Charchapatra

વિનોદ દુઆ જેવું પત્રકારત્વ થવું જોઇએ

તાજેતરમાં ટી.વી. પત્રકાર વિનોદ દુઆના દુ:ખદ અવસાનથી ટી.વી. પત્રકારિતાના એક અનોખા પ્રકરણનો અંત આવ્યો છે. એમણે જીવનભર ખુમારીથી પત્રકારત્વ કર્યું. એવી ખુમારી હવે બહુ જોવા મળતી નથી. એમના ટી.વી. કાર્યક્રમમાં એ દેશની સામાન્ય પ્રજાના પ્રશ્નો અને દેશહિતના પ્રશ્નો જે ઉઠાવતા એમાં ઊંડાણ હતું. એમની દરેક રજૂઆત એવી રહેતી કે બૂમ બરાડા તો દૂરની વાત પણ કોઇ ઉશ્કેરાટ પણ તેમના ચહેરા પર કયારેય ન આવતો છતાં તેઓ ઠોસ રજૂઆત કરી શકતા, તે તેમનો આગવો અંદાજ હતો. તેઓ એક કડક આલોચક હતા.

1985 માં એમનો જનવાણી કાર્યક્રમ દેશભરમાં જાણીતો થયો હતો. તે અગાઉ 1984 માં દૂરદર્શન પર એમણે પ્રણવ રોય સાથે આપેલો ચૂંટણી એનાલિસસનો કાર્યક્રમ પણ હિટ સાબિત થયો. આ બે કાર્યક્રમે વિનોદ દુઆને દેશભરમાં જાણીતા બનાવી દીધા અને એ પછી તેમની લોકપ્રિયતા વધતી જ ગઇ. ટી.વી. પત્રકારિતા માટે રામનાથ ગોયેન્કા એવોર્ડ પ્રાપ્ત કરનાર વિનોદ દુઆ પાસેથી આજના પત્રકારોએ નીડર અને બેબાક પત્રકારત્વ કોને કહેવાય એ શીખવા જેવું છે. વિનોદ દુઆને ભાવભીની શ્રધ્ધાંજલિ.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top