National

રાજસ્થાનનું નવું મંત્રીમંડળ: 11 કેબિનેટ અને 4 રાજ્ય કક્ષાનાં મંત્રીઓએ શપથ લીધા

જયપુર: (Jaipur) ત્રણ વર્ષ બાદ રવિવારે ગેહલોત કેબિનેટનું વિસ્તરણ (Expansion of the cabinet) કરવામાં આવ્યું હતું. રાજભવનમાં બપોરે 4 કલાકથી શરૂ થયેલા 11 કેબિનેટ અને 4 રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. મુખ્યમંત્રી અશોક ગહેલોત અને રાજ્યપાલ કલરાજ મિશ્રાની હાજરીમાં મંત્રીઓએ (Ministers) શપથ લીધાં. રાજ્યપાલે પહેલા હેમારામ ચૌધરીને શપથ લેવડાવ્યા હતા. હેમારામ સચિન પાયલટ ગ્રૂપના છે. હેમારામે પોતાના મતવિસ્તારની અવગણનાનો આરોપ લગાવતા સરકારથી નારાજ થઈને મે મહિનામાં ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હરીશ ચૌધરીની જગ્યાએ હવે હેમારામને બાડમેરથી તક આપવામાં આવી છે. તેઓ ગયા વખતે ગેહલોત સરકારમાં મહેસૂલ મંત્રી પણ હતા. બીજા નંબરે મહેન્દ્રજીત સિંહ માલવિયા અને ત્રીજા નંબરે રામલાલ જાટે શપથ લીધા હતા. રામલાલ જાટને સીએમના ખાસ માનવામાં આવે છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠન નેતા છે અને તેઓ ઘણા વિવાદોમાં પણ રહી ચુક્યા છે. શપથ બાદ તેમણે મુખ્યમંત્રીના ચરણ સ્પર્શ કર્યા હતા.

ચોથા નંબરે મહેશ જોશી અને પાંચમા નંબરે વિશ્વેન્દ્ર સિંહે શપથ લીધા હતા. મહેશ જોશીને અશોક ગેહલોતના મુશ્કેલીનિવારક માનવામાં આવે છે. છઠ્ઠા નંબરે રમેશ મીણાને શપથ લેવડાવવામાં આવ્યા હતા. સાતમા નંબરે મમતા ભૂપેશ અને આઠમા નંબરે ભજનલાલ જાટવે શપથ લીધા. ભૂપેશને રાજ્ય મંત્રીમાંથી કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપવામાં આવી છે. શપથ બાદ બંનેએ સીએમના ચરણ સ્પર્શ કર્યા હતા. આ પછી ભજનલાલ જાટવ, ટીકારામ જુલી, ગોવિંદ રામ મેઘવાલ, શકુંતલા રાવતને શપથ લેવડાવવામાં આવ્યા હતા. બ્રિજેન્દ્ર સિંહ ઓલા રાજ્ય મંત્રી તરીકે શપથ લેનારા પ્રથમ હતા. આ પછી મુરારીલાલ મીણા, રાજેન્દ્ર સિંહ ગુડા અને ઝાહિદા ખાને શપથ લીધા હતાં. ઝાહિદા ખાને અંગ્રેજીમાં શપથ લીધા હતાં. ઝાહિદા ખાન અશોક ગેહલોત ગ્રૂપના છે અને તેઓ બીજી વાર મંત્રી બન્યા છે.

કેબિનેટમાં ફેરબદલ પહેલા રાજસ્થાનમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રી પદ ન મળવાથી ગેહલોત જૂથના કેટલાક ધારાસભ્યો નારાજ થઈ ગયા છે. આટલું જ નહીં નારાજ ધારાસભ્યએ મુખ્યમંત્રીનું વોટ્સએપ ગ્રુપ પણ છોડી દીધું છે. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને સંબોધતા સીએમ અશોક ગેહલોતે કહ્યું કે જેઓ મંત્રી નથી બની શક્યા તેમની ભૂમિકા ઓછી નથી. જે બચશે તેમને એડજસ્ટ કરવામાં આવશે. જે ધીરજ રાખે છે, તેને કોઈને કોઈ તબક્કે તક મળે છે. બધું નક્કી થઈ ગયું છે. રાજસ્થાનમાં વખતોવખત સરકાર બદલાતી રહે છે, પરંતુ આ વખતે અમે સરકારને પુનરાવર્તન કરીને બતાવીશું. સમગ્ર કોંગ્રેસીઓ એકજૂટ રહેશે. જેમને તક મળી છે, મને આશા છે કે તેઓ સોનિયા ગાંધીને નિરાશ નહીં કરે.

Most Popular

To Top