વિશ્વની મહાસત્તા ભવિષ્યમાં જો કોઈ બનશે તો તે ચીન હશે. ભૂતકાળમાં જો કોઈ દેશએ મહાસત્તા બનવું હોય તો તેણે લશ્કરી તાકાત વધારવી પડતી હતી પરંતુ હવેના સમયમાં માત્ર વ્યાપાર વધારીને પણ જે તે દેશ મહાસત્તા બની શકે છે તે ચીનએ પુરવાર કરી બતાવ્યું છે. છેલ્લા 20 વર્ષમાં દુનિયાની સંપત્તિ 3 ગણી વધી તો ચીનની સંપત્તિ 16 ગણી વધી. ચીને અમેરિકાને પાછળ પાડી દીધું અને ચીન હવે વિશ્વનો સૌથી વધુ અમીર દેશ બની ગયો છે.
ચીને વ્યાપાર વધારીને અનેક દેશોન પોતાની ચુંગાલમાં લઈ લીધા છે. વિશ્વના અનેક નાના દેશોને લોન આપીને ચીને પોતાનો વેપાર વધારવાની નીતિ અપનાવી છે અને આ નીતિ તેને ભારે ફળી છે. તાજેતરમાં દુનિયાભરના દેશોની બેલેન્સ શીટ પર નજર રાખતી મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મેકેન્ઝે એન્ડ કંપનીની રિસર્ચ બ્રાંચ દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે છેલ્લા 20 વર્ષમાં દુનિયાની સંપત્તિ 3 ગણી વધી ગઈ છે પરંતુ ચીનની સંપત્તિમાં 16 ગણો વધારો થયો છે. ચીનની આ જે સંપત્તિ વધી છે તેનો ઉપયોગ તે વિશ્વની મહાસત્તા બનવા માટે કરી રહ્યું છે.
ચીન દુનિયાનો સૌથી મોટો વેપારી દેશ છે. ચીનની ચાલ દુનિયાના અન્ય દેશો સમજી શક્યા નથી. ચીન દુનિયાના દેશોને નાણાકીય સહાય આપી રહ્યું છે અને જે તે દેશમાં પોતાને ત્યાં ઉત્પાદિત થતો માલ ઘૂસાડી રહ્યો છે. ચીનની આ ચાલને કારણે ચીન હામલાં વિશ્વમાં વધેલી સંપત્તિમાં 33 ટકાનો ભાગ ધરાવી રહ્યું છે. જે રિપોર્ટ છે તે પ્રમાણે 2000માં દુનિયાની કુલ સંપત્તિ 156 ખરબ ડોલર હતી. જે હવે 2020માં વધીને 514 ખરબ ડોલર થઈ ગઈ છે.
તેમાં પણ ચીનની સંપત્તિ 2000માં 7 ખરબ ડોલર હતી તે હવે 2020માં વધીને 120 ખરબ ડોલર બની ગઈ છે. છેલ્લા 20 વર્ષમાં અમેરિકાની સંપત્તિ બમણી થઈ છે. જેમાં અમેરિકાની સંપત્તિ 2020માં 90 ખરબ ડોલર થઈ ગઈ છે. અમેરિકામાં પ્રોપર્ટીના ભાવમાં કોઈ એવો વધારો થયો નથી. જેને કારણે અમેરિકાની સંપત્તિ એટલી વધી નથી પરંતુ ચીનમાં પ્રોપર્ટીના ભાવોમાં મોટો વધારો થયો છે અને તેને કારણે જ ચીનની સંપત્તિ વધી છે અને તેને કારણે અમેરિકા પોતાનું નંબર વનનું સ્થાન ગુમાવી ચૂક્યું છે.
ચીન અને અમેરિકાની સંપત્તિ વધી છે પરંતુ તેનો ફાયદો જે તે દેશના તમામ નાગરિકોને મળ્યો નથી. રિપોર્ટ પ્રમાણે ચીન અને અમેરિકામાં ધનનો મોટો ભાગ માત્ર કેટલાક ધનિકો પૂરતી જ રહી છે. રિપોર્ટ પ્રમાણે આ બંને દેશોમાં માત્ર 10 ટકાની વસ્તી પાસે જ સૌથી વધુ ધન છે. આ દેશોમાં અમીર વધુ અમીર થઈ રહ્યા હોવાથી અમીર અને ગરીબ વચ્ચે મોટું અંતર ઊભું થઈ જવા પામ્યું છે. રિપોર્ટ પ્રમાણે વિશ્વની આ કુલ સંપત્તિમાં 68 ટકા ભાગ અચલ સંપત્તિ તરીકે છે.
જ્યારે બાકીનો 32 ટકા ભાગમાં બુનિયાદી માળખાની સાથે મશીનરી અને સાધનોનો સમાવેશ થાય છે. રિપોર્ટ પ્રમાણે વિશ્વના ધનિક દેશોમાં ભારતનું સ્થાન પ્રથમ 10 દેશોમાં પણ નથી. ક્રેડિટ સુઈસના ગ્લોબલ વેલ્થ રિપોર્ટ મુજબ ઓકટોબર 2019માં ભારતની સંપત્તિ 12.6 ખરબ ડોલર હતી. જ્યારે ચીનની નેટવર્થ 120 ખરબ ડોલર છે. જે ભારત કરતાં 8 ગણી વધારે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પ્રોપર્ટી બજાર હોય કે પછી અન્ય ધંધા-રોજગાર, મંદીનો માહોલ છવાયેલો હોવાને કારણે ભારતની સંપત્તિમાં એટલો વધારો થયો નથી. ભારતમાં પણ એવી જ હાલત છે કે અમીર વધુને વધુ અમીર બની રહ્યા છે અને તેને કારણે ગરીબો વધુને વધુ ગરીબ બની રહ્યાં છે.
ભારતે તેની સંપત્તિમાં વધારો કરવો હોય તો વેપાર-ધંધાને પ્રોત્સાહન આપવું જ પડશે. જે રીતે ચીને છેલ્લા બે દાયકામાં હરણફાળ ભરી છે તેવી જ રીતે ભારતે પણ આગળ આવવા માટે સુધારાઓને વધુ તેજ બનાવવા પડશે. માત્ર સંવેદનશીલ મુદ્દાઓને ઉછાળવા કરતાં ભારતે જે વાસ્તવિકતાઓ છે તેને વિકાસ સાથે સાંકળીને આગળ વધવું પડશે. જે રીતે ચીન હાલમાં ધનિકતાના મામલે અમેરિકાને પાછળ પાડી દીધું છે તેવી જ રીતે ભારત પણ જો અન્ય મુદ્દાઓને બાજુ પર મુકીને વિકાસનો અને અન્ય દેશોમાં પોતાના ધંધા-રોજગારને વધારવાનો વ્યાયામ કરશે તો ભારત પણ વિશ્વની મહાસત્તા બની શકશે તે નક્કી છે.