વલસાડ-વાપી, નવસારી: (Valsad, Navsari) વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ બુધવારે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક (Cold) વ્યાપી ગઈ હતી. જોકે, ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. આંબા પર ફૂટી રહેલી મંજરી અને લીલા શાકભાજીને પણ નુકશાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. બીજી તરફ વરસાદ અને ઠંડીને લઈ લોકોએ ઠંડીથી બચવા સ્વેટર પહેરવુ કે વરસાદથી બચવા રેઇનકોટ પહેરવો તેવી મુંઝવણ ઉભી થઇ હતી. વરસાદી માહોલ વચ્ચે ઠંડીનો પણ અહેસાસ થતાં સમગ્ર વલસાડ જિલ્લો હિલ સ્ટેશનમાં (Hill Station) ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટબનર્સના કારણે વલસાડ જિલ્લામાં મંગળવારની રાત્રીથી જ વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું. જેના પગલે લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે વહેલી સવારથી જ વાતાવરણમાં થયેલા ફેરફારના પગલે ઝરમર વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. થોડા દિવસ અગાઉ પણ ડાંગરનો પાક ખલીમાં હોઈ વરસાદમાં પલળી ગયો હતો. તો કેટલાક સ્થળોએ લગ્ન સમારોહ ચાલી રહ્યા હોય મુશ્કેલી પડી હતી. હાલે પણ બદલાયેલા વાતાવરણને લઈ બાગાયતી પાકો, શાકભાજી અને વિશેષ કરી કેરીની ફૂટી રહેલી મંજરીઓને પણ નુકશાનની આશંકા વાડી માલિકો વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં મહત્તમ વિસ્તારોમાં વેલાવાળા શાકભાજી જેવા કે, દૂધી, કારેલા, ટીડોળા, ગલકા, તુંરિયાનો ભરપૂર પાક થાય છે. જોકે અગાઉના માવઠાને લઈ શાકભાજીના પાકને નુકશાન પહોંચ્યું હતું. જેને જંતુનાશક દવાઓ વડે હજુ તો કંટ્રોલ કરી રહ્યા હતા, ત્યાં હાલે ફરી વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદના પગલે ઠંડીને લઈ વેલાવાળા અને અન્ય શાકભાજીના પાકને પણ વ્યાપક નુકશાનની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
- વલસાડ તાપમાન
- લઘુત્તમ તાપમાન- 15.5 ડિગ્રી
- મહત્તમ તાપમાન- 34.5 ડિગ્રી
- વાતાવરણમાં ભેજનું પ્રમાણ- 74 % ટકા
- વલસાડ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
- ઉમરગામ 8 મીમી
- કપરાડા 8 મીમી
- ધરમપુર 9 મીમી
- પારડી 6 મીમી
- વલસાડ 6 મીમી
- વાપી 11 મીમી
ઉમરગામ તાલુકામાં ધીમી ધારના વરસાદથી વાતાવરણ ઠંડુગાર થઇ ગયું
ઉમરગામ : ઉમરગામ તાલુકામાં માવઠાની અસર જોવા મળી હતી. સવારથી મોડી સાંજ સુધી ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું હતું અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બુધવારે સવારથી તે મોડી સાંજ સુધી ઉમરગામ તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદ પડવાથી નોકરી ધંધાર્થે નીકળેલા લોકોએ પણ હાલાકી વેઠવી પડી હતી. શિયાળાની ઋતુમાં વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. શાકભાજીમાં ખાસ કરીને મરચા, ટામેટા, રીંગણ, ભીંડા તથા શાકભાજી કરતા ખેડૂતો ખુબ જ ચિંતિત જોવા મળ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ શિયાળાની સિઝનમાં વરસાદના માવઠાથી શાકભાજીમાં જીવાત પડવાની અને ફંગસ લાગવાની શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે.
અતિભારે વરસાદની આગાહીને લઇ દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કરાયા
પારડી : પારડી પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માવઠાના કારણે કેરીના પાક તથા શાકભાજીને નુકસાનની ભીતિ સતાવી રહી છે. કમોસમી વરસાદ ખેડૂતોની આશા પર પાણી ફેરવી શકે એમ છે. તો બીજી તરફ ખેડૂતોના ડાંગરનો પાક ખેતરમાં છે જે પલળી ગયો છે. વરસાદી માહોલ અને વાદળછાયું વાતાવરણ આવનાર ચાર પાંચ દિવસ સુધી રહેશે તો મોટી માત્રામાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવશે. વરસાદી માહોલ સાથે હાઈવે તેમજ અન્ય માર્ગો પર પાણી ફળી વળ્યાં હતા. અતિભારે વરસાદની આગાહીને લઇ દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. આજે સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ, નોકરી-કામાર્થે જતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા. લોકોએ હવે ઠંડીમાં સ્વેટર પહેરવું કે પછી કમોસમી વરસાદમાં રેઇનકોટ પહેરવો તેવી સ્થિતિ ઉભી થતાં લોકો મૂંઝવણમાં મુકાયા છે.
નવસારી જિલ્લો કાશ્મીરની જેમ ઠંડોગાર બની ગયો
નવસારી : નવસારીમાં ગત સાંજથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. જેથી નવસારી ઠંડુગાર બની ગયું હતું. તો બીજી તરફ લોકો સ્વેટરની જગ્યાએ રેઇનકોટ પહેરી બહાર નીકળ્યા હતા. પરંતુ આજે લઘુત્તમ તાપમાન 18.9 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે મહત્તમ તાપમાન 10.5 ડિગ્રી ગગડ્યું હતું. સાથે જ દિવસ દરમિયાન ફુંકાયેલા પવનોએ ધ્રુજાવ્યાં હતા. નવસારીમાં ગત શનિવારે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાતા નવસારી ઠંડુગાર બન્યું હતું. નવસારી જિલ્લો જાણે કાશ્મીર બની ગયું હોય તેમ ઠંડુગાર બની ગયું હતું. મંગળવારે સવારથી વાદળો ઘેરાતા જિલ્લો અંધકારમય બન્યો હતો. સવારે 10 વાગ્યાથી વરસાદ પડવાનું શરૂ થતા નવસારી બરફ જેવું ઠંડુ બન્યું હતું. મંગળવારે લઘુત્તમ તાપમાન નહીવત ઘટાડા સાથે 18.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 10.5 ડિગ્રી ઘટીને 22.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા હતું. જે બપોરબાદ વધીને 91 ટકા જેટલું ઉંચુ રહ્યું હતું. આજે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 6.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
કમોસમી વરસાદ ચાલુ રહેતા અનેક લગ્ન સમારોહમાં બાધા સર્જાઇ
ચીખલી પંથકમાં ઘનઘોર વાતાવરણ વચ્ચે વિઝિબિલિટિનો અભાવ સર્જાતા વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવી પડી
ઘેજ: ચીખલી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું હતું. દિવસભર ઝરમર – ઝરમર વરસાદ ચાલુ જ રહેતા અનેક લગ્ન સમારોહમાં બાધા સર્જાઇ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે બુધવારના રોજ સવારથી જ વાદળો ઘેરાયા હતા અને વરસાદનું આગમન થયુ હતું અને થોડા સમય માટે વરસાદનું જોર વધતા માર્ગો પરથી પણ પાણી વહેતા થઇ ગયા હતા. બાદમાં ઘનઘોર વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ ચાલુ જ રહેતા વાતાવરણમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. કમોસમી વરસાદને પગલે કેટલાક ખેતીપાકોને નુકશાન થયું હતું. કમોસમી વરસાદને પગલે લગ્નના આયોજકોની મુશ્કેલી વધી છે. સમગ્ર વિસ્તારમાં અનેક લગ્ન સમારોહ હોય અને વરસાદથી કાદવ-કીચડ થતા લોકોએ હાલાકી વેઠવાની નોબત આવી હતી. આ ઉપરાંત વિકાસના કામો પર પણ અસર થઇ હતી. ચીખલી તાલુકાના કેટલાય ગામોમાં શેરડી કાપવા સહિતના કામ માટે પડાવ નાંખી રહેતા અનેક શ્રમજીવી પરિવારો કફોડી સ્થિતિમાં મૂકાયા હતા. ઘનઘોર વાતાવરણ વચ્ચે સતત વરસાદને પગલે વિઝિબિલિટિનો પણ અભાવ સર્જાતા વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવી હતી. ઉપરાંત મોડી સાંજે વરસાદનું જોર વધતા લોકોની મુશ્કેલી વધી હતી.