Comments

ગાંધીજીના અક્ષરદેહનું ભગીરથ સંકલન

મને જે એક સૌથી નોંધપાત્ર વ્યકિત મળી તે મદ્રાસના સાહિત્યના એક પ્રાધ્યાપક હતા જે કલેકટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધીના મુખ્ય સંપાદક બન્યા. ઇ.સ. 1896 ની તા. ત્રીજી ડિસેમ્બરે પુડુકોટાઇ ગામમાં જન્મેલા કે. સ્વામીનાથનની જન્મ શતાબ્દીએ મેં તેમને માટે ‘હિંદુ’માં એક જીવનચરિત્ર સમાન લેખ લખ્યો હતો અને ‘એન એંથોપોલોજિસ્ટ અમંગ ધ માર્કિસફેટસ એન્ડ અધર એસેઝ’ નામના મારા પુસ્તકમાં તેનું વિસ્તરણ કર્યું હતું. આજે પા સદી વીતી ગઇ એ વાતને. મારે આજે વાત કરવી છે તેમની સંપાદકીય વિદ્વત્તાની. મહાત્મા ગાંધીની હત્યા થઇ પછી કોંગ્રેસ કારોબારીએ તેમના નામે એક રાષ્ટ્રીય સ્મૃતિભંડોળ રચ્યું હતું.

ગાંધીજીને પ્રિય કોમી એકતા અને રચનાત્મક કાર્યક્રમોને વેગ આપવા ઉપરાંત આ ભંડોળનું ધ્યેય ગાંધીજીનો અક્ષરદેહ સાચવવા તેમનાં લખાણો અને ઉપદેશ જયાંથી મળે, જે ભાષામાંથી મળે ત્યાંથી સાચવી એકત્ર કરવાનો હતો. ‘ગાંધી સ્મારક નિધિ’ના નામે આ ભંડોળની રચના 1949 માં થઇ હતી. સાબરમતી આશ્રમની સહાયથી તેણે જુદા જુદા સ્થળેથી અને આશ્ચર્યજનક રીતે વૈવિધ્ય ધરાવતા વિષયો પરનું મોહનદાસ કરમચંદ ગાંધીના હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના છૂટાછવાયાં લખાણો એકત્ર કરવા માંડયા. ગાંધીએ ત્રણ પુસ્તકો, અનેક પત્રિકાઓ, ડઝનબંધી અરજીઓ, સેંકડો અખબારી લેખો અને હજારો પત્રો લખ્યા હતા. તેમણે ઘણી મુલાકાતો આપી હતી અને એટલા જ કે તેથી વધુ પ્રવચન કર્યાં હતાં. તેઓ સોમવારે મૌન પાળતા અને તે દિવસોએ લખીને સંદેશાવ્યવહાર કરતા તે પણ વિશિષ્ટ હતો.

1956 સુધીમાં નિધિને લાગ્યું કે પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી શકાય તે માટે પૂરતી સામગ્રી છે. તેને માટે સલાહકાર સમિતિની નિમણૂક થઇ. તેના અધ્યક્ષપદે સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમના નિધન પછી મોરારજી દેસાઇને મૂકવામાં આવ્યા. અન્ય સભ્યોમાં ગાંધીજીના લખાણના કોપીરાઇટ ધરાવતા નવજીવન પ્રેસ ગાંધીજીના નિકટના સામાજિક કાર્યકરો તેમ જ મહાત્માના સૌથી મોટા પુત્ર અને ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ અખબારના તંત્રી દેવદાસ ગાંધી. મહાત્માના જીવન વિશેની દસ્તાવેજી ફિલ્મના સર્જનમાં દેવદાસનો મોટો ફાળો હતો. હવે તેમના અક્ષરદેહના જનન ક્ષેત્રે પણ મોટો ફાળો અપાવવાના હતા.

ગાંધીજીના લખાણના સંગ્રહના સંપાદક તરીકે સૌથી પહેલી નિમણૂક તત્ત્વજ્ઞાન અને ધર્મ ક્ષેત્રે નિષ્ણાત એવા ભારતન કુમારખાની વરણી થઇ હતી. એડિન બર્ગ અને લંડનમાંથી ડોકટરેટની પદવી લીધા પછી તેઓ ગ્રામ પુનર્નિર્માણના ગાંધીચીંધ્યા કામમાં મશગુલ થઇ ગયા હતા. મહાત્માની હત્યા પછી તેમનાં ઘણાં લખાણોનું સંપાદન તેમણે કર્યું હતું. ગાંધીજીના અક્ષરદેહના પહેલા ગ્રંથનું લખાણ છાપવા માટે પ્રેસને મોકલ્યા પછી ટૂંકા ગાળામાં 1957 માં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.

તેમના સ્થાને જયરામદાસ દોલતરામ આવ્યા પણ તેમનું ચિત્ત આ કામમાં ચોંટતું ન હતું. બે વર્ષ પછી રાજીનામું આપી તેઓ રાજયસભામાં ગયા. દોલતરામના સ્થાને કે. સ્વામીનાથન આવ્યા, જેમના નામની ખાસ ભલામણ વિનોબા ભાવેએ કરી હતી. વિનોબા ભાવેનાં ગીતા પ્રવચનોનો અંગ્રેજીમાં અનુવાદ કે.સ્વામીનાથને જ બહાર પડાવ્યો હતો. 63 વર્ષની ઉંમરે દિલ્હી આવી પહોંચેલા કે. સ્વામીનાથન સાહિત્યના પ્રાધ્યાપક તરીકેનો લાંબો ઉજ્જવળ ઇતિહાસ ધરાવતા હતા. તેઓ પહેલા સંપાદક ભારતન કુમારખા સાથે ઘણો મેળ ધરાવતા હતા.

બંનેને તામિળ મૂળ ધરાવવા બદલ ગર્વ હતો. બંને તામિળ અને અંગ્રેજીમાં પારંગત હતા. બંને ધાર્મિક રીતે ચિંતક હતા. ભારતન ખ્રિસ્તી હતા. જેમણે રામાનુજાચાર્ય વિશે પુસ્તક લખ્યું હતું જયારે કે. સ્વામીનાથન એક હિંદુ હતા, પણ બાઇબલ વાંચવાનું તેમને ગમતું હતું. આ ઉપરાંત કે. સ્વામીનાથન પાસે વધુ એક લાયકાત હતી. બધાને સાથે રાખીને ચાલવાની તેમણે મદ્રાસની પ્રેસિડન્સી કોલેજમાં અંગ્રેજી વિભાગના વડા તરીકે અને ગવર્નમેન્ટ આર્ટસ કોલેજના આચાર્ય તરીકે સેવા આપી હતી. નિવૃત્તિ પછી તેમણે ‘સન્ડે સ્ટાન્ડર્ડ’ અખબારનું સંપાદન કર્યું હતું. તેમણે સૌ પ્રથમ નિમણૂક ગુજરાતી ભાષી અને અંગ્રેજીના પ્રાધ્યાપક એન.સી. પટેલની કરી હતી. અમદાવાદના રહીશ એન.સી. પટેલે ગાંધીજીનાં ગુજરાતી લખાણનો અંગ્રેજી અનુવાદ આપવાની મહત્ત્વની કામગીરી કરી હતી. એન.સી. પટેલ આ પ્રોજેકટમાં નાયબ મુખ્ય સંપાદક હતા.

કે. સ્વામીનાથનના અન્ય સાથીઓમાં ગાંધીજીનાં શિષ્યા મીરાંબેન સાથે હિમાલયમાં કામ કરી ગાંધીવાદમાં વટલાઇ જનારા જે.પી. ઉનિયાલ, હિંદીભાષી ભવાનીપ્રસાદ મિશ્રા વગેરે પણ હતા. 1964 સુધીમાં નવ ગ્રંથો બહાર પડયા હતા અને અમેરિકન ઇતિહાસકાર પ્રો. જોઆને બોન્ડુરાંટે લખ્યું હતું કે આ પ્રોજેકટમાં ઉપયોગમાં લેવાની સામગ્રી, તેમની અધિકૃતતા, તેમના ઉદ્‌ગમ પત્રોમાં ઉલ્લેખ કરાયેલા ઓછા જાણીતા લોકોની પણ ઓળખ વગેરેની ચોક્સાઇનાં ધોરણો ખૂબ ઊંચાં છે. 1975-1977 ની કટોકટી સિવાય આ ધોરણો અત્યંત ચુસ્તતાપૂર્વક પળાયા હતા. કટોકટી પૂરી થઇ ત્યાં સુધીમાં પચાસથી વધુ ગ્રંથો બહાર પડી ગયા હતા. ઇંદિરા ગાંધીના ચમચાઓને કે. સ્વામીનાથન ખૂંચતા હતા.

સલાહકાર સમિતિના અધ્યક્ષ મોરારજી દેસાઇ તો જેલમાં હતા જ પણ પછી કોઇને શાણપણ લાધ્યું તે કે. સ્વામીનાથન ટકી રહ્યા. 1985 માં ગાંધીજીના લખાણનો અસલ નેવું ગ્રંથોનો સેટ તૈયાર થઇ ગયો હતો અને સાત પૂરક ગ્રંથો આવવાના બાકી હતા. આ સમયે ગુજરાતી લેખક હસમુખ શાહે લખ્યું હતું કે કે. સ્વામીનાથને ભગીરથ કાર્ય પાર પાડયું હતું. તેમને પણ ઘણી મર્યાદાઓ નડી હશે પણ તેમણે કોઇની સામે ઊંચે સાદે વાત નથી કરી. તેમનું કાર્ય ઋષિકાર્ય હતું.

તેનાં છ વર્ષ પછી હસમુખ શાહ મોરારજી દેસાઇના અંગત સચિવ તરીકે જોડાયા. શાહ આ પ્રોજેકટમાંથી છૂટા થયા કે તરત જ લલિતા ઝકરિયાની આ પ્રોજેકટ માટે નિમણૂક થઇ. તેમણે અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતકની પદવી લીધી હતી. ‘ચીફ’ (કે. સ્વામીનાથન) એક ખૂણામાં બેસી લખાણના અલ્પવિરામ ચિહ્ન સહિતની કાળજી લઇ વાકયોની સજાવટ કરનાર કેવી વિરાટ વ્યકિત હતા તેનું લલિતાએ વર્ણન કરતાં લખ્યું છે કે કે. સ્વામીનાથન બોલતાં તો જાણે ગાંધીજીનો આત્મા બોલતો હોય તેવું લાગતું હતું.

એક દાયકા પહેલાં મેં ગાંધીજીના આ ગ્રંથો એક પછી એક વાંચ્યા, પાછા વાંચ્યા. મને પહેલાં ગાંધીજીના શબ્દોમાં વાંચવા જેવું પણ ઘણું લાગ્યું અને ચીડાયો પણ ખરો, પણ બીજી વારના વાંચનમાં કે. સ્વામીનાથન અને તેમના સાથીઓની જહેમતનો મર્મ પામી શકયો. ઊંડી સૂઝપૂર્ણ પ્રસ્તાવનાઓ પરિશિષ્ટો, સમય આલેખન અને છેલ્લે અનુસૂચિ તેમજ ખાસ નોંધ. બધાને કારણે આદર અને પ્રશંસા આપવાની ફરજ પડે તેમ છે. આ સંગ્રહના આધારે અત્યાર સુધીમાં હજારો પુસ્તકો અને ગ્રંથો લખાયાં છે પણ આ સંગ્રહ માટેનો વિદ્વાનોની આગામી પેઢીઓ પણ કે. સ્વામીનાથનની ઋણી રહેશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top