Vadodara

3 કલાક ગેસ પુરવઠો ખોરવાતા 4 હજાર ગ્રાહકો અસરગ્રસ્ત

વડોદરા: શહેરના પરિવાર ચાર રસ્તા નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા પૂર્વ વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાયો હોવાની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાતા ત્રણ કલાક થી વધુ સમય સુધી ગેસ પુરવઠો ખોરવાતા ગૃહિણીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વડોદરા શહેરમાં છાશવારે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાં પીવાના પાણીનો કકળાટ સર્જાય છે. હજુ આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ આવ્યું નથી ત્યારે અવારનવાર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. 

સાંજના સુમારે પરિવાર ચાર રસ્તા થી ગુરુકુળ તરફ જવાના માર્ગ ઉપર ખાનગી કંપની દ્વારા કોન્ટ્રાકટર ની બેદરકારી ના કારણે અંડર ગ્રાઉન્ડ કેબલ ની કામગીરી  હાથ ધરવામાં આવી હતી. તે સમયે ડ્રીલીંગની કામગીરી કરતા મુખ્ય ગેસ લાઇન ઉપર ભંગાણ સર્જાયું હતું .પરિણામે પૂર્વ વિસ્તારમાં અંદાજે 4 હજાર ગ્રાહકો અસરગ્રસ્ત બન્યા હતા. આ અંગે ગેસ વિભાગના અધિકારી હિમાંશુ હરપલેએ જણાવ્યું હતું કે, ખાનગી કંપની દ્વારા જાણ કર્યા વિના અંડર ગ્રાઉન્ડ કેબલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  જેના કારણે ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે. અત્રે નોંધનીય છે કે, જમવાનું બનાવવાના સમયે ગેસ પુરવઠો ખોરવાતા ગૃહિણીઓને મુશ્કેલી પડી હતી.ટેન્ડર નિયમ મુજબ ગેસ લાઇન માટે ઓછામાં ઓછી ત્રણ મીટરની ઊંડાઈ જરૂરી છે. જોકે આ નિયમો નેવે મૂકી કેટલાક સ્થળોએ માત્ર એક થી દોઢ મીટર ઊંડાણ કરી ગેસની પાઇપ લાઇન પાથરી દેવામાં આવતી હોવાની વિગતો સપાટી પર આવી છે.

Most Popular

To Top