વાપી: (Vapi) વાપીના વી.આઈ.એ.ગ્રાઉન્ડમાં રવિવારે વલસાડ જિલ્લા ભાજપ (BJP) દ્વારા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ.સી.આર.પાટીલે (C R Patil) ભાજપના દરેક કાર્યક્રરોને હોદ્દા વગર પણ પાર્ટી માટે કામ કરતા રહેવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘વન ડે વન ડિસ્ટ્રીક્ટ’ (One Day One District) કાર્યક્રમ હાથ ધરાશે. જેમાં પ્રદેશ પ્રમુખ અને જેતે ઝોન મહામંત્રી ગુજરાતના દરેક જિલ્લાની મુલાકાત કરશે. તેમજ નાનામાં નાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે. પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ સાથે પણ બેઠક યોજી પાર્ટીને વધુ મજબૂત બનવવાનું કાર્ય કરવામાં આવશે.
આ સાથે તેમણે જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશના લોકોને વિકાસના કાર્યો તેમજ રોજગારીની તક ઊભી કરી છે તેની માહિતી લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને જણાવવામાં આવશે. નાના લોકો માટે પણ આત્મનિર્ભર યોજના અમલમાં મૂકી છે. જેનો વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને લાભ અપાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે પદ મેળવવા ગ્રુપ બનાવી દબાણ લાવવાના દિવસો ગયા. હવે દરેક કાર્યકરને પાર્ટી દ્વારા જવાબદારી સોંપવામાં આવશે. તેમણે વાપી પાલિકાની ચૂંટણીમાં પેજ કમિટી દ્વારા વધુમાં વધુ સભ્યો બનાવી વધુ મતદાન કરાવી ચૂંટણીમાં વિજય મેળવવા આહ્વાન કર્યુ હતું.
આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી તેમજ પારડી વિભાગના ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ વાપી પાલિકાની ચૂંટણી દરેક ઉમેદવારને જીત અપાવવા માટે આપસના મતભેદો ભૂલીને ભાજપ માટે દરેક કાર્યકરને આગળ આવવા હાકલ કરી હતી. તેમણે ઉમેદવારોને પણ કહ્યું હતું કે તમે લોકોના કામ માટે કહો એ કામ છ માસમાં પુરા કરવાની હું તમને ખાતરી આપું છું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારાએ ભાજપ સંમેલનમાં સૌ કાર્યકર્તાને આવકાર્યા હતા. કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યમંત્રી જીતુ ચૌધરી, ભાજપ પ્રદેશના ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, ભાજપના મહામંત્રી શિલ્પેશ દેસાઇ, કમલેશ પટેલ, મહેન્દ્ર ચૌધરી, પ્રભારી શીતલબેન સોની, માધુભાઇ, ધારાસભ્યો અરવિંદ પટેલ, રમણ પાટકર, ભરત પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, નોટિફાઇડ પ્રમુખ હેમંત પટેલ, વાપી પાલિકાના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ, વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા ખુલ્લી જીપમાં સી.આર.પાટીલ, કનુભાઇ, જીતુભાઇ તથા હેમંતભાઇ લઇને વીઆઇએ ગ્રાઉન્ડ સુધી આવ્યા હતા. ભાજપના કાર્યકરો બાઇક રેલી લઇને સાથે આવ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી વચ્ચે આખું મંડપ કેસરી રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.
સાંસદ કે.સી.પટેલનો ફરી બફાટ અપક્ષને ખરીદવાની વાત કરી
વાપીમાં ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં દર વખતની જેમ આ વખતે પણ સાંસદ ડો.કે.સી. પટેલ વિવાદમાં આવ્યા છે. તેમણે ધરમપુર તેમજ ઉમરગામની તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી સાથે જીતને યાદ કરતા કહ્યું કે પહેલા ઉમરગામમાં અપક્ષને પાર્ટીમાં લાવવા કે ખરીદવા પડતા હતા. પરંતુ હવે એ સ્થિતિ નથી. તેમનો કહેવાનો ભાવાર્થ સારો હતો. પરંતુ અપક્ષને ખરીદવા જેવી વાત જાહેરમાં થતાં આ વાતને લઇને ફરી ડો.કે.સી. વિવાદમાં આવ્યા છે.
વાપી પાલિકાના ૪૪ ઉમેદવારો કમળનું નિશાન લઇને હાજર રહ્યાં
વાપી પાલિકાની ૨૮મી નવેમ્બરે ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં ભાજપના ૪૪ ઉમેદવાર સ્નેહમિલન સંમેલનમાં હાજર રહ્યાં હતા. પ્રદેશ અધ્યક્ષે દરેક ઉમેદવારને જીતાડવા માટે આખી પેનલ સાથે જ પ્રચાર કરવા માટે આગ્રહ કર્યો હતો. જો કોઈ ઉમેદવાર એકલો પ્રચાર કરશે તો તે શિસ્તભંગ ગણાશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. જોકે એક ઉમેદવાર પહેલા જ બિનહરીફ વિજેતા થયો છે. આમ હવે ૪૩ બેઠક માટે જ ચૂંટણી છે.