સુરત: (Surat) પંજાબ (Punjab), હરિયાણાના (Hariyana) ખેડૂતો (Farmers) દ્વારા ડાંગરના પાક માટે પરાળી સળગાવી રહ્યાં છે જેને લીધે એર પ્રદુષણ ફેલાતા દિલ્હીમાં સવારે અને સાંજે લોકોને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થઇ છે. દિલ્હીમાં (Delhi Air pollution) જ્યાં પરાળી અભિશાપરૂપ બની છે ત્યાં સુરત સહિત ગુજરાતના જિલ્લાઓમાં પરાળી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામો સહિતના ખેડૂતો 1 એકર જમીનમાંથી 3000કિલો પશુચારો મેળવી રહ્યાં છે
જિલ્લાના ખેડૂત આગેવાન અને કોટન ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત રિજયનના ડિરેક્ટર જયેશ એન.પટેલ (દેલાડ) કહે છે કે ગુજરાતમાં આ વર્ષે 7 લાખ હેક્ટર જમીનમાં ડાંગરનો પાક થયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી પરાળી સળગાવી પ્રદુષણ ફેલાવવાને બદલે આધુનિક ટેકનોલોજી મશીનરીનો ઉપયોગ કરી પરાળ કાઢે છે. ટ્રેક્ટર સાથે પરાળ કાપવાની મશીનરી રાખી તેની ગાસડીઓ બનાવવામાં આવે છે. પરાળીમાં પોષક તત્વો ઓછા હોવાથી નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની સલાહ લઈ પરાળી સાથે યુરિયા ટ્રીટમેન્ટ કરી પશુધન માટે ઘાસચારો તૈયાર કરવામાં આવે છે. અને એ રીતે સાયન્ટિફિક ટ્રીટમેન્ટથી પશુ આહાર બનાવવામાં આવે છે.તથા વધારાના ઘાસનો નિકાલ કરવામાં આવે છે.
જયેશ દેલાડ કહે છે કે,સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા સહિતના દક્ષિણ ગુજરાતના ગામોમાં 1 એકર ડાંગરવાળી જમીનમાંથી 3000 કિલો ગ્રામ પરાળી બને છે. ડાંગરની કાપણી પછી ટ્રેક્ટર સાથે મશીનરી જોડી પરાળ કાપવામાં આવે છે. તેને ગાસડીમાં રૂપાંતરિત કરી યુરિયા ટ્રિટમેન્ટ આપી પોષક તત્વો ઉમેરી પરાળીને પશુના આહારમાં તબદીલ કરવામાં આવે છે. અને તે રીતે સુરત,દક્ષિણ ગુજરાત અને ગુજરાતના ખેડુતો પરાળી સળગાવવાને બદલે પશુઆહારમાં ફેરવી જળવાયું પરિવર્તન રોકવામાં મોટું યોગદાન આપી રહ્યા છે.આ સંશોધન પંજાબ,હરિયાણા અને દિલ્હીના ખેડૂતો સુધી લઈ જવામાં આવે તો પરાળી સળગાવવાને લીધે દિલ્હીના પ્રદૂષણની સમસ્યા ઉકેલાઈ શકે છે. આ ટેક્નોલોજીનો પ્રથમ પ્રયોગ સુરત,નવસારી. જિલ્લાઓમાં થયા પછી ગુજરાતમાં જ્યાં ડાંગરનો પાક થાય છે ત્યાં થઈ રહ્યો છે.જેનાથી પશુધનના ઘાસચારા પાછળ થતો મોટો ખર્ચ પણ ઘટ્યો છે.