Dakshin Gujarat Main

દાગીના અને રોકડ સાથે 8.17 લાખની મત્તાનું પર્સ સોફા પર મુકી નાચવા જવાનું વેવાણને ભારે પડ્યું

નવસારી: (Navsari) નવસારીના જુનાથાણા અવસર પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાંથી (Marriage Function) વેવાણના દાગીના, મોબાઈલ અને રોકડા (Cash) મળી ૮.૧૭ લાખની મત્તા કોઈ અજાણ્યો ચોર ચોરી (Theft) કરી નાસી ગયાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. હાલ લગ્ન પ્રસંગોમાં ચોરટાઓ એક્ટીવ થયા હોય તેમ લાગી રહ્યું છે. નવસારીના જુનાથાણાના પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં વેવણ નાચવા ગયા અને ૮.૧૭ લાખની મત્તા ભરેલું પર્સ તફડાવી ચોર ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, નવસારીના આશાબાગ કનિષ્ક એપાર્ટમેન્ટમાં રહેતા રાજુભાઈ શરદભાઈ શાહના મોટા ભાઈની દીકરી યજ્ઞી શાહના લગ્ન વડોદરા રહેતા મિકીર સુનીલભાઈ પટેલ સાથે નક્કી કર્યા હતા. ૯મી ડિસેમ્બરે તેમના લગ્ન રાખ્યા હતા. જેથી ગત ૭મીએ જુનાથાણાના અવસર પાર્ટી પ્લોટમાં સંગીત સંધ્યાનો પ્રોગ્રામ રાખ્યો હતો. જેથી વાડીમાં પરિવાર તથા વેવાઈ પક્ષ તરફના મહેમાનો અને સગાં-સબંધીઓ હાજર રહ્યા હતા. વેવાઈ સુનિલ પટેલ અને તેમની પત્ની સુપ્રીયાબેન પ્રસંગમાં પ્રથમ હરોળમાં સોફા ઉપર બેસેલા હતા. અને અન્ય મહેમાનો આજુબાજુમાં બેઠા હતા. સગાં સબંધીઓ સંગીત સંધ્યાના પ્રોગ્રામમાં નાચતા હતા. ત્યારે સુપ્રીયાબેન પાસે તેમનું પર્સ હતું. તે પર્સ મૂકી તેઓ પણ નાચવા માટે ગયા હતા. દરમિયાન કોઈ અજાણ્યા ચોરે તેમનું પર્સ ચોરી કરી લઈ ગયો હતો. પર્સમાં ૮,૦૮,૯૦૦ રૂપિયાના બે સોનાના સેટ બુટી સાથેના, એક સોનાનું મંગલસૂત્ર, ચાર સોનાની બંગડીઓ, ૫ હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા ૪ હજાર રૂપિયા મળી કુલ્લે ૮,૧૭,૯૦૦ રૂપિયાની મત્તા ચોરી કરી ચોર નાસી ગયો હતો. થોડા સમય બાદ વેવાણ સુપ્રીયાબેન ગરબા રમી પરત સોફા ઉપર બેસવા આવ્યા હતા. જ્યાં તેમને તેમનું પર્સ દેખાયું ન હતું. જેથી સુપ્રીયાબેન તે પર્સ શોધવા લાગ્યા હતા. પરંતુ પર્સ નહીં મળતા સુપ્રીયાબેને પરિવારજનો તેમજ વેવાઈ પક્ષના પરિવારજનોને જાણ કરી હતી. તેઓએ પ્રસંગ સ્થળની તમામ જગ્યાઓ ચકાસી હતી. પરંતુ તેમનું પર્સ મળ્યું ન હતું. ત્યારે પર્સ ચોરી થયું હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે રાજુભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. એમ.પી. પટેલે હાથ ધરી છે.

મહેમાનો, સગાં સબંધીઓ, વાડીના કામદારોના રૂપે તસ્કરો એક્ટીવ
હાલ નવસારી જિલ્લામાં લગ્ન પ્રસંગો વધુ છે. તો બીજી તરફ કોરોનાની પરિસ્થતિ પણ કાબુમાં છે. ત્યારે ઘણા લોકો પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગની વિધિઓ રાખતા હોય છે. જ્યાં લગ્ન પ્રસંગમાં બંને પરિવારજનોના મહેમાનો અને સગાં-સબંધીઓ હાજર રહેતા હોય છે. જેથી મહેમાનો, સગાં સબંધીઓ, વાડીના કામદારોના રૂપે ચોરટાઓ એક્ટીવ થયા છે. ચોરટાઓ લગ્ન પ્રસંગમાં કોઈ વેશ ધારણ કરી ચોરી કરવા ઘુસતા હોય છે. ચોરટાઓ લગ્નમાં આવેલા લોકોની નજર ચૂકવી દાગીના, રોકડા ભરેલું બેગ-પર્સ ચોરી કરી નાસી જતા હોય છે.

Most Popular

To Top