દિવાળીની રાહ જોતા હતા અને તહેવાર આવીને ગયો પણ ખરો. મુંબઇ જેવાં શહેરોમાં બધી દોડાદોડી એકાદ દિવસ પૂરતી માંડ બંધ રહે અને પછી ઘરેડ જેવી હતી તેવી. આ વર્ષે માસ્કવાળી બીજી દિવાળી રહી. ફરવાનો ‘પ્રોગ્રામ’ કર્યા વિના આપણને ગુજરાતીઓને મજા ન પડે. નોકરીધંધા તો આખું વર્ષ ચાલવાના અને એમાં પાછું આ વર્ષે તો ત્રીજા વેવની તલવાર મ્યાનમાં રહેશે કે નીકળશેની ચિંતા પણ ખરી? આવી હાલતમાં મોટેભાગે ‘ટ્રાવેલ ટૂરિઝમ’ના ધંધામાં તેજી લાવનારા ગુજરાતીઓએ ‘લિઝર’ માટે નવા રસ્તા શોધી કાઢ્યા. આ વખતે વાયરસને ‘નાખો વખારે’ કરીને ગુજરાતીઓએ એકેય ટૂરિઝમ સ્પોટને ખાલી નથી રહેવા દીધા. આસાપાસ હોય કે દૂર–ફરવું તો પડશે જ. ભાઇસાબના ઝોનમાં આવેલા ગુજરાતીઓએ ટ્રાવેલ અને ટૂરિઝમની મંદીને તેજીમાં ફેરવી નાંખી એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. રોમમાં રસપુરી અને પેરિસમાં પાંતરા ન થાય તો કંઇ વાંધો નહીં પણ જલસા તો કરવા જ પડે અને માટે જ ‘સ્ટેકેશન’, ‘ફાર્મહાઉસ’, ‘વિલા સ્ટેઝ’, ‘વાઇનયાર્ડ ટ્રીપ્સ’, ‘આઉટ સ્કર્ટ્સ વિકેન્ડ્ઝ’ જેવા રસ્તા શોધી કાઢ્યા છે.
રોગચાળાને કારણે 2020નું મોટાભાગનું વર્ષ ચિંતામાં જ પસાર થયું પણ દિવાળીની આસપાસ અને ખાસ કરીને વર્ષાંતે લોકોની હિંમત જરા ખૂલી. છતાં ય ટ્રાવેલના રિસ્ટ્રિક્શન્સ હતાં અને હજી દૂર સુધી પ્રવાસ કરવામાં લોકોમાં ખાસ્સો ખંચકાટ હતો. રોગચાળાને પગલે લોકો જે રીતે મુસાફરી કરતા હતા તેમાં ભારે ફેરફાર આવ્યા અને સૌથી વધુ જો કોઇ ટ્રેન્ડ ઉપડ્યો હોય તો એ હતો ‘સ્ટેકેશન’નો ટ્રેન્ડ! સ્ટેકેશનનો સરળ અર્થ થાય સ્ટે અને વેકેશન – જેમાં તમે એવું વેકેશન લો જે તમારા ઘરની નજીક હોય અને તમારા સામાન્ય હૉલીડે કરતાં જરા એક-બે દિવસનો સમય તમે વધારે લો. ન્યૂ નોર્મલ તરફ આગળ વધી રહેલી દુનિયામાં સ્ટેકેશન લોકોમાં પૉપ્યુલર બન્યા.
જે શહેરમાં રહેતા હોય ત્યાંની જ કોઇ લક્ઝુરિયસ હૉટેલમાં અથવા તો શહેરથી સહેજ દૂર આવેલા કોઇ લક્ઝુરિયસ રિસોર્ટમાં રહેવા જવું અને ત્યાં મળતી બધી જ સવલતો માણવાનો ટ્રેન્ડ ફરવા ઉત્સુક ગુજરાતીઓને માફક આવી ગયો. લૉકડાઉનમાં પરણેલા કપલ્સે હનીમૂનના વિકલ્પ તરીકે હાઇ-એન્ડ રિસોર્ટ જે ઘરની નજીક હોય ત્યાં જવાનું પસંદ કર્યું તો બર્થ ડે ઉજવવા માટે પણ યંગસ્ટર્સે થ્રી સ્ટાર હોટલ્સથી માંડીને ફાઇવ સ્ટાર હોટલ્સના રૂમ્સ હાયર કરી ગણતરીના લોકો સાથે સેલિબ્રેશન કરવાનું પસંદ કર્યું. કલાકો સુધી વર્ક ફ્રોમ હોમ કરનારાઓ માટે પણ સ્ટેકેશનનો ડિ-સ્ટ્રેસિંગ અનુભવ અનિવાર્ય બની ગયો. આ સંજોગોમાં હોટેલિયર્સે પણ તગડાં ડિસ્કાઉન્ટ, એક્સ્ટ્રા પર્ક્સ વાળી ડીલ્સ જેવું ઘણું ઑફર કર્યું.
ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતો એક શબ્દ છે રિવેન્જ ટ્રાવેલ – બદલો લેવા માટે ટ્રાવેલ કરનારા એટલે કોઇ ખુન્નસથી ફરવા જનારાઓ નહીં પણ રૂટિન–ઘરેડ તોડવા માગતા લોકો જ્યારે મુસાફરી કરવાનું નક્કી કરે ત્યારે તેને રિવેન્જ ટ્રાવેલ કહેવાય. લૉકડાઉન ફટિંગને તોડવા માટે, એક સરખી ઘટમાળમાંથી બહાર આવવા માટે પહાડોની ટોચ હોય કે દરિયા કાંઠો હોય – જ્યાં ખાસ ભીડ ન હોય તેવી જગ્યાઓ પર મુસાફરી કરનારાઓની સંખ્યા વધી. વળી સોલો ટ્રિપ્સનો ટ્રેન્ડ પણ તેજીમાં આવ્યો. ઘરમાં સતત બધાં સાથે રહ્યા પછી તો ભાઇસાબ મિત્રો ય ન ખપે એવી માનસિક સ્થિતિ થઇ હોય તેવા લોકોની સંખ્યા ઓછી નથી.
આવા લોકોએ સોલો ટ્રિપ લેવાનું પસંદ કર્યું અને તે પણ દૂર જવાને બદલે શહેરની સરહદે આવેલાં સ્થળોએ જવું, એડવેન્ચર ટ્રાવેલ જેવું કંઇ જ્યાં ટ્રેકિંગ કરી શકાય તેવા સ્થળે જવાનું પસંદ કર્યું. બીજી તરફ ફેમિલી ઑરિએન્ટેડ ધનિકોને ફાર્મહાઉસ પાર્ટી સિવાયના હેતુસર કામે લાગ્યા. વાયરસને કારણે ખાસ કરીને ફાર્મ હાઉસ કલ્ચર ખાસ્સું એવું વિકસ્યું છે. એક સમયે વિકેન્ડ પાર્ટી માટે જ વપરાતા ફાર્મહાઉસ પર કમ્ફર્ટ વધારીને ત્યાં શાંતિથી સમય પસાર કરનારાઓની સંખ્યા વધી. લોકલ એક્સપિરિયન્સને મહત્ત્વ આપનારા ગુજરાતીઓને ભજિયાં તળી આપતા મહારાજ અને ચાઇનિઝ લાવી આપનારા ગુરખાઓ સાથે ફાર્મહાઉસ પર કે લોનાવલાના બંગલાઓ પર સમય પસાર કરવાનું હવે વધારે માફક આવે છે.
આ બધા ઉપરાંત કંઇક નવો અનુભવ મળે તેવો પ્રવાસ કરનારાઓની સંખ્યા પણ વધી. ઇન્ટરનેટ જનરેશનના પ્રભાવમાં યોલો-એટલે કે યુ ઓનલી લિવ વન્સની મેન્ટાલિટી વાયરસને કારણે પ્રબળ થઇ. આ સંજોગોમાં ઓછો ખેડાયેલો હોય તેવો વિકલ્પ પસંદ કરવો અને કંઇક અલગ અનુભવવાની ચાહ ગુજરાતીઓમાં વિકસી. સાપુતારા હોય કે દમણ કે પછી ડાંગ કે પછી મુંબઇની આસપાસ આવેલા કામશેત જેવા વિસ્તારોનો અનુભવ લઇ ત્યાંના લોકો સાથે કનેક્ટ થવું વગેરે ૨૦૨૧ના ટ્રાવેલ ટ્રેન્ડ્ઝમાં પૉપ્યુલર બન્યા. વળી વેડફાટમાં એક્સપર્ટ લોકો હવે સસ્ટેનેબલ ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે.
વળી વિલાઝ કે કોટેજ હાયર કરી કામના બોજ વિના જાતે ખાવાપીવાનું મેનેજ કરવાનો અનુભવ લેનારાઓની સંખ્યા પણ વધી. વળી પીવાના શોખીન ગુજરાતીઓ નાસિકની આસપાસના વાઈનયાર્ડ્ઝને એક્સપ્લોર કરીને કેલિફોર્નિયાની નાપા વેલીમાં હમણાં નહીં જઇ શક્યાના અફસોસને હાંસિયામાં ધકેલી દે છે. વળી ખાવાપીવાના શોખીન ગુજરાતીઓ માટે ચાર ધામ યાત્રાના વિકલ્પો પણ હાલમાં ખોરંભે મુકાયેલા છે. કુદરતી આફત અને કથિત રીતે માનવસર્જીત વાયરસે ભલભલું બદલી નાખ્યું છે અને ગુજરાતીઓના પ્રવાસના વિકલ્પોમાં આવેલો ફેરફાર આ સંજોગોનું જ પરિણામ છે. મુદ્દો એ છે કે તેઓ (આપણે) હજીય કશું જતું કરીને કે મન મનાવીને બેસવાને બદલે રસ્તા તો શોધી જ લે છે (લઇએ છીએ).