Charchapatra

શિક્ષણ જાત સાથે લડતા કયારે શીખવશે?

સ્વયંશિસ્ત, ટ્રાફિકનાં નિયમોનું પાલન, સમયપાલનતા, નિષ્ઠાપૂર્વક કામ, કરચોરી નહિ તેમજ સ્વચ્છતા જેવા ગુણો  આપણે વિદેશીઓમાં અને વિદેશોમાં જોઈએ છીએ ત્યારે આપણે જ આપણા દેશની ટીકા કરીએ છીએ. નાગરિક ધર્મ સમજવાનો પ્રયત્ન જ નથી, પછી દેશનાં વહીવટદારોને દોષ દેવાનો કોઈ મતલબ? અહીં શિક્ષણ જ એક એવું માધ્યમ છે કે તેના દ્વારા દેશની કાયાપલટ કરી શકાય. તો શું દેશમાં શિક્ષિતો નથી , શૈક્ષણિક સંસ્થાઓ નથી ?

છે, તોપછી !? લોકોએ માનસિકતા અને સરકારે અભ્યાસક્રમો બદલવા પડે. વર્ષોથી માઈન્ડ સેટ છે કે વધુને વધુ ડીગ્રીઓ મેળવીએ તો જ નોકરી મળે! ભણતર માત્ર નોકરી માટે જ છે. જીવન વ્યવહારમાં તેની કોઈ ઉપયોગિતા નથી !નોકરીમાં  પણ કૌશલ્યને ઓછું અને ડીગ્રી, ટકાવારી ને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.જેથી માત્ર ભણતર છે પણ ગણતર નથી. કેળવણી નથી. (અપવાદ હોઈ શકે.)કામ પાયામાંથી થાય તો પરિણામ મળે ! પાયામાંથી આ કામ શિક્ષણ જ કરી શકે એવો અંગત મત લખનારનો છે.પણ જીવનલક્ષી શિક્ષણ , કૌશલ્ય વર્ધક, બાળકનાં રસ પ્રમાણેનાં અને ધોરણ ૧૨ પછી તરતજ કામ મળી રહે,રોજીરોટી મેળવી શકે તેવાં વિષયો કે અભ્યાસક્રમો રચાય તે જરૂરી છે.

દેશમાં બાલમંદિરથી જ બાળકોને નાગરિક ભાવના કેળવાય તેવી કેળવણી અપાય તો આદર્શ નાગરિક તૈયાર થાય. પોતાની ફરજો પરત્વે સભાનતા આવે.મોટી મોટી ડીગ્રીઓ ન હોય પણ દેશ પ્રત્યેની ફરજો વફાદારી પૂર્વક નિભાવી જાણે. ઓસ્ટ્રેલિયામાં જે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા છે તેવી  વ્યવસ્થા ભારતમાં ઊભી કરવામાં આવે તો શિક્ષિત બેરોજગારનો પ્રશ્ન હલ થાય  તેમજ ચર્ચાપત્રના પ્રારંભે રજુ કરેલ ગુણો વિકાસ પામે ! બિબાધાર શિક્ષણ પદ્ધતિ અને છાસવારે થતાં અખતરા  વિશ્વાસ ઘટાડે છે. ( આ મારો અંગત મત છે.)
સુરત     – અરૂણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top