સુરત: રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે 20 નવેમ્બરના રોજ તમામ આરટીઓને (RTO) એક જાહેરનામું મોકલાવી લાઇસન્સ (Licence) સહિતની 20 જેટલી સેવાઓ (Services) ફેસલેસ (Faceless) જાહેર કરી છે. એટલે કે વાહનની માલિકી ટ્રાન્સફરથી (Vehicle Transfer) લઇ લાઇસન્સ રિન્યુઅલ સુધીની 20 પ્રક્રિયા ઓનલાઇન (Online) અને ફેસલેસ કરવામાં આવી છે. અરજદારે 20 પ્રકારનાં કામો માટે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. કેવાયસી (KYC) બેઝ ઇ-સેવાથી (E-service) આ કામો ઓનલાઇન થઇ શકશે અને તેના માટેનું પેમેન્ટ (Payment) પણ ઓનલાઇન ચૂકવવાનું રહેશે.
એનઆઇસી (NIC) દ્વારા ઇકેવાયસીની (Ekyc) મદદથી ફેસલેસ સ્વરૂપે વાહન 4.0 અને સારથી 4.0 હેઠળ આ નવી સુવિધા આપવામાં આવી છે. આ કામગીરીનો વાસ્તવિક અમલ થશે. તો વાહનની માલિકી બદલવા, સરનામામાં ફેરફાર, લોનનો બોજો રદ કરાવવો, બેંક લોનનો ઉમેરો કરવો, અન્ય રાજ્યોની એનઓસી, ડુપ્લિકેટ આરસી બુક, ડુપ્લિકેટ પરમિટ અને નવી પરમિટ રિન્યુઅલ, લાઇસન્સ રિન્યુઅલ, લાઇસન્સ રિપ્લેસમેન્ટ, લાઇસન્સનું એક્સટ્રેક્ટ, ડુપ્લિકેટ લાઇસન્સ, લાઇસન્સના સરનામામાં સુધારો, હેઝાર્ડસ લાઇસન્સના ક્લાસનો ઉમેરો, લાઇસન્સના નામમાં સુધારો, લાઇસન્સમાં ફોટો અને સહીનો સુધારો, પહાડી વિસ્તારમાં વાહન ચલાવવાના વર્ગનો ઉમેરો, લાઇસન્સ અથવા બેઝ જમાવવું, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ અને ડિફેન્સ લાઇસન્સ હોલ્ડર માટે લાઇસન્સના વર્ગમાં ઉમેરો કરવા સુધીનાં કામો હવે આરટીઓ કચેરીમાં આવ્યા વિના ફેસલેસ અને ઇ સેવાથી અરજદાર જાતે જ કરી શકશે. તેના લીધે આરટીઓમાં કામનું ભારણ પણ ઘટશે.