ગઈકાલે સોશિયલ મીડિયા પર બનાસકાંઠાના વાવના રામકથાકાર બટુક મોરારીબાપુએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પાટીદાર સરકાર બની તે માટે 1 કરોડની ખંડણી માંગી હતી. જો ના આપે તો આગામી ત્રણ માસની અંદર અકસ્માતે મોત લાવી દેવાની ધમકી આપી હતી. આજે રાજય સરકાર તરફે પોલીસ ફરિયાદ દાખલ કરીને બનાસકાંઠા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ દ્વ્રારા આરોપી બટુક મોરારી બાપુની ધરપકડ કરી લેવાઈ છે. તેમને વધુ પૂછપરછ માટે વાવ પોલીસ મથકે લાવવામાં આવશે એટલું જ નહીં અહી તેમની સામે ગુનો પણ દાખલ કરાશે.
ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલને 1 કરોડની ધમકી આપ્યા પછી આ બટુક મોરારી બાપુનો ફોન બંધ આવતો હતો. તે પછી બનાસકાંઠા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ દ્વ્રારા તેનું પગેરૂ શોધવામાં આવ્યુ હતું. જેના પગલે બટુક મોરારી બાપુ રાજસ્થાનના રેવદર પાસેથી મળી આવ્યો હતો. તેને લઈને ગુજરાત પોલીસ બનાસકાંઠાના વાવ આવી રહી છે. વાવ ખાતે તેને પોલીસને સોંપીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાશે.
બનાસકાંઠાના વાવના રામકથાકાર બટુક મોરારીબાપુ ઉર્ફે મહેશ ભગતે સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો મેસેજ વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં બટુક મોરારી બાપુ સીએમ ભૂપેન્દ્ર પટેલને એવી ધમકી આપી રહ્યાં છે કે, આગામી 11 દિવસની અંદર એટલે કે 5મી ડિસેમ્બર સુધીમાં મને 1 કરોડ મોકલી આપજો. જો નહીં મોકલો તો ગુજરાતમાં પટેલ રાજ નહીં ચાલે, એટલું જ નહીં મુખ્યમંત્રી અકસ્માતે માર્યા જશે. ત્રણ માસની અંદર ઉપાડી લઈશ. માનનીય ભૂપેન્દ્ર પટેલ, હું બટુક મોરીરી બાપુ બોલુ છું. બનાસકાંઠાના વાવથી મહેશ ભગત. ગુજરાતમાં પટેલ સીએમ બન્યા છે એટલે મને 1 કરોડની દક્ષિણા મોકલી આપજો. આવુ કહીને પોતાનો મોબાઈલ નંબર પણ તે વીડિયોમાં બટુક મોરરી બાપુએ આપ્યો હતો.