National

‘બેથી ત્રણ અઠવાડિયા સુરત માટે જોખમી’, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કેમ આવું કહ્યું, શું કરી શહેરીજનોને અપીલ, જાણો..

સુરત : દક્ષિણ આફ્રિકામાંથી (South Africa) મળેલા કોરોનાના (Corona) નવા વેરિઅન્ટ (New Variant) ઓમિક્રોનને (Omicron) કારણે વિશ્વમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધવાનો ભય ઉભો થયો છે. તેથી કેન્દ્ર સરકારે નવી ગાઇડ લાઇન (Guide line) પણ જારી કરી દીધી છે, ત્યારે હવે સુરત મનપાએ (Surat Municipal Corporation) પણ નવા વેરિઅન્ટ સામે લડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતુ કે, નવો વેરિઅન્ટ ઘણો ખતરનાક છે. આ વાયરસમાં (Virus) 30 જેટલા મ્યુટેશન મોજુદ હોવાના પુરાવા મળ્યા છે. તેથી તેના સંક્રમણની ગતિ પણ અગાઉના વેરિઅન્ટ કરતા અનેક ગણી વધુ હોય શકે છે. તેથી થોડા દિવસ ફરીએકવાર શહેરજનો માસ્ક સહીતની કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તતાથી અમલ કરે તેવી અપીલ કમિશનરે કરી હતી.

કમિશનરે જણાવ્યું હતુ કે, આગામી બેથી ત્રણ અઠવાડિયા સુધીમાં કોરોના બાબતે સ્થિતી સ્પષ્ટ થશે, કેમકે આ વેરિઅન્ટની ઓળખ થઇ તે પહેલા જે લોકો આફ્રીકાથી દેશમાં આવી ગયા હોય તેમાંથી કોઇ કેરીઅર હશે તો આ દિવસોમાં તેના માધ્યમથી થયેલા સંક્રમણની સ્થિતી બહાર આવશે, તેથી આગામી બે ત્રણ અઠવાડીયા જોખમી છે. દરમિયાન સુરત મનપા દ્વારા હાલમાં રોજના ત્રણ હજાર આરટીપીસીઆર અને સાત હજાર જેટલા રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં હોવાનું પણ મનપા કમિશનર દ્વારા જણાવાયું હતું.

સુરત જિલ્લામાં યુકે અને પનામાથી આવેલી ચાર વ્યક્તિના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા

આફ્રિકાથી મળેલા કોરોનાના નવા વેરિએન્ટને કારણે ફરી એકવાર ફોરેન હિસ્ટ્રી ધરાવતા મુસાફરો પર તવાઇ આવી છે. ત્યારે સુરત જિલ્લાના સચિનના ઇકલેરામાં એક વ્યક્તિ યુકેથી, તો કામરેજના ખાનપુરમાં ત્રણ વ્યક્તિ પનામાથી આવ્યા હોવાનું બહાર આવતાં આ ચારેયના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે. તેમજ જો આમાંથી કોઇ કોરોના પોઝિટિવ આવશે તો તેના જીનોમ સિક્વન્સની તપાસ માટે નમૂના મોકલવા આરોગ્ય તંત્ર સજજ થયું છે.

જોખમી કેટેગરીમાં મુકાયેલા દેશમાંથી આવેલા 41 સહિત 178 RTPCR ટેસ્ટ કરાયા

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને વિશ્વમાં ફરીથી ભયનો માહોલ સર્જી દીધો છે, ત્યારે કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન આવી ચૂકી હોય આ ગાઇડલાઇનમાં નવા વેરિઅન્ટ મુદ્દે યુરોપના તમામ દેશો, યુ.કે., દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ચાઇના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ, ઇઝરાયલ વગેરે જોખમી દેશોની કેટેગરીમાં મુકાવામાં આવ્યા છે. તેથી આ દેશોમાંથી સુરત આવેલા લોકોની સઘન તપાસ થઇ રહી હોય આ દેશમાંથી આવેલા 41 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે જે પૈકી 31નો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે અને બાકીના રિપોર્ટ પેન્ડિંગ છે. જયારે આ દેશો સિવાયના અન્ય દેશમાંથી આવતા મુસાફરોમાંથી પણ 5 ટકા મુસાફરોના રેન્ડમલી આરટીપીસીઆર ટેસ્ટ કરાઇ રહયા છે. આવા 426 લોકો સુરતમાં આવતા તે પૈકી 178 લોકોના ટેસ્ટ કરાયા હતા જે પૈકી 70નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જયારે અન્ય રિપોર્ટ પેન્ડિંગ છે.

સુરત એરપોર્ટ ઉપર શારજાહની ફલાઇટમાં આવતા 5 ટકા મુસાફરોનો રેન્ડમલી RTPCR ટેસ્ટ કરાશે

ઘણા લાંબા સમય સુધી કોરોના સામેની લડાઇ બાદ વિશ્વમાં કોરોનાનું જોર ધીમુ પડયું હતું ત્યાં હવે આફ્રિકામાંથી મળેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને વિશ્વમાં ફરીથી ભયનો માહોલ સર્જી દીધો છે, ત્યારે કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન આવી ચૂકી હોય સુરતમાં પણ આ નવા વેરિઅન્ટ સામે લડવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. સુરત મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતુ કે, સરકારની ગાઇડ લાઇન મુજબ નવા વેરિઅન્ટમાં યુરોપના તમામ દેશો, યુ.કે., દક્ષિણ આફ્રીકા, બ્રાજીલ, બાંગ્લાદેશ, ચાઇના, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ, ઇઝરાયલ વગેરે જોખમી દેશો છે આ દેશોમાંથી દેશમાં આવતા તમામ લોકોને આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ બતાવવો અથવા એરપોર્ટ પર ઉતરે ત્યારે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો અને સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું ફરજિયાત છે.
જો કે આ સિવાયના દેશોમાંથી આવતા લોકો માટે પણ ગાઇડ લાઇન બની હોય તેના અંતર્ગત સુરતમાં આવતી એકમાત્ર વિદેશની ફલાઇટ શારજહાથી આવતા મુસાફરોમાંથી પણ 5 ટકા મુસાફરોના રેન્ડમલી આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. જેનો અમલ શરૂ કરી દેવાયો છે.

Most Popular

To Top