Editorial

ખાડાઓને કારણે થતાં અકસ્માતો અને મોત પાછળ સરકારો જ જવાબદાર

રસ્તામાં ખાડો પડ્યો હોય તો સામાન્ય રીતે વાહનચાલક કે પગપાળા ચાલનાર વ્યક્તિ તેની બાજુમાંથી પસાર થઈ જાય છે પરંતુ આ ખાડા ભારતમાં સૌથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારના છે તેમ કહેવામાં આવે તો આશ્ચર્ય થાય તેમ છે પરંતુ આ હકીકત છે અને તેના માટે માત્રને માત્ર સરકારો જ જવાબદાર છે. ખુદ કેન્દ્ર સરકારે જ લોકસભામાં આ અંગેની જાણકારી આપી હતી. સરકારે પોતાના જ આ અહેવાલથી ગંભીર થવાની જરૂરીયાત છે. શહેરોમાં કે પછી માર્ગો પર તંત્ર દ્વારા મનફાવે તેવી રીતે ખાડાઓ ખોદી નાખવામાં આવે છે. ખાડા ખોદ્યા બાદ તેને યોગ્ય રીતે પુરવામાં પણ આવતા નથી. ઉપરાંત ખાડા ખોદવામાં આવ્યા બાદ આ જગ્યાએ ખાડો છે તેવું નિર્દેશ કરે તેવા સંકેતો પણ મુકવામાં આવતા નથી. જેને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે.

Pothole deaths in India - iPleaders

ભારતમાં રસ્તાઓની સ્થિતિ સંદર્ભમાં અનેક પ્રશ્નો અગાઉ પણ ઉઠી ચૂક્યા છે. રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર, જ્યારે સત્તા પર હોય ત્યારે જે તે પક્ષ ખાડા ખોદવામાં સહભાગી હોય છે અને જ્યારે વિપક્ષમાં હોય ત્યારે ખાડાના માટે સવાલો ઉઠાવે છે. આરોપો લગાડે છે પરંતુ સરકાર બદલાયા બાદ પણ સ્થિતિ સુધરતી નથી અને તેને કારણે અકસ્માતો અને મોતની સ્થિતિ સુધરતી નથી. ઉલ્ટું વધુને વધુ બગડે છે. રસ્તાઓ પર ખાડાની આ સ્થિતિ સંદર્ભે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં 29 હજારથી વધુ અકસ્માતો થયા છે. જેમાં મોતની સંખ્યાનો આંક પણ મોટો છે.

સને 2016માં 6424, 2017માં 9423, 2018માં 4869, 2019માં 4775 અને સને 2020માં 3564 અકસ્માતો માત્ર ખાડાને કારણે જ થયા હોવાનું નોંધાયું છે. જો રસ્તા પર થતાં તમામ પ્રકારના અકસ્માતોની સંખ્યા જોવામાં આવે તો માત્ર 2020ના એક જ વર્ષમાં દેશમાં 3.66 લાખથી વધુ અકસ્માતો થયાં અને તેમાં 1.31 લાખ લોકોએ જીવ ગુમાવ્યા. રસ્તાઓના ખાડા તેમજ અકસ્માતોની વિગતો ખુદ સરકારે જાહેર કર્યા બાદ ખાડાની સ્થિતિ અને અકસ્માતોની સંખ્યા મુદ્દે ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આમ તો અકસ્માત થવાના કારણો અનેક હોઈ શકે છે પરંતુ જેમ કે ઓવર સ્પીડ, મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, દારૂ પીને ગાડી ચલાવવી, ઓવરલોડેડ ગાડી, ખરાબ લાઈટ, રેડ લાઈટ જમ્પ, ઓવરટેક કરવો, ખરાબ હવામાન, ડ્રાઈવરની ભૂલ, રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ, ખરાબ માર્ગ અને સાઈકલ તથા બાઈકસવારની ભૂલ. આ રીતે થતાં અકસ્માતોને નિવારી શકાય છે પરંતુ જો રસ્તા પર ખાડો જ હોય તો અકસ્માત કેવી રીતે રોકવો? આ માટે ખૂદ સરકારે જ પહેલ કરવી પડે તેમ છે.

ખાડાને કારણે થતાં અકસ્માતોની સંખ્યા પરથી મોટો સવાલ એ ઉઠે છે કે શું સરકાર આંધળી બની ગઈ છે? તેને રસ્તા પર પડતા ખાડાઓ પુરવાનું સુઝતું નથી? કે પછી ખાડાને કારણે અકસ્માત થાય અને મોત થાય તેની રાહ જોઈ રહી છે? ખાડાઓને કારણે થતાં અકસ્માતોની સંખ્યા પરથી સરકારે હવે સફાળા જાગીને તાકીદના ધોરણે ખાડાઓ પુરવાનું અને જ્યારે પણ ખાડા ખોદવામાં આવે તો તેવા સંજોગોમાં વાહનચાલકોને તેની સ્પષ્ટ રીતે જાણ થાય તેવી રીતે સંકેતો પણ મુકવાની કામગીરી કરવાની જરૂરીયાત છે. કમનસીબે દેશમાં અત્યાર સુધી સરકારો દ્વારા આવી જવાબદારી બતાવવામાં આવી નથી પરંતુ હવે સમય બદલાયો છે. જો સરકાર પ્રતિબદ્ધતા સાથે કામગીરી નહીં કરે તો ખાડાને કારણે અકસ્માત અને તેને કારણે મોતની ઘટનાઓ બનતી જ રહેશે તે નક્કી છે.

Most Popular

To Top