Charchapatra

જીવનમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનું મહત્ત્વ

આપણાં જીવનમાં દરેક ધાર્મિક પુસ્તકો કાંઈક કરવાની પ્રેરણા આપતાં હોય છે. પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ રીતે જીવનમાં મદદરૂપ થાય છે કે જીવનમાં બનતી સારી નરસી સમસ્યાઓનો સામનો કઈ રીતે કરવો, જીવનના આટાપાટામાંથી કઈ રીતે બચવું. ટૂંકમાં ગીતાજી એ જીવનમાં એક ટોનિક સમાન છે. ગીતાજીનું ઉદ્દભવસ્થાન મહાભારતની યુદ્ધભૂમિ છે. અર્જુન જ્યારે હિંમત હારીને, ગાંડીવ ધનુષ હેઠે મૂકીને નિરાશ વદને રથમાં બેસે છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને પોતાના જ્ઞાન થકી, જે ઉપદેશ આપ્યો, એ જ આપણો સૌનો પ્યારો ગીતા ગ્રંથ છે.

અર્જુનને પોરસ ચઢાવવા, એનો ઉત્સાહ વધારવા, તથા તેનું સાચું કર્મ, ફરજ, કર્તવ્ય એ વિશે વિસ્તૃત જ્ઞાન અને ઉપદેશ આપવા, ભગવાન શ્રીકૃષ્ણે જે સૂરાવલિ વહાવી હતી એ જ આપણો પવિત્ર ગ્રંથ ગીતાજી છે. ગીતાજીનું આખું નામ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે, પરંતુ લોકો ટૂંકાણમાં ગીતા કે ગીતાજી તરીકે ઓળખે છે. માગસર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીનું જ્ઞાન રૂપી અમૃત અર્જુનને પીવડાવ્યું હતું, એનો લાભ આજે પણ આપણે સૌ લઈએ છીએ. આ કારણે જ માગસર સુદ એકાદશીને ગીતા જયંતી તરીકે ઓળખવામાં આવે છે. આપણી હિંદુ સંસ્કૃતિમાં તથા વિશ્વના અન્ય દેશોમાં ઘણા બધા ધર્મગ્રંથોની રચના થયેલી છે.

અરે, વેદો ,પુરાણો તેમજ ઉપનિષદોની રચના થયેલી છે, પરંતુ જન્મ જયંતી તો ગીતાજીની જ ઊજવવામાં આવે છે અને આના ઉપરથી આપણને ગીતાજીનું મૂલ્ય તથા મહત્ત્વ શું છે તે સમજી શકાય છે. આપણા અન્ય ગ્રંથોની રચનાઓ તો ઋષિ મુનિઓ, જ્ઞાની વ્યક્તિઓ કે ધર્મગુરુઓએ કરેલી છે, જ્યારે ગીતાજી તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી પ્રગટ થયેલ છે. મૂળ તો ગીતાજી એ મહાભારતનો એક ભાગ જ છે.

કહેવાય છે કે યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણે ૭૦૦ અર્થસભર શ્લોકોનો પાર્થને ઉપદેશ આપ્યો હતો, તે મહર્ષિ વેદવ્યાસજીએ પોતાની આગવી સૂઝબૂઝ તથા આવડતથી અલગ તારવીને, આપણને ગીતાજી નામના પવિત્ર અને પાવન ગ્રંથની ભેટ આપી અને એનું નામકરણ શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખવામાં આવ્યું. બીજા ગ્રંથોની માફક ગીતાજીએ કાંઈ વાંચવાનો પૂજા કરવાનો ગ્રંથ નથી, પરંતુ એના તમામે તમામ શ્લોકોને સમજી વિચારીને પોતાના દૈનિક જીવનમાં ઉતારવાનો છે. ગીતાજી વિશે તો જેટલું લખીએ એટલું ઓછું પડે એમ છે. જેમ સાગરનો કોઈ તાગ નથી એવી રીતે ગીતાજીનો પણ કોઈ તાગ નથી. જ્યાં જ્યાં સુધી માનવજાતની હસ્તિ છે, ત્યાં ત્યાં સુધી ગીતાજીના ગુણગાન ગવાતા રહેશે અને ગીતા જયંતીની ઉજવણી થતી રહેશે.
પંચમહાલ- યોગેશ આર. જોષી    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top