એક વખત એક શાળામાં પરીક્ષા ચાલી રહી હતી. તમામ બાળકો તેમની તરફથી સંપૂર્ણ તૈયારી સાથે આવ્યાં હતાં. વર્ગનો સૌથી વધારે વાંચવાવાળો અને હોંશિયાર છોકરો તેના પેપરની તૈયારી અંગે સંપૂર્ણ વિશ્વાસ ધરાવતો હતો. તે બધા પ્રશ્નોના જવાબો જાણતો હતો અને તેણે બધા પ્રશ્નના સાચા જવાબ લખી નાખ્યા, પણ જ્યારે તેણે છેલ્લો પ્રશ્ન જોયો ત્યારે તેની સડસડાટ ચાલતી પેન અટકી ગઈ. તે ચિંતિત થઈ ગયો. પેપરમાં છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘શાળામાં એવી વ્યક્તિ કોણ છે જે હંમેશા પ્રથમ આવે છે? તે જે હોય તે નામ આપો.’ આ પ્રશ્ન વાંચતાં જવાબમાં બધાની નજર સામે શાળામાં સાફસફાઈ માટે વહેલી સવારે સૌથી પહેલાં આવતા લાંબા, મોટો ચાંદલો કરતાં,મરાઠી નવવારી સાડી પહેરતાં માસી નજર સામે આવ્યાં.તેમની ઉંમર લગભગ ૫૦-૫૫ વર્ષ હશે.
બધાં બાળકોને તેઓ યાદ આવ્યાં. ખબર પણ હતી કે તેઓ સૌથી પહેલાં આવી શાળામાં સાફસફાઈ કરે છે પણ નામ કોઈને આવડતું ન હતું.ઘણાંએ જવાબમાં ‘સાફસફાઈવાળા આંટી’ લખ્યું. ઘણાંએ ‘માસી’ લખ્યું.ઘણાને તેનો દેખાવ અને રંગ સ્વરૂપ લખી કહ્યું, આવાં દેખાતાં લેડી …ઘણાએ કંઈ જવાબ ના લખ્યો અને પ્રશ્ન છોડી દીધો. બધાને પરીક્ષામાં પુછાયેલા આવા સવાલ વિષે નવાઈ લાગી.ઘણાં બાળકોએ શિક્ષકને જઈને પૂછ્યું, ‘સર, આ છેલ્લા પ્રશ્નનો જવાબ અમને નથી આવડ્યો, પણ અમને એ સમજાતું નથી કે આ પ્રશ્નને અમારા અભ્યાસ સાથે શું સંબંધ છે? શિક્ષકે કહ્યું, ‘પહેલાં કાલે તમે મારા પૂછેલા પ્રશ્નનો જવાબ જાણી આવો.
મને જવાબ આપો, પછી હું તમને સમજાવીશ કે મેં આ પ્રશ્ન શા માટે પૂછ્યો હતો.’ અમુક બાળકોએ બીજે દિવસે સવારે શાળામાં આવી સૌથી પહેલાં સાફસફાઈ કરતાં આંટીને શોધી તેમનું નામ પૂછ્યું.બધાં બાળકો તેમનું નામ આજે પહેલી વાર પૂછી રહ્યાં હતાં એટલે સરસ્વતી માસી ખુશ હતાં અને બધાને પોતાનું નામ જણાવતાં હતાં. શિક્ષક આવ્યા, તેમણે પૂછ્યું કે ‘આવતી કાલે પેપરમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ છે બધા પાસે …’ બધાએ જવાબ આપ્યો, ‘હા, તેમનું નામ છે સરસ્વતી માવશી’ એક વિદ્યાર્થીએ પૂછ્યું, ‘સર, અમે તમને જવાબ આપ્યો. હવે તમે અમને સમજાવો કે તમે આ પ્રશ્ન શા માટે પૂછ્યો?’
શિક્ષકે કહ્યું, ‘આ પ્રશ્ન મેં તમને ખાસ એક વાત સમજાવવા કર્યો કે આપની આસપાસ આપણા માટે જરૂરી મહત્ત્વપૂર્ણ કામ ઘણાં લોકો કરે છે, પણ આપણે તેમને ઓળખતા નથી.આપણા માટે મહત્ત્વનું કામ કરનારની અને તેમના કામની આપણે કિંમત કરતાં નથી.આપણે ક્યારેય તેમને થેંક યુ કહેતા નથી.તમને તેમનું નામ પણ ખબર હોતી નથી.બસ તમે બધા સમજો કે આપણી આસપાસની દરેક વસ્તુ અને વ્યક્તિનું વિશેષ મહત્ત્વ હોય છે.એટલે હંમેશા સજાગ રહો.બધાંની કિંમત કરો.કોઈની અવગણના ન કરો.’ શિક્ષકે મહત્ત્વનો પાઠ શીખવ્યો
.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.