National

પંજાબની મહિલાઓને કેજરીવાલનો વાયદો: સરકાર આવી તો દર મહિને 1000 રુપિયા આપશે

પંજાબ: (Panjab) આવતા વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ (Election) યોજવાની છે તેથી બધી જ રાજનીતિક પાર્ટીઓએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલે (arvind Kejriwal) આજરોજ સોમવારે પંજાબની મુલાકાત લીધી હતી અને રેલીને સંબોધી હતી. પોતાના સંબોધનમાં કેજરીવાલે મહિલાઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, મહિલાઓએ કૃષિ કાનુનોના વિરોધમાં સક્રિય ભૂમિકા ભજવી છે અને કૃષિ કાયદાઓ બાબતે મોદી સરકાર સામેની લડાઈ કુશળતાથી જીતી છે.

પંજાબના મોંગામાં એક રેલીને સંબોધતા, કેજરીવાલે રાજ્યની મહિલાઓ માટે સામાજિક સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સંભાળની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓ માટે દર મહિને 1,000 રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની જાહેરાત દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે  “વિશ્વની કોઈપણ સરકાર દ્વારા મહિલાઓને આપવામાં આવનારી આ પ્રકારની પ્રથમ નાણાકીય મદદ બનશે. જેથી સમાજમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં ઘણો વધારો થશે.”

આ ઉપરાંત કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં સત્તા પર આવશે, તો રાજ્યમાં તમામ પ્રકારના માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેને ખતમ કરીને પંજાબમાં રાજકીય, સામાજિક અને ન્યાયિક શાંતિ સ્થાપવાનો અગાઉ ક્યારેય ન થયેલો પ્રયત્ન કરવામાં આવશે. પોતાની રેલીમાં ચૂંટણીના વચનો આપવા ઉપરાંત, કેજરીવાલે પંજાબના વર્તમાન  મુખ્ય પ્રધાન ચરણજીત ચન્ની પર તીક્ષ્ણ વાક પ્રહારો કર્યા હતા. તેમણે ચરણજીત ચન્ની પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, “ચન્ની AAPની નીતિઓ અને કાર્યક્રમોની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આથી ચન્ની નકલી કેજરીવાલ છે. તેથી તેનાથી સાવધ રહો. તેના શબ્દો પર ન જાઓ. હું લોકોને આપેલા મારા તમામ વચનો નિભાવું છું.”

આ ઉપરાંત કેજરીવાલે પંજાબ સરકાર પર એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારે વાયદા મુજબ રાજ્યમાં વીજ બિલમાં ઘટાડો કર્યો નથી અને લોકોને હજુ પણ મોટી રકમના વીજળી બીલ મળી રહ્યા છે. આ મફત વીજળી બાબતે કેજરીવાલે પોતાની પાર્ટીના વખાણ કરતાં કહ્યું હતું કે, AAP દેશની એકમાત્ર એવી પાર્ટી છે કે જે લોકોના વીજ બિલને શૂન્ય પર લાવી શકે છે.

Most Popular

To Top