Gujarat

હ્યુમન રાઈટ્સ ડે: માનવ અધિકાર ભંગના સૌથી વધુ કેસ દેશના આ રાજ્યમાં નોંધાય છે, જાણો ગુજરાત કયા ક્રમે છે

અમદાવાદ : દર વર્ષે 10મી ડિસેમ્બરના દિવસે વિશ્વભરમાં હ્યુમન રાઈટ્સ ડે મનાવવામાં આવે છે. આજે આ દિવસની ઉજવણી કરાય તે પહેલાં નેશનલ હ્યૂમન રાઈટ્સ કમિશન દ્વારા ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા છે. ભારત દેશમાં માનવ અધિકારોનું પાલન યોગ્ય રીતે નહીંં થતું હોવાનું આ આંકડા દર્શાવે છે. માનવ અધિકારોના મામલામાં દેશમાં સૌથી ખરાબ હાલત ઉત્તર પ્રદેશની છે. માનવ અધિકાર ઉલ્લંઘનની ફરિયાદનો રેશિયો અહીં 38 ટકા જેટલો ઊંચો છે, મતલબ કે દેશમાં સૌથી વધુ માનવઅધિકારોનું હનન ઉત્તરપ્રદેશમાં થાય છે. જોકે, ગુજરાતની સ્થિતિ પણ સારી નથી.

નેશનલ હ્યૂમન રાઇટ્સ કમિશનના આંકડાઓ મુજબ દેશમાં 7 મહિનામાં કુલ 64170 કેસ નોંધાયા છે. જો ગુજરાત (Gujarat)ની વાત કરવામાં આવે તો 1 એપ્રિલથી 31 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં માનવ અધિકાર ભંગના 1068 કેસ નોંધાયા છે. માનવ અધિકાર ભંગના મામલમાં ગુજરાત દેશમાં 13માં સ્થાન પર આવે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષની તુલનામાં ચાલુ વર્ષમાં માનવ અધિકાર ભંગના વધુ કેસ નોંધાઈ રહ્યા છે. માહિતી અનુસાર 8 ડિસેમ્બરે રાજ્યસભામાં ગૃહ મંત્રાલય તરફથી આંકડા રજુ કરવામાં આવ્યા હતાં.  પરંતુ બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ સંસદના ગૃહમાં જણાવ્યું કે NHRCના આંકડાઓ મુજબ માનવ અધિકાર ઉલ્લંઘનમાં વૃદ્ધિ નથી જોવા મળી.

નેશનલ હ્યૂમન રાઇટ્સ કમિશનના આંકડાઓ મુજબ સૌથી વધુ કેસ ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે. છેલ્લા 7 મહિનામાં 24242 કેસ એટલે કે 38% કેસ માત્ર ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. ત્યાર બાદ દેશની રાજધાની દિલ્હી અને પશ્ચિમ બંગાળનો નંબર આવે છે. બીજી તરફ એવા પણ રાજ્ય છે જ્યાં માનવ અધિકાર ભંગના ઓછા કેસ નોંધાય છે. નોર્થ ઈસ્ટના રાજ્યમાં માનવ અધિકાર ભંગના કેસ ઓછા જોવા મળે છે. માહિતી મુજબ 31. ઓક્ટબર સુધીમાં મણિપુરમાં 32, મેઘાલયમાં 38, મિઝોરમમાં 19, નાગાલેન્ડમાં 8, અરૂણાચલમાં 27, સિક્કિમમાં 10, ત્રિપુરામાં 31 કેસ નોંધાયા છે. પરંતુ આસામ જ એવું રાજ્ય છે જ્યાં માનવ અધિકાર ભંગના 330 કેસ નોંધાયા છે.

નેશનલ હ્યૂમન રાઇટ્સ કમિશને માનવ અધિકાર ભંગના કેસોમાં ચાલુ વર્ષે 31 ઓક્ટો. સુધીમાં 215 કેસ માટે 6.59 કરોડ આર્થિક સહાયની ભલામણ કરવામાં આવી છે. આ પહેલાના 2018-19માં 713 કેસો માટે 27.68 કરોડ, 2019-20માં 488 કેસો માટે 15.07 કરોડ તથા 2020-21માં 459 કેસો માટે 14.34 કરોડની સહાય આપવાની ભલામણ કરવામાં આવી હતી. 2018થી લઈને 31 ડિસેમ્બર 2021 સુધીમાં કુલ 1875 કેસો માટે 63.67 કરોડ રૂપિયા સહાયની ભલામણ નેશનલ હ્યૂમન રાઇટ્સ કમિશને કરી છે.

Most Popular

To Top