મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્રમાં (Maharashtra) ઓમિક્રોનના (Omicron) 8 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ 28 કેસ નોંધાયા છે જે દેશમાં સૌથી વધુ છે. ખાસ વાત એ છે કે જેટલા લોકો ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા છે તેમાંથી એકની પણ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી (International Travel History) નથી. સંક્રમિત થયેલા 8માંથી 7 લોકોએ વેક્સિન (Vaccine) લીધી હતી. 2 દર્દી હોસ્પિટલમાં અને 6 હોમ આઈસોલેશનમાં છે. દેશભરમાં ઓમિક્રોનના 57 કેસ નોંધાયા છે. મંગળવારે દિલ્હીમાં (Delhi) ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા બાદ હવે રાજધાનીમાં આ પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા 6 થઈ ગઈ છે. જેમાં હાલ પાંચ લોકો પોઝીટીવ છે. દિલ્હીમાં પહેલીવાર એક દિવસમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. જો કે, આ દરમિયાન ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિને પણ રજા (Discharge) આપવામાં આવી છે. સંબંધિત વ્યક્તિ રાંચીનો રહેવાસી છે અને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.
દિલ્હીમાં મંગળવાર સવારે 4 નવા કેસ સામે આવ્યા બાદ સાંજે મહારાષ્ટ્રમાં 8 કેસ નોંધાયા છે. સંક્રમિત થયેલા 8 માંથી 7 દર્દી મુંબઈથી અને વસઈ-વિરારથી છે. ખાસ વાત એ છે કે જેટલા લોકો ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા છે તેમાંથી એકની પણ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તમામના સેમ્પલ ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં લેવામાં આવ્યા હતા. આજે સંક્રમિત થયેલા 8 દર્દીમાંથી 3 મહિલાઓ અને 5 પુરૂષ છે. તેમની ઉંમર 24થી 41 વર્ષની વચ્ચે છે. જેમાંથી ત્રણમાં સિસ્ટમેટિક અને પાંચમાં સામાન્ય લક્ષણ છે. સંક્રમિત થયેલા 8 દર્દીમાંથી એક રાજસ્થાનનો રહેવાસી છે. આ ઉપરાંત એક બેંગલુરુ અને એક વ્યક્તિએ દિલ્હીની યાત્રા કરી હતી. 8 માંથી 2 દર્દી હોસ્પિટલમાં અને 6 હોમ આઈસોલેશનમાં છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેક કરવામાં આવ્યા છે. સંક્રમિત થયેલા 8માંથી 7 લોકોએ વેક્સિન લીધી હતી.
ઓમિક્રોને ફરી એકવાર વિશ્વભરના વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. ઓમિક્રોન સામેની રસીની સુરક્ષાને લઈને ઉભા થઈ રહેલા સવાલો વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરએ મંગળવારે દાવો કર્યો હતો કે તેની પ્રાયોગિક એન્ટિ-કોવિડ ગોળી પણ કોરોનાવાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોન સામે અસરકારક સાબિત થઈ છે. કંપનીએ કહ્યું કે 2,250 લોકો પર કરવામાં આવેલા સંશોધનના સંપૂર્ણ નિષ્કર્ષથી પુષ્ટિ થઈ છે કે તેની એન્ટી-કોવિડ ગોળી વાયરસ સામે અસરકારક છે.