ન્યૂઝીલેન્ડની સરકાર તમાકુના ધુમ્રપાનનો અંત લાવવા માટ઼ે એક આગવી યોજના મૂકી રહી છે – જે ૧૪ વર્ષ કે તેથી નાની વયના હોય તેવા તમામ લોકો પર ધુમ્રપાન કરવા પર આજીવન પ્રતિબંધ મૂકશે. ન્યૂઝીલેન્ડ સરકારની આ હિલચાલને કારણે એક નવી જ ચર્ચાને જન્મ મળ્યો છે અને તે એ કે ધુમ્રપાન પર સંપૂર્ણ પ્રતિબંધ કે પછી ધુમ્રપાનના વ્યસનને કાયમ માટે નાબૂદ કરી દેવાનું શક્ય છે ખરું? ધુમ્રપાન આમ તો એક કુટેવ જ છે, તેનાથી કોઇ જ ફાયદો થતો નથી, ફક્ત નુકસાન જ થાય છે. ભારે ભોજન કર્યા બાદ તમાકુવાળુ પાન – કે જેમાં તમાકુ મર્યાદિત પ્રમાણમાં હોય તે ખાવાથી ભોજન પચવામાં મદદ મળે છે તેટલો ફાયદો થાય છે એમ કહેવાય છે, પરંતુ ધુમ્રપાન કરવાથી તો આવો કોઇ ફાયદો થતો હોવાનું પણ જાણવા મળતું નથી.
ધુમ્રપાનના કિસ્સામાં તો વળી, ફક્ત ધુમ્રપાન કરનારને જ નહીં પણ અન્યોના શ્વાસમાં ધુમાડો જાય તો તેમને પણ નુકસાન થવાનો ભય રહેલો છે છતાં વિશ્વમાં બેરોકટોક ધુમ્રપાન થતું રહે છે. સદીઓથી માણસજાત તમાકુ કે અન્યનું પદાર્થો બીડી, સિગારેટ જેવા માધ્યમો વડે ધુમ્રપાન કરતી આવી છે. તમાકુના ધુમ્રપાનના નુકસાનની અનેક ચેતવણીઓ અપાતી રહેતી હોવા છતાં તેનું ધુમ્રપાન થતું રહે છે. વિશ્વભરની સરકારો સિગારેટ જેવી વસ્તુઓ પર ઉંચા દરે ટેક્સ નાખીને, વયમર્યાદા સહિતના વિવિધ નિયંત્રણો મૂકીને ધુમ્રપાનને અંકુશમાં રાખવાના પ્રયાસો કરતી આવી છે પરંતુ કોઇ પણ સરકારે ધુમ્રપાન પર સંપૂર્ણ પ્રતિબંધ માટે તૈયારી બતાવી નથી ત્યારે ન્યૂઝીલેન્ડની સરકારે સૌપ્રથમવાર આવી હિંમત બતાવી છે.
ન્યૂઝીલેન્ડ સરકારે કરેલી જાહેરાત મુજબ એક નવા કાયદા હેઠળ આ પ્રતિબંધ મૂકાશે. આવતા વર્ષે આ કાયદો પસાર કરાવવાની યોજના છે જેમાં હાલ જેઓ ૧૪ વર્ષ કે તેથી ઓછી વયના હોય તેમના પર ધુમ્રપાન કરવા પર જીવનભર માટે પ્રતિબંધ મૂકાશે. તેથી તેઓ પુખ્ત વયના થયા પછી પણ સિગારેટ પી શકશે નહીં. આનો અર્થ એ થાય કે આ કાયદો અમલી બન્યા પછી પણ ઓછામાં ઓછા ૬પ વર્ષ સુધી તો સિગારેટો વેચાતી રહેશે કારણ કે જેઓ હાલ પુખ્ત વયના છે તેઓ તો સિગારેટો ખરીદી શકશે.
વળી, સિગારેટ ખરીદવા માટેની લઘુતમ વય વર્ષો વર્ષ વધારતા જવામાં આવશે, જો કે ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને આનાથી થોડા વર્ષ સુધી તો અસર થઇ શકશે નહીં. ન્યૂઝીલેન્ડમાં હાલમાં ૧૮ વર્ષથી ઓછી વયના લોકોને સિગારેટ વેચી શકાતી નથી. એક સમય આવશે કે જેઓ પુરવાર કરી શકે કે તેઓ ૮૦ વર્ષની વયના છે તેઓ જ સિગારેટ ખરીદી શકશે. અધિકારીઓ એવી પણ આશા રાખે છે કે ૨૦૨૫ સુધીમાં ન્યૂઝીલેન્ડની માત્ર પ ટકા વસ્તી જ ધુમ્રપાન કરતી હશે. હાલ જેઓ ૧૪ વર્ષ કે તેથી ઓછી વયના હોય તેમના પર ધુમ્રપાન કરવા પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે તો તેમને ધુમ્રપાનની ટેવ ક્યારેય પડે જ નહીં, આમ પણ ૧૪ વર્ષ કે તેથી ઓછી વયના લોકો ભાગ્યે જ ધુમ્રપાન કરતા હોય છે અને તેમના પર ધુમ્રપાન કરવા પર આજીવન પ્રતિબંધ મૂકાય તો તેઓ ક્યારેય ધુમ્રપાન શરૂ કરે જ નહીં અને આ વસ્તી મોટી થતી જાય, બીજી બાજુ જેમને ધુમ્રપાન કરવાની ટેવ પડી છે.
તેવા પુખ્ત વયના લોકો વૃદ્ધ થતા જાય, ધીમે ધીમે તે પેઢીઓ મૃત્યુ પામે પછી નવી પેઢી બિલકુલ ધુમ્રપાન કરતી જ ન હોય અને સમગ્ર દેશ ધુમ્રપાનથી મુક્ત બની જાય તેવી ન્યૂઝીલેન્ડ સરકારની ગણતરી છે. આ સિદ્ધ થવામાં વર્ષો લાગી શકે છે, પરંતુ તે થઇ શકે છે ખરું! જો કે ચોરી છૂપીથી ધુમ્રપાન કરવાનું ચાલુ રહી શકે તેવો ભય તો છે જ, અને એ બાબતે ન્યૂઝીલેન્ડની સરકારે વિચારવું પડશે. ન્યૂઝીલેન્ડ સરકારે સિગારેટ વેચવાની પરવાનગી ધરાવતા સ્ટોરોની સંખ્યા પણ ક્રમશ: ઘટાડતા જવાનું આયોજન કર્યું છે તે આ બાબતો વિચારીને જ કર્યું હશે. ન્યૂઝીલેન્ડ સરકારના આ પગલાઓ કેટલા સફળ રહેશે તે તો ભવિષ્ય જ બતાવશે પરંતુ તેની હિંમત અને પહેલ સરાહનીય તો છે જ.
વિશ્વના અન્ય દેશો પણ ન્યૂઝીલેન્ડ સરકારને અનુસરશે કે કેમ એ બાબતે પ્રશ્નો થાય છે, પરંતુ હાલમાં તો કોઇ દેશે આ બાબતે કોઇ સળવળાટ બતાવ્યો નથી. તમાકુના ઉત્પાદન પર જ સમૂળગો પ્રતિબંધ મૂકી દેવાની ઘણીવાર માગણીઓ થાય છે પરંતુ કોઇ સરકાર આવી હિંમત કરી શકતી નથી. આના માટે અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. એક મહત્વનું કારણ તો એ છે કે મોટા ભાગની સરકારો તમાકુના ઉત્પાદનો પરના વેરાઓમાંથી થતી આવક ગુમાવવા માગતી નથી. વળી, સમાજના એક ઘણા મોટા વર્ગને, કેટલાક પશ્ચિમી દેશોમાં તો મહિલાઓના પણ એક મોટા વર્ગને ધુમ્રપાનની ટેવ પડી ગઇ હોય છે અને તે છોડાવવી ખૂબ મુશ્કેલ હોય છે અને આ બાબતમાં કડક બનીને સરકારો અળખામણી બનવા માગતી નથી. હાલના સંજોગો જોતા તો એમ લાગે છે કે વિશ્વભરમાં ધુમ્રપાન પર સંપૂર્ણ પ્રતિબંધ નજીકના ભવિષ્યમાં તો શક્ય નથી.