સુરત: બારડોલી-વ્યારા નેશનલ હાઇવે (Bardoli-Vyara National Highway) નં.53 ઉપર બે ટ્રક સામસામે અથડાતાં (Truck Accident) ટ્રકોમાં આગ (Fire) લાગી ગઈ હતી. એક ટ્રકની કેબિનમાં (Cabin) દબાય જવાથી ક્લીનર (Cleaner) જીવતો ભડથું થઈ ગયો હતો. જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીથી (Morbi) માર્બલ (Marble) ભરીને ઓડિશા (Odisha) જઈ રહેલી ટ્રકના ચાલક રઝાક ખાન લખાના ખાન અલીસર (ઉં.વ.25) (રહે., બુરહાનકાતલા, સેડવા, જિ. બાડમેર, રાજસ્થાન)એ પોલીસને આપેલી જાણકારી અનુસાર તેઓ મોરબીથી માર્બલ ભરી પોતાના ક્લીનર રહિમ જલાલ સમા (ઉં.વ.25) સાથે ઓડિશા ખાતે જવા નીકળ્યા હતા. એ સમયે બારડોલી-વ્યારા નેશનલ હાઇવે પરથી પસાર થતી વખતે નવી કીકવાડ નજીક તેમની ટ્રક સામે એક મોટરસાઇકલ આવી જતાં તેને બચાવવા માટે ટ્રકચાલકે ટ્રક નજીકમાં આવેલા કટ બાજુ વાળી દીધી હતી. એ દરમિયાન વ્યારા તરફથી પૂરઝડપે ખાંડ ભરી આવતી ટ્રક માર્બલની ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને ટ્રકના કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી માર્બલની ટ્રકના ચાલક અને ખાંડની ટ્રકના ચાલક તેમજ તેમાં સવાર એક મુસાફરને બહાર કાઢ્યા હતા. જ્યારે માર્બલની ટ્રકનો ક્લીનર કેબિનમાં ફસાઈ જતાં તેને સમયસર કાઢી નહીં શકાતાં તે આગની ચપેટમાં આવી જવાથી જીવતો ભડથું થઈ ગયો હતો. આગ બુઝાવવા માટે બારડોલી ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. માર્બલવાળી ટ્રકના ચાલક રઝાક ખાન, ખાંડવાળી ટ્રકના ચાલક પ્રદીપ અને મુસાફર સાઈનાથ બાવાને ગંભીર હાલતમાં બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી પ્રદીપ અને સાઈનાથને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
હાઇવે પર ટ્રાફિક જામ થયો
બે ટ્રકમાં આગ લાગતાં જ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બંને ટ્રેક પર વાહનોની લાંબી કતાર લાગતાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. પોલીસે સ્થળ પર પહોંચી મોડી સાંજે ટ્રાફિક સુચારું કરાવ્યો હતો.