Charchapatra

અત્યંત ચોંકાવનારું, આઘાતજનક અને આશ્ચર્યકારક

નીલગીરીના કન્નુર નજીક હવાઈ દળનું એમઆઇ – ૧૭ વી એચ હેલિકોપ્ટર ક્રેશ થઈ જતાં આપણા દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત અને તેમના પત્ની સહિત ૧૩ વ્યકિતના અવસાનના સમાચાર તા.૯ ડિસેમ્બર ૨૦૨૧ના ગુજરાતમિત્રમાં પહેલે પાને તથા અન્ય વર્તમાનપત્રોમાં પ્રકાશીત થયા છે. આ સમાચાર અત્યંત ચોંકાવનારા, આઘાતજનક અને આશ્ચર્યકારક છે. કારણ ગુજરાતમિત્રમાં જે અહેવાલ પ્રકાશીત થયો છે તે મુજબ જ્યારે ૨૦૧૫માં નાગાલેન્ડમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ત્યારે તેઓ ભારતીય સેનાના સર્વોચ્ચ સુરક્ષા અધિકારી હતા. તેમના માટે ખૂબ જ કડક પ્રોટોકોલનું પાલન કરવામાં આવતું હતું.

તેઓ જ્યાં પણ જતા તેની જાણ પ્રથમ રક્ષા મંત્રાલયને કરવામાં આવતી હતી. સીડીએસની મુસાફરીના કિસ્સામાં પીએમઓ ને પણ જાણ કરવામાં આવી શકે છે અને હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરતા હોય ત્યારે વાયુસેના સુરક્ષાના ધોરણોનું સખતપણે પાલન કરવામાં આવે છે. હેલિકોપ્ટર પ્રવાસ દરમ્યાન તેમની સાથે બે પાયલોટ અને સ્ટાફ અધિકારીઓ હોય છે. તેમ જ કેટલીક વિશેષ પ્રક્રિયાઓ પણ અનુસરવામાં આવે છે. સૌથી અનુભવી પાયલોટસને આ હેલિકોપ્ટર ઉડાડવાની તક આપવામાં આવે છે.

ક્રુની પસંદગીનું પણ ધ્યાન રાખવામાં આવે છે. હેલીકોપ્ટરમાં ચડતા પહેલા સુરક્ષા કર્મચારીઓ તેમની સાથે રહે છે અને હેલિકોપ્ટર ઉતર્યા પછી જ્યાં તેઓ પહોંચે છે ત્યાં સુરક્ષા કર્મચારીઓ તેમની સાથે હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો આટલી બધી કાળજી લેવાતી હોય તો હેલિકોપ્ટર ક્રેશ થાય જ કેવી રીતે ? કોઈક અતિ ગંભીર કાવતરાની ગંધ આવ્યા વગર રહે નહી જેની આપણા દેશના જાસૂસી તંત્રોને જાણ પણ થઈ નહી. પરિણામે દેશે એક અત્યંત મહત્વની વ્યક્તિને ગુમાવવાનો વારો આવ્યો એવું નથી લાગતું ? એકવાર ૨૦૧૫માં દુર્ઘટના બની ચૂકી હતી, ત્યારે બચી ગયા હતા પણ પાછી એવી ધટના ૨૦૨૧માં બની અને આ વખતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સહિત ૧૩ વ્યકિતએ પ્રાણ ગુમાવ્યા.જે હોય તે દુર્ઘટના બની ચૂકી છે અને જેમણે પણ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને સ્મરણાંજલિ અર્પણ કરીએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top