મોરબી નજીકના ઝીંઝૂડા ગામના એક મકાનમાંથી એટીએસ દ્વ્રારા જપ્ત કરાયેલા 600 કરોડના 120 કિલો ડ્રગ્સના મામલે ચાલી રહેલી તપાસ દરમિયાન એટીએસ દ્વારા આજે વધુ ચાર આરોપીઓની ધરપક કરી લેવાઈ છે. એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા ચાર આરોપીઓમાં હાજી દાઉદ સંઘાર, મહેબુબ હાજી સંઘાર, રહીમ હાજી તથા નાઈજીરિયન માઈકલ યુગોચુકોનો સમાવેશ થાય છે.
સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે હાજી દાઉદ પોતાની ફાઈબરની બોટ લઈને જખૌથી મદ્યદરિયે ગયો હતો. ત્યાથી તે હેરોઈન લાવ્યો હતો. મહેબુબ હાજી આ બોટના કેપ્ટન તરીકે ગયો હતો. એટલું જ નહીં તેણે ડ્રગ્સની ડિલીવરી લીધી હતી અને તેને સલાયા દરિયા કિનારે ઉતાર્યુ હતું. રહીમ હાજી પણ બોટમાં હેરોઈન લેવા ગયો હતો. જયારે નાઈઝિરિયન નાગરિક માઈકલ યુગોચુકોએ આંગડિયામાં દિલ્હીથી 30 લાખ મોકલાવ્યાં હતાં.
અગાઉ દ્વારકા નાવદ્રા ગામે એટીએસ દ્વારા દરોડા પાડીને 3 આરોપીઓની ધરપકડ કરીને તેઓની પાસેથી 120 કરોડની કિંમતનો 24 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરી લીધો હતો. જયારે મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડના 120 કિલો ડ્રગ્સની દાણચોરીમાં 3 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ હતી.