ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટ સીરીઝ રમવા આગામી સમયમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની ભારતની ટીમને મંજૂરી આપી છે દક્ષિણ આફ્રિકામાં હાલ ઓમાઇક્રોન નામના નવા સંક્રમિત થતા વાઇરસથી હાહાકાર મચેલો છે તેવા સમયે ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ક્રિકેટ રમવા જાય તે શું આપના કે દક્ષિણ આફ્રિકાના લોકહિતમાં છે? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ખેલાડીઓને બારેમાસ રમતા રાખવામાં માને છે .
જેથી કરી ક્રિકેટ થકી મખલબ આવક રળી શકાય અને તેથી ભારતીય ક્રિકેટરોને પૂરતો આરામ મળતો નથી અને તેથી તેઓના દેખાવ ઉપર અને શારીરિક ફિટનેસ પર પણ અસર પડે છે. ક્રિકેટની કોઈ પણ સીરીઝ રમાઈ ત્યારે બે મહિનાનો ગેપ જરૂરી છે જેથી કરી ખેલાડીઓ પોતાનાં કુટુંબીજનોને અને પોતાને માટે સમય ફાળવી શકે. હાલ કોરોનાવાયરસથી છુટકારો મેળવવા બને એટલી તકેદારી રાખવી જોઈએ, ટોળું ભેગું થાય એવું કરવું ન જોઈએ, કારણ કે કોરોના સંક્રમિત વાયરસ છે. આપણે જેટલી તકેદારી રાખીશું એટલો જ જલ્દી આ વાઇરસને નાથી શકીશું.
ક્રિકેટની રમત ચાલે ત્યારે હજારો લોકો ભેગા થતા હોય છે ત્યારે આ સંક્રમિત થતો રોગ વધુ ફેલાવાનો ભય રહે છે. સરકારે લોકહિત જોતાં કોરોનાવાયરસ વધુ ના ફેલાય તે માટે હાલ ક્રિકેટની રમત પર થોડા મહિનાઓ માટે પ્રતિબંધ લગાવવો જ જોઈએ અને હાલના સમયમાં ભારતીય ક્રિકેટરોની સલામતી ની ચિંતા હોય તો ટીમને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે મોકલવાની કોઈ જરૂર નથી.
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.