કોરોનાની મહામારીમાં ભાજપ સરકારના આડેધડ આયોજન અને ઇચ્છાશક્તિના અભાવે લાખો લોકોને ભોગ બનવું પડ્યું છે. કોરોનામા મૃત્યુ પામનાર મૃતકોને સહાય આપવાની રાજ્યની ભાજપ સરકારની કોઈ જ ઈચ્છા જણાતી નથી. સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતાં ભાજપ સરકારને ગુજરાતના નાગરિકો યાદ આવ્યા છે. કોરોનામા મૃત્યુ પામનાર તમામ મૃતકોનાં સ્વજનોને સહાય મળે એ માટે કોંગ્રેસ કટિબદ્ધ છે, અને જરૂર પડે દિલ્હી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરવા પણ જશે, તેવું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોરોનામાં સરકારની બેદરકારી અને નિષ્ફળતાથી સમગ્ર આફત ઊભી થઈ હતી. આ આફત માટે સરકારનો અનગઢ વહીવટ અને ભ્રષ્ટ નીતિ જવાબદાર છે. રાજ્યની ભાજપ સરકાર તાયફાઓ કરવામાં કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, પરંતુ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આનાકાની કરી રહી છે. હવે જ્યારે સુપ્રીમે ફટકાર લગાવી એટલે 50 હજારની સહાયની જાહેરાત કરી છે. સરકાર કોરોનાથી માત્ર 10 હજાર લોકોનાં મૃત્યુ થયાનો સ્વીકાર કરે છે, પરંતુ કોંગ્રેસ પાસે જે માહિતી છે તેમાં 3 લાખનાં મૃત્યુ થયાં છે.
જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર પાસે તમામ વહીવટી માળખું ઉપલબ્ધ છે. તેવા સંજોગોમાં સરકાર શા માટે ઝડપથી મૃતકોના આંકડા શોધી કાઢીને એ જાહેર કરતી નથી. જો સરકાર મૃતકોના સાચા આંકડા જાહેર કરે તો ગુજરાત મોડેલની પોલ ખૂલી શકે છે. તેથી સાચા આંકડા જાહેર કરતી નથી ? વારંવાર મારું ગુજરાત, મારા ગુજરાતીઓ કહેનારી ભાજપ સરકાર કોરોનાના મૃતકોના સાચા આંકડા જાહેર કરવામાં કેમ ગભરાઈ રહી છે ? એમને તાયફા કરવા હોય તો જરૂર પડે ત્યારે ગ્રામસભા બોલાવી શકે છે, તો મૃતકોને સહાય આપવા માટે તાત્કાલિક ગ્રામસભા બોલાવી તમામ વહીવટી તંત્રને કામે લગાડવામાં આવે તો એક જ દિવસમાં સાચો આંકડો બહાર આવી શકે તેમ છે. પરંતુ સાચી માહિતી બહાર આવી જશે તેવી બીક રાજ્યની ભાજપ સરકારને લાગી રહી છે. કોંગ્રેસ મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય મળે એ માટે કટિબદ્ધ છે. અને જરૂર પડે મૃતકોના પરિવારજનો સાથે દિલ્હી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી સહાયની માંગ કરશે.
કોંગ્રેસ પાસે સહાયનાં 48 હજાર ફોર્મ ભરાયાં છે, રજૂ કરેલા આંકડા ખોટા સાબિત કરી બતાવો
જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન જુદાં જુદાં ગામમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની મુલાકાત લેવામાં આવી હતી. કોંગ્રેસ પાસે સહાય માટે અત્યાર સુધીમાં 48 હજાર જેટલાં ફોર્મ જમા થયાં છે. હજુ પણ આ પ્રક્રિયા ચાલુ છે. કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલાં ફોર્મ ખોટાં હોય તો તે સાબિત કરી બતાવે. સરકારને જાહેરમાં ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર છે.