સામાન્ય રીતે ગીતનાં ગાયિકી અંગને શ્રોતા તરફથી વધારે સ્વીકારાયું છે, પછી તે ફિલ્મી ગીતોની વાત હોય કે ગેરફિલ્મી ગીતો હોય. સાથે તાલ વાદ્યો સહિત અન્ય વાદ્યો પણ એક અનિવાર્ય જરૂરિયાત હોય છે. સામે હકીકત એવી છે કે ગીતોના પ્રકાશનમાં, પછી તે રેકોર્ડ કે કેસેટ કે કોમ્પેક્ટ ડિસ્ક હોય, તેમાં ગાયક, ગીતકાર અને સંગીતકારની વિગતો હોય છે. ફિલ્મના ટાઇટલમાં સહાયકને સ્થાન મળે છે, જે ફક્ત બધા સહાયકોની લાંબી યાદીનો એક બહુ નાનો અંશ હોય છે. પણ આકાશવાણીની રાષ્ટ્રીય મનોરંજન સેવા વિવિધ ભારતી સમય સમય પર આવા વાદક કલાકારોનો સાક્ષાત્કાર રજૂ કરતી હોય છે.
તાજેતરમાં આ રેડિયો ચેનલની સુરત શાખાએ આ અખબારના એક વાચક અને ચર્ચાપત્રી શ્રી પિયુષ મહેતાની સાથે ફિલ્મ સંગીતના વાદ્ય સંગીત વિષય પર વાતચીત સાથે ફિલ્મ સંગીતનો બે ભાગમાં વહેંચાયેલો સુંદર કાર્યક્રમ તારીખ ૫ અને તારીખ ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ ‘ ગુઝરા હુઆ જમાના ‘ અંતર્ગત રજૂ કર્યો જેમાં ગીતોમાં વિશેષ ઉપયોગમાં લેવાયેલાં વાદ્યો અને તેનાં કળાકારોની શ્રોતા માટે અજ્ઞાત એવી બહુમૂલ્ય જાણકારી રજૂ થઈ. એ માટે આકાશવાણી સુરતનાં સત્તાધીશો અને તેમનાં ઉદ્દઘોષિકા શ્રી સ્વેતલ બેન પટેલ, આ પ્રકારનાં વિશેષ આયોજન માટે અભિનંદનનાં અધિકારી છે. આશા છે કે આ વિષયમાં અન્ય જાણકાર વક્તાને પણ સમય સમય પર આ મંચ પર આમંત્રિત કરાશે અને શ્રોતાઓને આવી વધુ બહુમૂલ્ય જાણકારી મેળવવાની તક પૂરી પાડશે.
સુરત – કલ્પેશ કે. ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે