નવસારી: (Navsari) નવસારીમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો હતો જેથી આજે બુધવારે નવસારીમાં લઘુત્તમ તાપમાન (Temperature) 12.2 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો (Cold) દિવસ નોંધાયો હતો. નવસારીમાં ગત 12મી નવેમ્બરે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. જેથી સિઝનનો સૌથી ઠંડો (Winter) દિવસ નોંધાયો હતો. જ્યારે ત્યારબાદ 26મી નવેમ્બરે પણ લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. તેમજ ગત 2જી ડિસેમ્બરે 13.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગયા અઠવાડિયાથી જમ્મુ કશ્મીરની ખીણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું. જેને કારણે વિતેલા ત્રણ-ચાર દિવસમાં હિમવર્ષા પડી હતી. ત્યારબાદ ઉત્તર અને ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાતા દક્ષિણ ગુજરાત સુધી શીતલહેર પ્રસરી રહી છે.
નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં હાલ છેલ્લા 3 દિવસથી લઘુત્તમ તાપમાન ગગડી રહ્યું છે. ગત રવિવારે લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું. જોકે ત્યારબાદથી લઘુત્તમ તાપમાન 5.7 ડિગ્રી ગગડયું છે. આજે બુધવારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડતા 12.2 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જયારે મહત્તમ તાપમાન વધુ 1 ડિગ્રી ઘટીને 28.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા હતું. જે બપોરબાદ વધીને 53 ટકા જેટલું રહ્યું હતું. આજે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 4.2 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
વલસાડનું તાપમાન
- લઘુત્તમ તાપમાન- 13.0 ડિગ્રી
- મહત્તમ તાપમાન- 30.5 ડિગ્રી
- વાતાવરણમાં ભેજનું પ્રમાણ- 90 % ટકા
સુરતમાં પારો 2 ડિગ્રી ગગડી ગયો
સુરત: શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં વધુ બે ડિગ્રીનો અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. બે દિવસમાં તાપમાનમાં સતત ઘટાડો થતા આજે વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગયા અઠવાડિયાથી જમ્મુ કશ્મીરની ખીણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું. જેને કારણે વિતેલા ત્રણ-ચાર દિવસમાં હિમવર્ષા પડી હતી. ત્યારબાદ ઉત્તર અને ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાતા દક્ષિણ ગુજરાત સુધી શીતલહેર પ્રસરી રહી છે. વિતેલા બે ત્રણ દિવસથી તાપમાનમાં સડસડાટ ઘટાડો થતા ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આજે સુરતમાં લઘુત્તમ તાપમાન બે ડિગ્રી ગગડીને 16.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન એક ડિગ્રી ઘટાડા સાથે 28.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 66 ટકા ભેજની સાથે આજે 5 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો. શહેરમાં આજે વહેલી સવારથી શીતલહેર પ્રસરતા ફુલગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. વહેલી સવારે લોકોએ જોગર્સ પાર્કમાં ઠંડીનો આનંદ લીધો હતો. રાત્રે ઘરોમાં પંખા પણ બંધ રાખવા પડે તેવી સ્થિતિ હતી. આગામી દિવસોમાં ઠંડીનો મિજાજ યથાવત રહેવાની સાથે તાપમાન હજી એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા સેવાઈ રહી છે.