Editorial

ગુજરાત કોંગ્રેસના નવા સુકાની નક્કી થઈ ગયા પરંતુ સંગઠન હજુ પણ નબળું

આખરે ગુજરાત કોંગ્રેસને તેના નવા સુકાની મળ્યા ખરા. ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરેખર દયનીય છે. એક સમયે જે ગુજરાતમાંથી કોંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ સહિતના ધરખમ નેતાઓ મળ્યા હતા તે ગુજરાતમાં હવે કોંગ્રેસને પક્ષનું સુકાન સંભાળે તેવા નેતાઓ જ મળી રહ્યા નહોતા. છેલ્લા અઢી દાયકા કરતાં પણ વધારે સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાંથી બહાર છે. સત્તા મેળવવા માટે કોંગ્રેસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ ભાજપના સંગઠનની મજબુતાઈ સામે કોંગ્રેસ આંતરિક જુથબંધીને કારણે ફાવી શકી નથી.

એવું નથી કે કોંગ્રેસ જીતી શકે તેમ નથી. સમસ્યા એ છે કે કોંગ્રેસના જ નેતાઓ એકબીજાને હરાવવા માટે પ્રયાસો કરે છે અને તેને કારણે કોંગ્રેસ જીતતી નથી. કોંગ્રેસ હાઈકમાન્ડ જે દિવસે આ વાત સમજી જશે તે દિવસે ગુજરાતમાં કોંગ્રેસની સત્તા હશે તેમાં બેમત નથી. એક સમય એવો હતો કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસે ખામ થિયરીનો ઉપયોગ કરીને સત્તા પર મજબુત કબજો કર્યો હતો. કોંગ્રેસની ખામ થિયરી પર ભાજપની કોમવાદની થિયરી ચડી ગઈ અને ભાજપે અઢી દાયકાથી સત્તાને અજગરી ભરડો લઈ લીધો. મુખ્યમંત્રી તરીકે આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ ભાજપની કોમવાદની થિયરી પર રાષ્ટ્રવાદનું મહોરું ચડાવી દીધું અને તેમાં કોંગ્રેસના નેતાઓ એવા અટવાઈ ગયા કે હજુ સુધી તેમાંથી બહાર નીકળી શક્યા નથી.

ગુજરાતમાં કોંગ્રેસે પક્ષનું સુકાન માજી સાંસદ અને ધારાસભ્ય જગદીશ ઠાકોરને સોંપ્યું છે. જ્યારે વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી કરી છે. કોંગ્રેસે આ પસંદગી દ્વારા ફરી ખામ થિયરી તરફ જવાના સંકેત આપ્યા છે. ભાજપ જ્યારે મુખ્યમંત્રી તરીકે પાટીદારને બેસાડીને પાટીદારના શરણે ગયું છે ત્યારે કોંગ્રેસે ગુજરાતના અન્ય સમાજોને પોતાની તરફે કરવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.

કોંગ્રેસ પ્રમુખ તરીકે પસંદ થયેલા જગદીશ ઠાકોરની ઈમેજ એક લડાયક ઓબીસી નેતા તરીકેની છે. દાયકાઓથી ઓબીસી એ કોંગ્રેસની વોટબેંક રહી હતી પરંતુ ભાજપે આ વોટબેંકમાં ગાબડા પાડી દીધા હતા. કોંગ્રેસે જગદીશ ઠાકોરની પસંદગી દ્વારા ઓબીસીની વોટબેંક ફરી મજબુત કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. જગદીશ ઠાકોર 2002થી 07 અને 09 સુધી દહેગામના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ઠાકોર સમાજ પર ભારે વર્ચસ્વ ધરાવતા જગદીશ ઠાકોર 2009થી 20014 સુધી પાટણ લોકસભા બેઠકના સાંસદ તરીકે પણ ચુંટાયા હોવાથી તેમને કોંગ્રેસના મોટા ગજાના નેતા માનવામાં આવે છે.

આજ રીતે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ થયેલા સુખરામ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે. સુખરામ રાઠવા આઠ વખત ધારાસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમાંથી પાંચ વખત વિજેતા થયા છે. કોંગ્રેસનો એવા દાવ છે કે આગામી દિવસોમાં કાર્યકારી પ્રમુખ તરીકે પાટીદાર સમાજ અને દલિત સમાજના આગેવાનોની પસંદગી કરવી કે જેથી આ બે સમાજને પણ પક્ષની સાથે જોડી શકાય અને ચૂંટણીમાં તેનો લાભ લઈ શકાય. કોંગ્રેસે જીજ્ઞેશ મેવાણીને પોતાની સાથે લઈ લીધા છે.

જગદીશ ઠાકોર દ્વારા ઉત્તર ગુજરાત, સુખરામ રાઠવા દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતનો આદિવાસી સમાજ અને પાટીદાર નેતાની પસંદગી દ્વારા સૌરાષ્ટ્ર જીતવાની ગણતરી કોંગ્રેસ દ્વારા રાખવામાં આવી રહી છે. કોંગ્રેસની હાલમાં એવી હાલત છે કે પોતાને મોટા નેતાઓ ગણાવતા આગેવાનો પોતે વિધાસનભાની ચૂંટણી જીતી શકે કે જીતાડી શકે તેમ નથી. બીજી તરફ જે નેતાઓ ચૂંટણી જીતી શકે તેવા નેતાઓને આ આગેવાનો આગળ આવવા દેતા નથી. આ સંજોગોમાં કોંગ્રેસ હાઈકમાન્ડે હવે સમજી વિચારીને કામ લેવું પડે તેમ છે.

કોંગ્રેસે નેતાઓની પસંદગી તો કરી લીધી પરંતુ જે મોટી સમસ્યા પક્ષમાં છે તેનો ઉકેલ લાવવો જરૂરી છે. કોંગ્રેસનું સંગઠન ભારે નબળું છે. જેને કારણે મતદાન સમયે કોંગ્રેસ પોતાના તરફી મતદારોનું મતદાન કરાવી શકતું નથી. કોંગ્રેસ હાઈકમાન્ડે જો ગુજરાત જીતવું હોય તો સંગઠનને મજબુત કરવાની જરૂરીયાત છે. પક્ષના સંગઠનમાંથી નિવેદનીયા નેતાઓને તાકીદના ધોરણે દૂર કરવા જોઈએ. આ નેતાઓ છાશવારે નિવેદનો આપીને પક્ષને નુકસાન કરી રહ્યાં છે. આ નેતાઓ ચૂંટણી જીતી શકે તેમ નથી. આ સંજોગોમાં નવા નેતાઓને ચાન્સ આપીને જ કોંગ્રેસ હાઈકમાન્ડ રાજ્યમાં ચૂંટણી જીતી શકે તેમ છે. અન્યથા આગામી ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ગજ નહીં વાગે તે નક્કી છે.

Most Popular

To Top