હમણાં જ થોડા દિવસ પર સમાચાર વાંચવામાં આવ્યા કે અદાણી ગ્રુપ, અંબાણી પરિવાર કરતાં સંપત્તિમાં આગળ વધી ગયું. હાલ થોડા થોડા દિવસે અદાણી અને અંબાણી ગ્રુપની સંપત્તિ બાબતે સમાચારો આવ્યા કરે છે એ જોતાં એવું લાગે છે કે ગુજરાતનાં આ બે પરિવારોની સંપત્તિમાં સતત વધારો થઇ રહ્યો છે અને આ બંને પરિવારોમાં એકબીજાથી આગળ રહેવાની હોડ લાગી હોય એવું લાગી રહ્યું છે. એ આનંદની વાત છે કે આ બે ગુજરાતીઓ એશિયામાં આ હરીફાઇમાં ડંકો વગાડી રહ્યા છે પરંતુ એની સામે ગુજરાત અને દેશના અન્ય વર્ગોની આવકમાં વધારો કે ઘટાડો થયો કે કેમ અને ગરીબીમાં અને ગરીબી રેખા નીચે જીવન ગુજારતાં પરિવારોની સંખ્યાની શું પરિસ્થિતિ છે એ જોવું પણ એટલું જ અગત્યનું છે.
કારણ કે આ વર્ગો આપણા દેશની કુલ વસ્તીનો સૌથી મોટો હિસ્સો છે. હમણાં થોડા સમય પર આઇરીશ એઇડ એજન્સી અને જર્મનીની વેલ્ટ હન્ગર હીલ્ફ (Irish aid agency & Welt Hunger Hilfe) સંસ્થાએ ગ્લોબલ હન્ગર ઇન્ડેક્ષ જે કુપોષણ અને એને કારણે ઓછા વજનનાં બાળકોની સંખ્યા વિગેરેના આધારે દુનિયામાં ભૂખમરો અને કુપોષણ અંગેનો અભ્યાસ કરી રીપોર્ટ બહાર પાડયો છે એના સને ૨૦૨૦ ના રીપોર્ટ પ્રમાણે ભારત દુનિયાના ૧૦૭ દેશોમાં ૯૪ મા સ્થાને હતો એની સામે ૨૦૨૧ માં ૧૧૬ દેશોમાં ૧૦૧ મા સ્થાને આવી ગયો. આ રિપોર્ટ બતાવે છે કે આપણા દેશના ધનિકોની સરખામણીએ ગરીબોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે જેનો અર્થ એવો પણ ઘટાવી શકાય કે દેશની કુલ વસ્તીમાં ધનિકોની વ્યાખ્યામાં સમાતાં લોકોની સંખ્યાના પ્રમાણમાં ગરીબોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
જે હકીકત એ પણ દર્શાવે છે કે દેશમાં થતા વિકાસનો લાભ દેશની કુલ વસ્તીના મોટા ભાગને નથી મળી રહ્યો જે આપણા દેશના સર્વાંગી વિકાસમાં બાઘા બની શકે છે. આ જ રીપોર્ટ મુજબ વિકાસને પ્રાધાન્ય આપતો આપણો દેશ આપણા પાડોશી દેશો પાકિસ્તાન, બાંગલાદેશ અને નેપાળ કરતાં પણ પાછળ છે અને ચીન, બ્રાઝીલ, કુવેત સહિત અઢાર દેશો તો આ લીસ્ટમાં ટોચ પર છે. સબકા સાથ, સબકા વિકાસના સૂત્રને ચરિતાર્થ કરવા ભારતને જરૂર છે સર્વાંગી વિકાસની, જેનો લાભ દેશના દરેક વર્ગના લોકોને મળી રહે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે