વાહનો હાઇ-વે પર ચઢે- ઉતરે છે. તેના કારણે આ સ્થળે હાઇવે પર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. કોઇ મોટો અકસ્માત થશે તો તેનાં માટે હાઈવે ઓથોરીટી જવાબદાર રહેશે.
બોક્ષ: જમીન કોઇની પણ હોય, તેની સાથે અમારે કોઇ લેવા દેવા નથી, મલ્ટીપ્લેક્ષનાં માલિકે રજુ કરેલા પુરાવાનાં આધારે તેને હાઇવે ઓથોરીટીનાં નિયમ મુજબ સર્વિસ રોડ અપાયો છે. – સંજય ચૌધરી, હાઇવે કોરીડોર કંટ્રોલ મેનેજર, સુરત