Charchapatra

કુલપતિના રાજમાં અનેક કૌભાંડો થયા : પૂર્વ સિન્ડીકેટ સભ્યો

આણંદ : વિદ્યાધામ એવા વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તેના શિક્ષણને લઇને વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં દેશ વિદેશના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવીને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે સ્વપ્ન સેવતાં હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વરસોથી મંડળના સંચાલકો અને કુલપતિ વચ્ચે અંદરખાને ચાલી રહેલો ગજગ્રાહ હવે સપાટી પર આવી ગયો છે. યુનિવર્સિટીના 51 જેટલા પૂર્વ સિન્ડીકેટ સભ્યોએ એક છત્ર નીચે આવીને યુનિવર્સિટીમાં ચાલતી ગેરરીતિનો આક્ષેપ કર્યો છે અને આ તમામ પાછળ હાલના કુલપતિ ડો. શિરીષ કુલકર્ણી જવાબદાર હોવાનું જણાવ્યું છે. જોકે, કુલપતિ ડો. શિરીષ કુલકર્ણીએ આ તમામ આક્ષેપો નકારી કાઢ્યાં છે અને હિસાબો સહિતની બાબતમાં તેમની કામગીરી યોગ્ય હોવાનું જણાવ્યું છે. હાલ બન્ને વચ્ચે ચાલી રહેલી લડાઇથી સરદાર પટેલ યુનિવર્સિટીની છબી પણ ખરડાઇ છે.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના 51 જેટલા પૂર્વ સિન્ડીકેટ સભ્યોએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિરીષ કુલકર્ણીએ તેમના પાંચ વર્ષના કુલપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના સંચાલકો, આચાર્યો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને તેમની રીતિ, નીતિ, પધ્ધતિ તેમજ મનઘડંત નિર્ણયોથી જે હેરાનગતી અને પજવણી કરી છે. જે માનસિક ત્રાસ આપ્યો છે, તે અંગે અમે આ સાથે મોકલેલ આવેદનપત્રમાં 30 મુદ્દાઓ રજુ કર્યાં છે. આ આવેદનપત્રમાં 51 પૂર્વ સિન્ડીકેટ સભ્યો કે જેમાં 3 વર્ષથી માંડીને 27 વર્ષના અનુભવી સિન્ડીકેટ સભ્યો દ્વારા 30 મુદ્દા રજુ કરવામાં આવ્યાં છે. જેમાં આર્થિક કૌભાંડો યુનિવર્સિટીમાં થયા છે, તે યોગ્ય કમિટિ સરકાર તરફથી નિમાય તો ઘણી બધી અનિયમિતતા અને ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. આ માટે હાલના કુલપતિ, તત્કાલીન રજીસ્ટ્રાર તેમજ એકાઉન્ટ ઓફિસરને ફરજમુક્ત કરી સીબીઆઈ, ઇડી કે કેગ દ્વારા સમગ્ર તપાસ થાય તેવી પણ અમારી માગણી છે. આ અંગે રાજ્યપાલ, શિક્ષણમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

સિન્ડીકેટની મિટીંગમાં સિન્ડીકેટના સભ્યો દ્વારા કાર્યનોંધમાં મૌખિક – લેખિત વિરોધ કરવા છતાં તેની નોંધ કરવામાં આવતી નથી.

સેનેટ, સિન્ડીકેટ સભ્યો, સંચાલક મંડળો, અધ્યાપક મંડળ દ્વારા કુલપતિ અને રજીસ્ટ્રારને અનેક વખત પત્રો લખવામાં આવ્યાં છે, તેમ છતાં તેના કોઇ જ પ્રત્યુત્તર પાઠવવામાં આવતાં નથી.

સરકારમાં યુનિવર્સિટીની સંલગ્ન બાબતો માટે ખોટી રજુઆત કરવામાં આવે છે.

યુનિવર્સિટીના સેકશન – 48 વિરૂદ્ધ કાયમી જોડાણો સંલગ્ન કોલેજોના રદ કરવામાં આવે છે.

ફાયનાન્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ કમિટિ (એફઈ)ની મિટીંગમાં કાર્યસુચિ અને કાર્યનોંધમાં તફાવત ઇરાદાપૂર્વક કરવામાં આવે છે. બિડાણો મુકવામાં આવતાં નથી.

ડેડસ્ટોક રજીસ્ટર રાખવામાં આવતું નથી. સ્થાયી અને અસ્થાયી મિલકતોના રજીસ્ટર નિભાવવામાં આવતાં નથી.

ઇન્સ્યોરન્સ ટાઇમસર લેવામાં આવતાં નથી. કેટલીકવાર લેવામાં જ નથી આવતો. એસ્ટેટની વેલ્યુ અધ્ધરતાલ કરવામાં આવે છે. રીસ્ક ઓક્યુપન્સીની ગણતરી ખોટી કરવામાં આવે છે.

સર્વિસ ટેક્સ, જીએસટી અંગે પાછલા વર્ષની રીકવરી અંગે કોઇ જ કાર્યવાહી કરી નથી. સિન્ડીકેટને જાણ કરી નથી. જેના કારણે 47 લાખ જેવો દંડ પણ ભરવાનો આવ્યો છે.

યુજીસીની ભુતકાળમાં મળેલી ગ્રાન્ટોનો કોઇ જ હિસાબ નથી. ગ્રાન્ટની તારીજ વર્ષોથી બાકી છે. હાલમાં નવ લાખ જેવી રિકવરી પણ આવી હતી.

રાજ્ય સરકારની ગ્રાન્ટોની ખોટી ગણતરી કરી કરોડો રૂપિયાનો ગેરવહિવટ થયો છે.

વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા ફી, જીમખાના ફી, એક્ષટર્નલ પરીક્ષા ફી, એનરોલમેન્ટ ફી, અન્ય ફીઓ તેમજ તે અંગેનો ભરપૂર દંડ ઉઘરાવવામાં આવે છે. વરસોથી વિદ્યાર્થીઓની સંખ્યા અને વિદ્યાર્થીઓ પાસેથી મેળવેલી ફીની તારીજ (રીકનસીલેશન) મેળવવામાં આવતી નથી. જે કરોડો રૂપિયાનું કૌભાંડ છે. જેમાં 35 લાખ આવક સામે, 13 લાખ ખર્ચ થાય છે. રૂ.22 લાખ વધવા છતાં ફિમાં ઘટાડો કરવામાં આવતો નથી.

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિવિધ પ્રકારના બાંધકામ થાય છે, તેમાં ટેન્ડરની રકમ અને ટેન્ડરમાં મંજુર થયેલી રકમમાં ફેરફાર ઇરાદાપૂર્વક થાય છે. મંજુર થયેલી રકમથી કરોડોથી વધુ રકમ કોઇ જ જાતની પૂર્વ મંજુરી સિવાય વધુ ચુકવવામાં આવે છે. બાંધકામ પૂર્વ થયે બાંધકામની સંપૂર્ણ વિગતો અને પેમેન્ટની સંપૂર્ણ વિગતો બાંધકામ સમિતિ, ફાયનાન્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ કમિટિ કે સિન્ડીકેટમાં રજુ કરવામાં આવતી નથી.

સમય મર્યાદામાં કોન્ટ્રાક્ટર બાંધકામની કામગીરી પુરી ન કરતા હોઇ ટેન્ડરમાં પેનલ્ટી ક્લોઝ હોવા છતાં કોન્ટ્રાક્ટર પાસેથી ચેકથી પેનલ્ટી વસુલ કરવામાં આવતી નથી કે તેના પેમેન્ટમાંથી પેનલ્ટીની રકમ બાદ કરવામાં આવતી નથી.

છેલ્લા કેટલાય નાણાકીય વર્ષોથી સ્ટેટ્યુટરી ઓડિટ કરવામાં આવ્યો નથી.

ઇન્કમટેક્સના રિર્ટન ફાઇલ કરવામાં આવતા નથી. ટીડીએસના રિર્ટન્સ ફાઇલ કરવામાં અનિયમિતતા કે ભરવામાં આવતાં નથી.

લોકલ ફંડના ઓડિટ રિપોર્ટ, ફાયનાન્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ કમિટિ (એફઇ), સિન્ડીકેટ કે સેનેટમાં મુકવામાં આવતાં નથી.

રૂ.37.70 કરોડના નાણાંકીય કૌભાંડની જવાબદારી કોની ?

આંતરીક ઓડિટરની નાણાંકીય વર્ષ 2019-20માં એમ્ફેસીસ મેટેર-2, નોટ બી-1, સેડ્યુલ –બીની આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

આવક – જાવકનો હિસાબ નિયમો અનુસાર નથી. આવક – જાવકની અન્ય હકિકતો અને સાચા આંકડા છુપાવવામાં આવે છે.

વર્ષ 2018-19ના ત્રણ ઓડિટ રિપોર્ટ શા માટે ? ક્યો સાચો ? નાણાંકીય વર્ષ 2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20, 2020-21ના ઓડિટેડ હિસાબો સિન્ડીકેટ સમક્ષ મંજુર કરાવી સરકારમાં ઓડિટ માટે આજદિન સુધી મોકલવામાં આવ્યાં નથી.

ઇન્વેસ્ટમેન્ટ રજીસ્ટર નથી. તેનું રીકન્સીલેશન થયું નથી.

બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાં લાગેલી આગ સંદર્ભે કોઇ જ જવાબદાર વ્યક્તિઓ સામે રૂ.10 કરોડની વસુલાત અંગે કોઇ જ કાર્યવાહી કરી નથી.

સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત સેલ્ફ ફાયનાન્સ કોર્સમાં વિદ્યાર્થીઓ પાસેથી જુદા જુદા પ્રકારની ફી વસુલ કરવા છતાં ગ્રાન્ટ ઇન એઇડ કોર્સીસ અને સેલ્ફ ફાયનાન્સ કોર્સના વિદ્યાર્થીઓને સાથે જ બેસાડી શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપારંત ગ્રાન્ટ ઇન એઇડ શિક્ષકોને સરકારના મહેનતાણા ઉપરાંત વધારાનું મહેનતાણું સેલ્ફ ફાયનાન્સમાંથી કેમ ચુકવવામાં આવે છે ?

સરદાર પટેલ યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહત્તમ કોર્ટ કેસ થયા છે. કુલપતિના ખોટા નિર્ણયને કારણે હાઈકોર્ટ તેમજ અન્ય કોર્ટમાં બિનજરૂરી કોર્ટ કાર્યવાહીને કારણે લાખો રૂપિયાની વકીલ ફી તેમજ અન્ય ખર્ચનું ભારણ સરદાર પટેલ યુનિવર્સિટી ઉપર પડ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા 1લી, નવેમ્બર,21ના રોજ સ્પષ્ટ આદેશ આપ્યાં છતાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ દ્વારા નિવૃત્ત કર્મચારીઓની સરકારની પૂર્વ મંજુરી સિવાય નિમણૂંક કરી છે. આમ છતાં આજદિન સુધી તેઓને ફરજમુક્ત કરવામાં આવ્યાં નથી.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અધ્યાપકો, સંચાલક મંડળ, સિન્ડીકેટ સભ્ય તથા અન્ય વ્યક્તિઓ સામે હાઈકોર્ટમાં કાર્યવાહી થઇ છે. કોર્ટના ચુકાદાઓનું યુનિવર્સિટી સત્તાધિશો દ્વારા તાત્કાલિક અમલ કરવામાં આવતો નથી. કોર્ટના આદેશોનું પણ ઉલ્લંઘન ઇરાદાપૂર્વક કરવામાં આવે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.

છેલ્લા વર્ષોથી ટીચીંગ – નોન ટીચીંગ કર્મચારીઓની ભરતીમાં પણ નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું નથી.

છેલ્લા વરસોથી સેન્ટ્રલાઇઝ્ડ પધ્ધતિથી વિવિધ અભ્યાસક્રમોમાં એડમીશન આપવામાં આવે છે. તેમાં પણ અનેક પ્રકારની ગેરરીતિઓ અને અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંચાલક મંડળોને ઇરાદાપૂર્વક માનસિક ત્રાસ આપવામાં આવે છે.

સેલ્ફ ફાયનાન્સ અને ગ્રાન્ટ ઇન એઇડ અભ્યાસક્રમો માટેની પરીક્ષા ફીમાં તફાવત શા માટે રાખવામાં આવે છે ? બન્નેમાં જુદી જુદી ફી લેવામાં આવે છે. રૂ.સો કરોડ ફંડ પડ્યું છતાં કોઇ કન્ટ્રીલેશન થતું નથી.

વિવિધ અભ્યાસક્રમો માટેની યુનિવર્સિટી તેમજ સંલગ્ન કોલેજોમાં યુનિવર્સિટી દ્વારા માન્ય એડમીશનના ઇન્ટેક કરતા ઓછા વિદ્યાર્થીઓ આવતા હોય તો સેન્ટ્રલાઇઝ્ડ એડમીશનનો શું હેતુ કોઇ શકે ?

UGC-ITમાં હિસાબો મંજુર થયાં છે ઃ કુલપતિ

નાણાકીય હિસાબોમાં ગેરરીતિ હોવાના વિવિધ મુદ્દા ઉઠાવવામાં આવ્યાં છે. પરંતુ 2004થી અનેક ગેરરીતિ છે. યુજીસીની સપ્ટેમ્બરમાં જ વિઝીટ કરવામાં આવી હતી. આ સમયે હિસાબો રજુ કર્યાં બાદ વધુ 2.29 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. યુજીસીના કમ્પ્લીટેશન સર્ટીફિકેટના પત્રો પણ આવી ગયાં છે. આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા પણ હિસાબો મંજુર કરી રિફંડ આપવામાં આવ્યું છે. સરકાર માન્ય વેલ્યુઅર પાસે જ યુનિવર્સિટીની મિલકતોનું વેલ્યુએશન કરાવ્યા બાદ તેની હાલની કિંમત નક્કી કરવામાં આવી છે. નહીં કે ખરીદી સમયેની કિંમત. બાદમાં જ વીમા કંપનીની કોન્ટ્રાક્ટ આપ્યો છે.

જીએસટીની જે વાત છે, તે તદ્દન ખોટી છે. હકિકતમાં 2014 પહેલાનો સર્વિસ ટેક્સની વાત છે. એફિલેટેડ ફી પર સર્વિસ ટેક્સ લાગે છે. પરંતુ સર્વિસ ટેક્સમાં વારંવાર નિયમો બદલાતા રહે છે. આ ટેક્સ ભરવો તે અંગે અન્ય યુનિવર્સિટીના કુલપતિ સાથે ચર્ચા કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં અગાઉ સાયન્સના વિષયમાં રૂ.1500 અને તે સિવાયના વિષયના વિદ્યાર્થીને રૂ.800 ફિ લેવામાં આવતી હતી. જોકે, બાદમાં પરીક્ષા ફી સાયન્સ માટે રૂ.800 જેવી અને બાકીના વિષયમાં રૂ.380 કરવામાં આવી છે. જે પ્રથમ વખત યુનિવર્સિટીમાં ફિ ઘટાડી હોવાનો કિસ્સો છે. અગાઉ સિન્ડીકેટ સભામાં દસ ટકા વધારી દેવામાં આવતી હતી. બાંધકામના કામોમાં કોઇ ગેરરીતિ થતી નથી. સ્વીમીંગ પુલ શિયાળો હોવાથી બંધ કર્યો છે અને ત્યાં જરૂરી સમારકામ ચાલી રહ્યું છે. જોકે, આ સ્વીમીંગ પુલ ન બને તે માટે અનેક પ્રયત્ન થયાં હતાં.

હિસાબોમાં જે ગેરરીતિની વાત થાય છે, તે મારા સમય પહેલાના છે. વર્ષ 2011-12માં રૂ.46.66 લાખની રોકડનો તફાવત આવે છે. આ હિસાબો મંજુર કરતા સમયે પ્રો. મોહન પટેલ રજીસ્ટ્રાર હતાં.  અન્ય એક વર્ષમાં તો 31મી માર્ચે દર્શાવેલી બંધ સિલક, બીજા દિવસે 1લી એપ્રિલે ઉઘડતી સિલક વચ્ચે કોઇ મેળ બેસતો નહતો. બન્નેની રકમ જુદી જુદી હતી. 2004થી અનેક નાણાકીય ગેરરીતિ છે. જેમાં 22.39 કરોડનો તફાવત માત્ર મોહનભાઈ પેટલના કાર્યકાળ દરમિયાનનો જ છે. સામાન્ય રીતે લોકલ ફંડ અને એજી એમ બે ઓડિટ થતાં હોય છે. પરંતુ તે ઘણી વખત મોડા હોય છે. જોકે, સ્ટેટ્યુટરી ઓડિટ કરી રીફંડ પણ મેળવવામાં આવ્યાં છે. હિસાબોના રિપોર્ટ ઇન્કમ ટેક્સએ પણ માન્ય રાખ્યાં છે.

સીવીએમ યુનિવર્સિટી બની ગઇ છે, તેના સિન્ડીકેટ સભ્યોની એસપીમાં જરૂર નથી

સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, સીવીએમ હવે અલગ યુનિવર્સિટી બની ગઇ છે, તેના સિન્ડીકેટ સભ્યોની સરદાર પટેલ યુનિવર્સિટીમાં કોઇ જ જરૂર નથી. આ સભ્યો ભવિષ્યમાં સરદાર પટેલ યુનિવર્સિટીના નિર્ણયો પર પ્રભાવ પાડી શકે છે. જેથી નિયમોમાં ફેરફાર કરીને પણ સીવીએમના સભ્યોને બહાર કરવામાં આવશે.

Most Popular

To Top