નવી દિલ્હી : ભારતીય ટેસ્ટ ટીમના (Indian cricket team) વાઇસ કેપ્ટન પદે હાલમાં જ વરાયેલા રોહિત શર્માની (Rohit Sharma) જૂની હેમસ્ટ્રીંગ ઇન્જરીએ (Hamstring injury) ફરી ઉપાડો લેતા તે દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની ત્રણ ટેસ્ટની સીરિઝમાંથી (Test series) આઉટ થઇ ગયો છે. મુંબઇમાં (Mumbai) ચાલી રહેલા ટીમના નેટ સેશન દરમિયાન તેની આ ઇજા ફરી સામે આવી હતી. પ્રેક્ટિસ દરમિયાન તેના હાથમાં પણ બોલ વાગ્યો હોવાના અહેવાલો આવ્યા હતા. BCCIએ એ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા-એ સામેની મેચમાં ભારત-એ વતી 96 રનની ઇનિંગ રમનારા પ્રિયાંક પંચાલને (Priyank Panchal) 26 ડિસેમ્બરથી સેન્ચુરિયન ખાતેની પ્રથમ ટેસ્ટથી શરૂ થઇ રહેલી આ ટેસ્ટ સીરિઝમાં રોહિતના કવર તરીકે સામેલ કરાયો છે.
મુંબઇમાં થ્રો ડાઉન એક્સપર્ટ રાધવેન્દ્ર ઉર્ફે રઘુ સામે નેટ પ્રેક્ટિસ દરમિયાન રોહિતને એક બોલ હાથમાં વાગ્યો હતો. જો કે હાથમાં બોલ વાગવા છતાં તેણે પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. તેથી અમે એવું માનીએ છીએ કે હાથની ઇજા એટલી ગંભીર નહોતી. પણ તે પછી એવું જોવા મળ્યું હતું કે તેની જૂની હેમસ્ટ્રીંગની ઇજા ફરી સપાટી પર આવી ગઇ હતી અને તે સંપૂર્ણ ફિટ થઇને ફરીથી ઉપલબ્ધ બને તેના માટે થોડો સમય લાગી શકે છે એવું એક બીસીસીઆઇ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. આ સૂત્રએ એવું પણ કહ્યુ હતું કે BCCIની મેડિકલ ટીમ દ્વારા તેની સારવાર (Treatment) કરીને તેને તેમાંથી બહાર લાવવાના પ્રયાસો કરી રહી છે. પણ સામાન્યપણે હેમસ્ટ્રીંગ ઇન્જરીમાંથી સંપૂર્ણ સાજા થતાં ઓછામાં ઓછા ચાર અઠવાડિયાનો સમય લાગી શકે છે અને તેને ધ્યાને લેતા તે ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઇ ગયો છે એવું માની શકાય છે.
રોહિત શર્માની હેમસ્ટ્રીંગ ઇન્જરી ગંભીર છે કે નહીં તેની કોઇ સ્પષ્ટતા નથી થઇ
રોહિત શર્માની જૂની હેમસ્ટ્રીંગ ઇન્જરી બાબતે હજું કંઇ સ્પષ્ટ નથી. તેની ઇજા માત્ર સ્નાયુના ખેંચાણ જેવી ઓછી ગંભીર છે કે પછી સ્નાયુ ફાટી ગયો છે, એ હજુ વર્ગીકૃત કરવાનું બાકી છે. રોહિતના નજીકના સૂત્રએ માહિતી આપી હતી કે થોડી સમસ્યા છે પણ મેડિકલ ટીમ તેના નિરાકરણના પ્રયાસ કરી રહી છે. જેનાથી ઇજાની કેટેગરી સમજી શકાય તેમ છે તેવો રોહિતનો સ્કેન રિપોર્ટ બીસીસીઆઇએ હજુ સુધી શેર કર્યો નથી.
કોઇપણ નીચલા ગ્રેડની હેમસ્ટ્રીંગ ઇન્જરીને સાજી થતાં મહિનાનો સમય લાગી શકે
બીસીસીઆઇના સુત્રોએ માહિતી આપી હતી કે કોઇપણ નીચલા ગ્રેડની હેમસ્ટ્રીંગ ઇન્જરીને રિહેબિલિટેશન સેશનની સાથે પણ સંપૂર્ણ સાજી થતાં એક મહિના જેવો સમય લાગી શકે છે. તેનો સીધો અર્થ એ છે કે રોહિતની હેમસ્ટ્રીંગ ઇન્જરી ઓછી ગંભીર પણ હશે તો પણ તેને સાજો થઇને રિહેબિલિટેશનનો સમયગાળો પુરો કરતાં એક મહિનો તો લાગી જ શકે છે, અને એ હિસાબે તે ટેસ્ટ સીરિઝમાંથી આઉટ જ થઇ ગયો છે.
પ્રિયાંક પંચાલને રાત સુધીમાં મુંબઇ સ્થિત ટીમ હોટલમાં પહોંચી જવા કહેવાયું
એવું જાણવા મળ્યું છે કે રોહિતના કવર તરીકે ટીમમાં સામેલ થયેલા પ્રિયાંક પંચાલને તાત્કાલિક મુંબઇ સ્થિત ટીમ હોટલમાં પહોંચી જવા કહેવાયું છે. પ્રિયાંક પંચાલે હાલમાં જ ભારત-એ ટીમનું સુકાન સંભાળવાની સાથે દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેમની એ ટીમ સામે સારું બેટિંગ પ્રદર્શન કરીને રન પણ બનાવ્યા હતા અને તેના કારણે તેનો ટીમમાં રોહિત શર્માના કવર તરીકે સમાવેશ થયો હોવાનું માનવામાં આવે છે.