નવી દિલ્હી : વિરાટ કોહલીની (Virat kohli) કેપ્ટનશીપને લઈને ચાલી રહેલાં વિવાદના (Captaincy controversy ) મામલે BCCI અને રમતગમતમંત્રી અનુરાગ ઠાકૂરના (Anurag Thakur) નિવેદન બાદ આખરે આજે વિરાટ કોહલીએ મૌન તોડ્યું છે. કેપ્ટનશીપ મુદ્દે વિરાટ અને રોહિત શર્મા (Rohit Sharma) વચ્ચે ચાલી રહેલી જંગ મુદ્દે આજે પહેલીવાર વિરાટ મીડિયા સામે આવ્યો છે અને તેણે સ્ટેટમેન્ટ આપી બધાને ચોંકાવી દીધા છે.
વન-ડે ટીમના કેપ્ટનપદેથી હટાવી દેવાયા બાદ વિરાટ કોહલીએ બુધવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કર્યું હતું કે તે ભારતના આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં વનડે શ્રેણીનો ભાગ બનશે. આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે વિરાટ કોહલીએ BCCI પાસે ODI શ્રેણી માટે આરામ માંગ્યો છે. તેમણે આજે પત્રકાર પરિષદ યોજીને આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું. આ સાથે કોહલીએ કહ્યું કે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને તેમનો પૂરો સહયોગ રહેશે. BCCIએ કોહલીની વર્ચ્યુઅલ કોન્ફરન્સનો વીડિયો શેર કર્યો છે.
વિરાટ કોહલીએ કેપ્ટનશીપ મામલે ઉભા થયેલા વિવાદ અંગે પણ કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી. તેણે સાફ કહ્યું કે, ટી-20 કેપ્ટનશીપ છોડવાના મારા નિર્ણય સામે કોઈને વાંધો નહોતો. મને એવું નહોતું કહેવાયું કે તમે કપ્તાની નહીં છોડો. ટી-20 કેપ્ટનશીપ છોડવાની જાણ મેં સૌથી પહેલાં BCCIને કરી હતી. ત્યારે મારા નિર્ણયને ખૂબ જ સારી રીતે આવકારવામાં આવ્યો હતો. મારા નિર્ણયની પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારે જ મેં કહી દીધું હતું કે હું વન-ડેના કેપ્ટન તરીકે રહેવા માંગુ છું. પરંતુ મને કેપ્ટન પદેથી હટાવી દેવાયો છે. વિરાટે કહ્યું કે, ગઈ 8 ડિસેમ્બરના રોજ સિલેક્શન કમિટીની વર્ચ્યુઅલ મિટીંગમાં દોઢ કલાક પહેલાં મને બોલાવાયો હતો. ટી-20 ની કપ્તાની છોડ્યા બાદ તે વિષય પર મારી કોઈ વાત થઈ નહોતી. ટેસ્ટ ટીમ અંગે મારી સાથે સિલેક્ટર્સે ચર્ચા કરી હતી. મિટીંગનો વીડિયો કોલ પૂરો થયા બાદ મને કહેવામાં આવ્યું કે હવે તમે વન-ડેના કેપ્ટન નથી. જેની પર મેં ઓકે કહ્યું હતું. આ અગાઉ સૌરવ ગાંગુલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, BCCIએ વિરાટને ટી-20ની કેપ્ટનશીપ છોડવા કહ્યું નહોતું. વિરાટનું આ નિવેદન BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીથી બિલકુલ ઊલટું છે. આ અગાઉ ગાંગુલીએ એવો દાવો કર્યો હતો કે, તેણે જાતે વિરાટને કેપ્ટનશીપ નહીં છોડવા વિનંતી કરી હતી.
રોહિતની કપ્તાનીમાં વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે વન-ડે રમશે
દરમિયાન વિરાટે કહ્યું કે, ભલે હું કપ્તાન નથી પરંતુ હું સાઉથ આફ્રિકામાં (South Africa) વન-ડે (One-day) રમીશ. મારા વિશે જે સમાચારો ફેલાઈ રહ્યાં છે તે ખોટા છે. વિરાટ કોહલીએ સિલેક્ટર્સના (Selectors) અભિગમ પર સીધે સીધી આંગળી ઉઠાવતા કહ્યું કે, ટેસ્ટ ટીમની પસંદગી થઈ ત્યાર બાદ સિલેક્ટર્સે મને કહ્યું કે, તમને વન-ડેના કેપ્ટન દેથી હટાવી દેવાયા છે. ત્યાર પછી કોઈ વાત થઈ નથી. જ્યારે મેં ટી-20ની કેપ્ટનશીપ છોડી ત્યારે BCCIને મેં સિલેક્ટર્સને કહ્યું હતું કે, હું વન-ડે અને ટેસ્ટની કપ્તાની કરવા ઈચ્છું છું. પરંતુ ત્યાર બાદ સિલેક્ટર્સે જે નિર્ણય લીધો તે તમારી સામે છે.
રોહિત સાથે મારે કોઈ તકરાર નથી, હું સ્પ્ષટતા કરીને થાકી ગયો છું: વિરાટ
રોહિત શર્મા સાથે ચાલતી તકરાર મામલે વિરાટ કોહલીએ કહ્યું કે, મારી અને રોહિત વચ્ચે કોઈ મતભેદ નથી. હું અઢી વર્ષથી સ્પષ્ટતા કરી થાકી ગયો છું. મારી કોઈ પણ એક્શન અને કમ્યુનિકેશન ટીમને નીચું દેખાડવા માટે નહીં હોય. હું જ્યાં સુધી ક્રિકેટ રમીશ ટીમને સમર્પિત રહીશ. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને હું પૂરો સહયોગ આપતો રહીશ.
રમતગમત મંત્રી અનુરાગ ઠાકૂરના નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું, કહ્યું, રમતથી કોઈ મોટું નથી
વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વનડે ટીમની કેપ્ટનશીપને લઈને ચાલી રહેલો વિવાદ સતત વધી રહ્યો છે. બંને ખેલાડીઓ વચ્ચે અણબનાવ હોવાની અટકળો પર આજે સવારે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે આડકતરી રીતે વિરાટને ચેતવણી આપતા કહ્યું હતું કે, “ગેમથી મોટું કોઈ નથી. કોઈ ખેલાડીની વચ્ચે શું ચાલી રહ્યું છે તે અંગે હું કોઈ માહિતી આપી શકતો નથી. તેમની સાથે સંબંધિત એસોસિએશન અથવા સંસ્થાની જવાબદારી છે. તે યોગ્ય રહેશે કે તેણે આ અંગે માહિતી આપવી જોઈએ.
‘વિરાટે સુકાનીપદેથી હટાવવાને હળવાશથી લીધી નહીં’: સિલેક્ટર્સનો આક્ષેપ
દરમિયાન BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “વિરાટે ODI સુકાની પદ પરથી હટાવવાની બાબતને હળવાશથી લીધી નથી. તેણે પરિવાર સાથે સમય પસાર કરવા માટે ODI શ્રેણીમાંથી બહાર થવાનો નિર્ણય લીધો હોવાની વાત ફેલાવી હતી. પરંતુ અહીં કોઈ બેવકૂફ નથી. જે કંઈ થઈ રહ્યું છે તે બિલકુલ સ્વીકાર્ય નથી.
‘દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ બંને કેપ્ટન સાથે થશે વાતચીત’
બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, “દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ અમે બંને કેપ્ટન સાથે બેસીને ચર્ચા કરી આગળ શું કરવું છે તેનો નિર્ણય લઈશું. વિરાટને ODI ટીમમાંથી હટાવવાનું કામ ટીમની ભલાઈ માટે કરવામાં આવ્યું છે. વિરાટે સ્વાર્થી પ્રતિક્રિયા આપવી જોઈતી નહોતી. તેણે ટીમમાં ઘણું યોગદાન આપ્યું છે અને ટીમને હંમેશા આગળ રાખી છે. જે પણ થઈ રહ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.