રાજ્યના નગરો-મહાનગરોમાં સૌને પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત ભાવથી રાજ્યની ૬ નગરપાલિકાઓમાં કુલ ૬૩.૩૭ કરોડના પાણી પૂરવઠાના વિવિધ કામો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે નગરોમાં પાણી પૂરવઠાના વિવિધ કામો માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં મહુવા નગરપાલિકામાં રૂ. ર૧.૮૭ કરોડ, બાલાસિનોરમાં રૂ. ૧૩.૬૯ કરોડ, ખેડબ્રહ્મામાં ૯.૦૮ કરોડ, ઇડરમાં રૂ. ૬.૩૮ કરોડ તથા થાનગઢમાં રૂ. ૭.૭૬ કરોડ અને સિકામાં રૂ. ૪.પ૯ કરોડના કામોનો સમાવેશ થાય છે, રાજ્યના આ નગરોમાં આગામી ર૦૩૬ની વસ્તીના અંદાજો ધ્યાને રાખીને આ પાણી પૂરવઠા યોજનાઓનું નિર્માણ હાથ ધરાવાનું છે.
વડોદરાના સાવલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે પાણી સમસ્યાનું કારણ નહીં પણ, વિકાસનું માધ્યમ બન્યું છે. રાજ્યમાં ગાંધીનગર, મહેસાણા, આણંદ, બોટાદ અને પોરબંદર પછી હવે સો ટકા નલ સે જલ મેળવવામાં છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે, પટેલે વડોદરા જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે કુલ રૂ. ૪૯૧.૩૯ કરોડના પાણી પુરવઠાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.
પટેલે કહ્યું હતું કે કે, પીએમ નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન હેઠળ વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. વડોદરા જિલ્લાએ તો ૨૦૨૧માં જ સાકાર કરી લીધો છે. રાજ્યના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું પાણી પહોંચાડવાનો વડાપ્રધાનનો સંકલ્પ આખા ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં પરિપૂર્ણ થઇ જાય એ નિર્ધાર સાથે રાજ્યમાં આ યોજનાની કામગીરી ત્વરાથી થઇ રહી છે