Gujarat

રાજ્ય સરકાર બેદરકાર : પોરબંદરમાં આ વર્ષે મેડિકલ કોલેજ શરૂ થઈ શકી નહીં : કોંગ્રેસ

રાજ્ય સરકાર અને ચુંટાયેલા પ્રતિનિધિની બેદરકારીના કારણે કેન્દ્ર સરકારે પોરબંદરમાં મંજુર કરેલી મેડિકલ કોલેજ થોડા સમય માટે ગુમાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. રાજ્ય સરકાર કે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ દોઢ વર્ષ સુધી ઊંઘતાં રહેતા પોરબંદરમાં મેડિકલ કોલેજ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી, તેવું પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.

પોરબંદરમાં મેડિકલ કોલેજને હાલમાં મંજુરી નહીં મળવા અંગે પ્રતિક્રિયા આપતા અર્જુન મોઢવાડીયા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પોરબંદરમાં મેડિકલ કોલેજ મંજૂર કરી હતી, પરંતુ રાજ્ય સરકારના સત્તાવાળાઓએ મેડિકલ કોલેજ માટે ડીન, ફેકલ્ટીની નિમણૂંક, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ જ વ્યવસ્થા ઉભી કરી નહીં, પરિણામે નેશનલ મેડિકલ કાઉન્સિલની ટીમના ઇન્સપેક્શનમાં પોરબંદર મેડિકલ કોલેજ શરૂ કરવાના માપદંડોમાં ખરૂ ઉતર્યુ નહીં અને મેડિકલ કોલેજમાં પ્રથમ બેંચ આ વર્ષથી શરૂ થવાનો હતો તે ના મંજુર ન થઈ ગયો છે.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે વર્ષ 2019માં જ્યારે પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ કરવાની કેન્દ્ર સરકારે મંજુરી આપી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવમાં આવી હતી કે પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે રૂ.325 કરોડ ખર્ચ થશે. જેમાં કેન્દ્ર સરકાર 60 ટકા લેખે રૂ.195 કરોડ તથા રાજ્ય સરકાર 40 ટકા લેખે રૂ.135 કરોડ આપશે. જેમાં તમામ જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરી મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ આ કોલેજમાં પ્રથમ વર્ષે 100 બેઠકો પર પ્રવેશ અપાશે. પરંતુ આ માત્ર ઠાલી જાહેરાત સાબિત થઈ છે.

સરકાર તાત્કાલિક સુવિધા ઊભી કરી મેડિકલ કોલેજ શરૂ કરાવે : મોઢવાડિયા
મોઢવાડિયાએ રાજ્ય સરકાર અને ચુંટાયેલા ધારાસભ્ય, સાંસદ સભ્યને વિનંતી કરી છે કે તેઓ તાકીદના ધોરણે પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાની વ્યવસ્થા કરે અને કેન્દ્ર સરકારને વિનંતી કરે કે પોરબંદરમાં નેશનલ મેડિકલ કાઉન્સિલની ટીમ પુનઃ ઈન્સપેક્શન કરે, તેમજ પોરબંદરમાં મેડિકલ કોલેજનું પ્રથમ વર્ષ બગડે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવે, સાથે જ મેડિકલ કોલેજ માટે જે જમીન ફળવાઈ છે તેમાં કાયમી ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરવા માટે તાકીદે ટેન્ડર બહાર પાડવામાં આવે. જેથી આગામી એકાદ વર્ષમાં બાંધકામ પુર્ણ કરી શકાય.

Most Popular

To Top