Charchapatra

ડાકોરમાં વારંવાર ઉભરાતી ગટરથી પ્રજાજનો પરેશાન

નડિયા: યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે રહીશોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. ઉભરાતી ગટરનો પ્રશ્ન હોય કે અન્ય, પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી. જેને કારણે યાત્રાધામની ગરિમાને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના વોર્ડ નં ૭ માં આવેલ ભાવિક સોસાયટી અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં છેલ્લાં ઘણાં મહિનાઓથી ગટર ઉભરાઈ રહી છે. રોજેરોજ ઉભરાતી આ ગટરોના ગંદા પાણી સોસાયટીઓમાં થઈને મુખ્ય માર્ગ સુધી ફેલાઈ રહ્યાં છે.

જેને પગલે લોકોને ગટરના ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે. અસહ્ય દુર્ગંધ મારતાં ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. તદુપરાંત આ વિસ્તારમાં ફેલાઇ રહેલી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો હોવાથી રોગચાળો ફેલાવાની ભિતી પણ સેવાઈ રહી છે. આ મામલે સોસાયટીના રહીશો તેમજ જાગૃતજનોએ ડાકોર નગર પાલિકામાં અનેકોવાર મૌખિક રજુઆતો કરી છે. જોકે, પાલિકાનું નઘરોળ તંત્ર આ રજુઆતોને ધ્યાનમાં લેતું ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ગટર ઉભરાવવાની આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે. એક તરફ જિલ્લામાં મચ્છરજન્ય બિમારીઓના વાવર છે, ત્યારે બીજી તરફ ડાકોર પાલિકાની નિષ્ક્રિયતાને કારણે નગરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ત્યારે રોગચાળા જેવી સ્થિતી સર્જાય તે પહેલાં જ તંત્ર આળસ ખંખેરે અને નગરજનોના હીતમાં કામગીરી હાથ ધરે તે જરૂરી છે.  

Most Popular

To Top